ગિજુભાઇ બધેકા
બાળ કેળવણીના પ્રણેતા, "મૂંછાળી માં" તરીકે જાણીતા
બાળ વાર્તાકાર
9 જાન્યુઆરી 1915ના રોજ વકીલ મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકાથી સ્વદેશ આવ્યા અને રાષ્ટ્રની આઝાદી માટેની લડતમાં દેશને નવું નેતૃત્વ મળ્યું. એ જ વર્ષે, 1915માં જ આફ્રિકાથી સ્વદેશ પરત આવી સફળ વકીલાત કરનાર ગિરજાશંકર ભગવાનજી બધેકા-(ગિજુભાઈ) એ એક વર્ષ પછી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગર ખાતે જોડાઇને એક અર્થમાં બાળ સ્વાતંત્ર્યનું રણશીંગુ ફૂક્યું.
આ બંને ઘટના રાષ્ટ્રના ભાવિ માટે નોંધપાત્ર અને ઐતિહાસિક બની.
આજથી 100 વર્ષ પૂર્વે જ્યારે બ્રિટિશ શાસને પ્રજાનું હીર છીનવી લીધુ હતું ત્યારે પ્રાથમિક શિક્ષણની જ ઘોર અવગણના હતી.
પ્રાથમિક શિક્ષણ “ધૂડી નિશાળ” ગણાતી અને સાત વર્ષની ઉંમરના રડતા બાળકને ઘસડીને શાળામાં પ્રવેશ માટે લઈ જવાતો. પછી તો “સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ”…
આ દ્રશ્યથી જેમનું સંવેદનતંત્ર હચમચી ઉઠ્યું તે આપણા ગિજુભાઈ!
જ્યાં પ્રાથમિક શિક્ષણની આવી અવદશા હોય ત્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની તો કલ્પના જ ક્યાંથી હોય?
આવા વિપરીત સમય-સંજોગોમાં સમય સામે બાથ ભીડીને એમણે 100 વર્ષ પહેલા 3થી6 વર્ષના બાળકો માટે શિક્ષણનો વિચાર કરી અમલમાં મૂક્યો.
ભારતના કેળવણી ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું. 1920થી 1939 બે દાયકામાં આ અજોડ શિક્ષકે બે સદી જેટલો ફાલ આપ્યો. “ધૂડી નિશાળ” ની જડતા અને અંગ્રેજી માધ્યમની ઘેલછા, એ બન્નેને પડકારી માતૃભાષામાં 3 થી 6 વર્ષના બાળકને પર્યાવરણ, પ્રકૃતિ નિરીક્ષણ, પ્રવાસ, રમતગમત, કલા, પ્રવાસ, ઈન્દ્રીયશિક્ષણ માટે વિશિષ્ટ સાધનો, ભારતીય પંરપરા અને ભાષાઓમાં ઉપલબ્ધ બાળ સબંધિત સાહિત્યનો ખજાનો ખોલીને ઘર અને નિશાળમાં રૂંધાતા બાળકોને ખિલખિલાટ હસતા, સ્વસ્થ અને સંવેદનશીલ વિશ્વમાનવ બનાવી નવનિર્મિત રાષ્ટ્રના નાગરિક માટેનું ઘડતર આ પરમ શિક્ષકે આરંભી દીધું.
ગિજુભાઈએ જાણે બાળ કેળવણીનો એક નવો જ ઈતિહાસ રચ્યો. એમણે વર્ગખંડની ભૂગોળ જ બદલી નાખી અને બાળકોને ખુલ્લા આકાશ નીચે વિસ્મયભરી આંખે દૂરની ક્ષિતિજને નિહાળતા કર્યો. એમ કહો કે કેળવ્યા.
ભારતીય પરંપરામાં એક જાણીતું સૂત્ર છે આચાર્ય દેવો ભવ:. સદીઓ પછી આ પરમ શિક્ષકે નવો મહામંત્ર આપ્યો બાલ દેવો ભવ:. ગિજુભાઈને વિશ્વાસ હતો કે બાળવયની તાલીમ, મનોવૃતિ ઘડતર અને સંસ્કાર જ સમાજ અને રાષ્ટ્રને ઘડશે, નિખારશે અને જાળવશે.
ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.
- શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો, આ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.
- બાળસાહિત્ય - ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
- ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).
- દિવાસ્વપ્ન.
ગિજુભાઇ વિશે લખનાર હું કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રદ્ધાએ મને હંમેશા મુગ્ધ કર્યો હતો એનુ કામ ઉગી નીકળશે
-ગાંધીજી
વર્ષ 2021થી ગુજરાત સરકાર દ્વારા 15 નવેમ્બરને ગિજુભાઇની 137મી જન્મજયંતિએ " બાલવાર્તા દિન" તરીકે ઉજવવાનું શરુ કરવામાં આવેલ છે.
ગિજુભાઇ બધેકાની બાલવાર્તાઓ વાંચવા અને તેનો ઓડિયો સાંભળવા