દાદાભાઈ નવરોજી
હિંદના દાદા (‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા)
બ્રિટિસ સંસદમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય
જન્મતારીખ: 4 સપ્ટેમ્બર 1825
જન્મસ્થળ: મુંબઇ
પિતાનું નામ: પાલનજી નવરોજી
માતાનું નામ: માણેકબાઇ
અવશાન: 30 જૂન 1917
ઉપનામ: હિંદના દાદા (‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા)
ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે જેવા ઘણા બધા નામી-અનામી લોકોનો ખૂબ જ મોટો ફાળો છે. સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ તો દેશની બહારથી પણ આઝાદી માટે લડત લડી રહ્યા હતાં. ગાંધીજીના નેતૃત્વમાં હજારો સ્વાતંત્ર્ય સેનાની બ્રિટિશ શાસિત ભારતને સ્વતંત્ર કરાવવા ચળવળમાં જોડાયા અને તેમાંના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાય શહિદ થયા ત્યારે આપણો દેશ આઝાદ થયો. મિત્રો, આ સ્વાતંત્રસેનાની પૈકી આજે આપણે દાદાભાઈ નવરોજીનો થોડો પરિચય મેળવીએ. દાદાભાઈ નવરોજીને આપણી સ્વાધીનતાના મંત્રદ્રષ્ટા પણ કહેવાય છે.
દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર,1825 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો જન્મ એક પારસી પરિવારમાં થયો હતો. દાદાભાઈ નવરોજીના પિતા પુરોહિત હતા
૧૮૨૫ ની સાલમાં આપણો દેશ અંગ્રેજોની કારમી ગુલામી , અંગ્રેજો દ્વારા કરવામાં આવતા અસહ્ય દમનો માંથી પસાર થઇ રહ્યો હતો. આવા સમયે અંગ્રેજોની ગુલામી માંથી આપણા દેશને સ્વતંત્ર કરવા માટે રાષ્ટ્રભક્તો ઝઝૂમી રહ્યા હતા.આવા રાષ્ટ્રભક્તો માનું એક અમર નામ એટલે દાદાભાઈ નવરોજી.
દાદાભાઈ એ બાળપણ માંજ માત્ર ચાર વર્ષની ઉંમરે પિતાજીની હૂંફ ગુમાવી એમના માતા માણેકબાઈ એ ખુબ સંઘર્ષ વેઠીને કાળજી પૂર્વક એમનો ઉછેર કર્યો અને માના વાત્સલ્યસભર ઉછેરના કારણે બાળપણથી જ દાદાભાઈ માં શિક્ષા તથા જ્ઞાન પ્રત્યે લગાવના બીજ રોપાયા અને ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉભરી આવ્યા. બાળપણથી જ મુશ્કેલીઓ અને સંઘર્ષ સાથે જીવનની શરૂઆતના લીધે તેમનામાં આત્મબળ અને આત્મશિસ્તના ગુણોની સંપત્તિનો વિકાસ આપમેળે થયો અને તેઓ આજીવન સારા અને શ્રેષ્ઠ જીવન માટે જાગૃત રહ્યા.
એ સમયે ભારતમાં બાળલગ્ન ની પરંપરા હતી અગિયારમા વર્ષે દાદાભાઈ ના લગ્ન સોરાબજી શ્રોફ ના સાત વર્ષના દીકરી ગુલબાઇ સાથે કરાવવામાં આવ્યા
ગામડાની શાળામાં દાદાભાઈની તેજસ્વીતા અને અનુસાશનમાં વધારે ને વધારે નિખાર આવ્યો. ત્યાર બાદ નેટિવ એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થામાં વધુ અભ્યાસ માટે દાખલ થયા. શિક્ષણની સાથે સાથે શાળામાં કરાવવામાં આવતી વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિઓમાં પણ એમણે ઝીણવટ પૂર્વક રસ લીધો અને આમ તેમની નેતૃત્વ શક્તિ ખીલી. ગિલ્લી દંડા એમની પ્રિય રમત આ રમત ને તેઓ “હિંદ ની ક્રિકેટ” કેહતા
યુવાનીમાં પ્રવેશેલા દાદાભાઈ એ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ કોલેજ માં અભ્યાસ કર્યો. કોલેજકાળમાં ગણિત , રાજકીય અર્થ શાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્ય એમના પ્રિય વિષયો રહ્યા. બાળપણથી કરેલા સંઘર્ષ , સંયમ અને શિક્ષણના લીધે તેમનું ચરિત્ર ભરયુવાનીમાં સંપૂર્ણ પણે ખીલ્યું. કોલેજમાં પ્રોફેસર દ્વારા તેમને ” હિંદ કી આશ ” નામનું બિરુદ આપવામાં આવ્યું જે સમય જતા સાચું પડ્યું
દાદાભાઈ એ વિદ્યાર્થીકાળ માં જે જોયું અનુભવ્યું કે દેશની પ્રજા પર અંગ્રેજો દ્વારા દમન ગુજારવામાં આવી રહ્યો છે. લોકોને પ્રાથમિક હકોથી વિમુખ રાખવામાં આવી રહ્યા છે. એટલે રાષ્ટ્રજનો માં લોકજાગૃતિની અલખ જગાડી રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રને સ્વતંત્ર કરવું જ રહ્યું અને એ માટે એમણે રાષ્ટ્રને સ્વતંત્ર કરવાનો સંકલ્પ કર્યો
કોલેજ પૂર્ણ થયા બાદ તેઓ એલ્ફિસ્ટન કોલેજમાં જ ગણિતના પ્રધ્યાપક તરીકે જોડાયા . એ સમયે પ્રધ્યાપક ના ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત થનારા દાદાભાઈ નવરોઝી પ્રથમ ભારતીય હતા
પોતે ધંધાકીય કારકિર્દી બનાવવા માગતા હોવાથી તેઓ 30 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા. દાદાભાઈએ ઇંગ્લેન્ડમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શિયલ પેઢીમાં ભાગીદાર બન્યા અને પોતાનું કોમર્શીયલ હાઉસ ઊભુ કર્યુ.
1851માં ધર્મ-સુધારણા માટે ‘રહનુમા-ઈ-મઝદયરન સભા’ની સ્થાપના કરી અને આ સંસ્થા મારફતે ‘રાષ્ટ્ર ગોફતાર’ નામના મુખપત્ર દ્વારા પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યુ.ત્યારબાદ દાદાભાઈએ ધર્મ માર્ગદર્શક નામનું મેગેઝિન પણ શરૂ કર્યું હતું.
1859માં ઈન્ડિયન સિવિલ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ. ભારતીય સમાજમાં બુદ્ધિજીવીઓની ઉન્નતિ માટે કોઈ પદ્ધતિસર કામ કરનાર પ્રથમ વ્યક્ત હોય તો એ દાદાભાઈ નવરોજી છે.
1861માં તેઓએ ધ લંડન અંજુમન નામની સંસ્થા સ્થાપી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા.
1862માં ભારતની વાસ્તવિક પરિસ્થિતિ અને અંગ્રેજ શાસનમાં થયેલી દૂર્દશા તથા ભારતીય પ્રજાની જરૂરિયાતોનો સાચો ખ્યાલ ઈગ્લેન્ડની પ્રજા સુધી પહોચાડવાના ઉદ્દેશથી દાદાભાઈએ ‘ઈસ્ટ ઈન્ડિયન એસોશિયેશન’ નામે એક વગદાર સંસ્થાની સ્થાપના કરી.
1869ના જુલાઈમાં ગોંડલના મહારાજા ભગવદસિંહજી અને મુંબઈના શેરીફે પ્રેમજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં દાદાભાઈનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને તેમને ₹ 25,000 (આજના કરોડો રૂપિયા બરાબર) આપવામાં આવ્યા હતા. દાદાભાઈએ આ નાણાં તેમની સંસ્થા ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનને દાનમાં આપી દીધા હતા.
ભાવનગર, કચ્છ અને વડોદરાના રાજાઓએ પણ દાદાભાઈનું સન્માન કર્યું હતું.
દાદાભાઈએ વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને બ્રિટિશ એજન્ટ સાથેના પ્રશ્નો હલ કરવામાં મદદ કરી જેનાથી ખુશ થઈને મહારાજાએ 1874માં તેમને વડોદરાના દીવાન નિમ્યા હતા.
દાદાભાઈ કન્યા કેળવણીના પણ અત્યંત હિમાયતી હતા. તેઓ તેમના સાથીઓ સાથે ઘરે ઘરે જઈને માતા-પિતાઓને તેમની દીકરીઓને ભણવા મોકલવા વિનંતી કરતા. તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર ટિળકની સાથે સાથે ગાંધીજીના પણ ગુરુ હતા.
1886માં બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવવાના હેતુથી દાદાભાઈ ઈગ્લેન્ડ પાછા ફર્યા અને 1892માં ઈગ્લેન્ડ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા. આ રીતે દાદાભાઈ બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા અને તેઓ ભારતીય રાષ્ટ્રવાદના પિતા તરીકે જાણીતા બન્યા.
દાદાભાઈની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે.
તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના શરૂઆતના વર્ષોમાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેમણે ઉદારમતવાદી રસ્તો અપનાવ્યો હતો.
દાદાભાઈ વિવિધ ક્રાંતિકારી કાર્યક્રમોમાં જોડાઈને 1904માં સ્વરાજની માંગણી કરી હતી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં અપમાનિત થતાં તેમણે દાદાભાઈ નવરોજીને પત્ર લખી સલાહ માગી હતી. દાદાભાઈ ગાંધીજીથી લગભગ 44 વરસ મોટા હતા
ગોપાલ કૃષ્ણ ગોખલે અને ગાંધીજી સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓ દાદાભાઈને એક વરિષ્ઠ સલાહકાર તરીકે આદર આપતા હતા. જેને કારણે એમને હિંદના દાદાના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.
દાદાભાઈનું જીવન સાદગી, શુધ્ધતા અને પ્રભાવશાળી રહ્યુ હતું. આવા પ્રભાવશાળી અને સાદગીથી ભરેલા દાદાભાઈના જીવનનો 30 જૂન, 1917 ના રોજ અંત આવ્યો હતો.
93 વર્ષની પરિપક્વ ઉંમરે દાદાભાઈનુ મૃત્યુ થયુ હતું.
ભારતીય ટપાલ ખાતાએ દાદાભાઈ નવરોજીની પહેલી ટપાલટિકિટ 1963માં જ્યારે બીજી 1997માં અને ત્રીજી 2017માં બહાર પાડી
તેમણે એકવાર કહ્યું હતું કે, ‘સંગઠિત થાઓ, સતત પ્રયત્ન કરો અને સેલ્ફ ગવર્મેન્ટ હાંસલ કરો, જેથી લાખો લોકો હાલમાં ગરીબી, દુષ્કાળ અને પ્લેગથી મરી રહ્યા છે તેઓને બચાવી શકાશે.’
આજે આપણે સ્વાતંત્ર્ય અને આઝાદીના જે મીઠા ફળ ભોગવી રહ્યા છીએ તે મેળવવા આવા અનેક મહાપુરૂષોએ સમગ્ર જીવન ન્યોછાવર કરેલું. આપણા સૌની નૈતિક ફરજ છે કે તેઓને યાદ કરી તેમના જીવનમાંથી દેશપ્રેમ અને રાષ્ટ્ર માટે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના કેળવીએ.
અભ્યાસી, નીડર, રાષ્ટ્રપ્રેમી એવા દાદાભાઈની સ્મૃતિમાં ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ એવાં ત્રણ-ત્રણ રાષ્ટ્રોમાં રસ્તાઓનું નામકરણ થયું.
ત્રણ-ત્રણ રાષ્ટ્રોમાં જેની ખ્યાતિ હોય એવી વિરલ વિભૂતિ દાદાભાઈ હતા.
તેમણે સૌ પ્રથમ દેશને ‘સ્વરાજ્ય’ સૂત્ર આપ્યું હતું. આજના આધુનિક ભારતનું નિર્માણ કરનાર દાદાભાઈ નવરોજીને શત શત પ્રણામ.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work