મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label ગણેશ ચતુર્થી. Show all posts
Showing posts with label ગણેશ ચતુર્થી. Show all posts

10 September, 2021

ગણેશ ચતુર્થી

 ગણેશ ચતુર્થી


वक्रतुण्ड महाकाय सूर्यकोटी समप्रभ l
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ll

જે ગણેશજીની વંદના માટેનો શ્લોક છે.

'ॐ गं गणपतये नमः જે ગણપતિ મંત્ર છે.

 ગણેશજી હિંદુ ધર્મના દરેક કાર્યમાં સૌ પ્રથમ પુજનીય છે. જેવી કે વિદ્યાના આરંભમાં, વિવાહના પ્રસંગમાં, નવા મકાન કે ઓફિસના મુર્હતમાં, આદિકાળમાં જ્યારે સંગ્રામ થતો હતો ત્યારે ગણેશજી પ્રથમ પુજતા અને જ્યારે જીવનમાં કોઇ વિઘ્ન કે મુશ્કેલી આવે તે સમયે.

ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા સુદ ચોથના દિવસે દેશ-દુનિયામાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગણપતિ બાપાના ભક્ત આ દિવસે તેમને ઘરે લાવીને તેમની સ્થાપના કરે છે. 10 દિવસ સુધી પૂજા બાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે.

શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે.

ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. 

જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. 

હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે.

 ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.


  • પિતા- ભગવાન શિવ
  • માતા- ભગવતી પાર્વતી
  • ભાઈ- શ્રી કાર્તિકેય
  • બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
  • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
  • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
  • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
  • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
  • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
  • અધિપતિ- જલ તત્વનાં
  • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ


ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કળિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે


ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.


મહારાષ્ટૃમાં ગણેશજીના આઠ મંદિર આવેલા છે જેને અષ્ટ વિનાયકના નામે ઓળખવામા આવે છે તેના વિશે જાણીએ.

1. બલ્લાલેશ્વર
મહારાષ્ટ્રના મુંબઇ-ગોવા માર્ગ પર પાલી ગામ સ્થિત ગણપતિનું આ પાવન ધામ. આ મંદિરનું નામ ગણપતિના અનન્ય ભક્ત બલ્લાલના નામે રાખવામાં આવ્યું છે. આ મંદિરની પાવનતાને એ પ્રકારે સમ્જી શકાય છે કે પેશવાકાળમાં અહીની સોગંધ આપીને ન્યાય કરવામાં આવતો હતો. અહીં ડાબી બાજુવાળા ગણપતિ વિરાજમાન છે. 

2. શ્રીવરદ વિનાયક
ગણોના અધિપતિ શ્રી ગણેશજીનું શ્રીવરદ વિનાયક મંદિર મહારાષ્ટ્રના મહડમાં સ્થિત છે. માન્યતા છે કે ઋષિ ગૃત્સમદે આ મંદિરમાં શ્રીવરદ વિનાયકને સ્થાપિત કર્યા હતા. સુખ-સમૃદ્ધિનું વરદાન આપનાર ગણપતિનું આ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. 

3. ચિંતામણી
મહારાષ્ટ્રના થેઉર ગામમાં સ્થિત ચિંતામણી ગણપતિનું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. માન્યતા છે કે ડાબી તરફ સૂંઢવાળા ચિંતામણી ગણપતિના દર્શન માત્રથી જ વ્યક્તિની તમામ ચિંતાઓ દૂર થઇ જાય છે. 

4. મયૂરેશ્વર
મહારાષ્ટ્રના મોરગાંવમાં શ્રી મયૂરેશ્વર વિનાયકનું મંદિર આવેલું છે. પૂણેથી લગભગ 80 કિલોમીટરના અંતરે આ પાવનધામ પર ગણપતિની બેસેલી મુદ્રામાં મૂર્તિ છે. ડાબી સૂંડવાળા ગણપતિની પ્રતિમાની સામે નંદી સ્થાપિત છે. માન્યતા છે કે ગણપતિએ આ સ્થાન પર મોરા પર સવાર થઇને સિંધુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. 

5. સિદ્ધિવિનાયક
મહારાષ્ટ્રના પૂણે શહેરથી લગભગ 200 કિલોમીટર દૂર સિદ્ધટેકમાં શ્રી સિદ્ધિવિનાયકનો મંદિર છે. મંદિરમાં ગણપતિની લગભગ ત્રણ ફૂટ ઉંચી અને અઢી ફૂડ પહોડી ડાબી તરફ સૂંઢવાળી મૂર્તિ છે. માન્યતા છે કે આ સ્થાન પર ભગવાન વિષ્ણુએ શ્રી સિદ્ધિવિનાયક ભગવાનની સાધના કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. 

6. મહાગણપતિ
અષ્ટવિનાયકમાંથી એક મહાગણપતિના મંદિર મહારાષ્ટ્રના રાજગગાંવમાં સ્થિત છે. મહાગણપતિનો અર્થ છે કે શક્તિયુક્ત ગણપતિ. માન્યતા છે કે ગણપતિના આ સ્વરૂપની સાધના કરીને ભગવાન શિવે ત્રિપુરાસુર રનામના રાક્ષસ પર વિજય પ્રાપ્ત કરી હતી. મહાગણપતિની મૂર્તિ ડાબી સૂંઢવાળી છે. 

7. વિઘ્નહર
વિઘ્નહર ગણપતિનું આ ભવ્ય મંદિર મહારાષ્ટ્રના ઓઝરમાં સ્થિત છે. ભગવાન વિધ્નેશ્વરની મૂર્તિ પૂર્વાભિમુખી છે. ભગવાન વિઘ્નેશ્વરની પૂજા તથા દર્શનથી જીવનની તમામ મુશ્કેલી દૂર થઇ જાય છે. 

8. ગિરિજાત્મજ
અષ્ટવિનાયકમાંથી એક ભગવાન ગિરિજાત્મજનું મંદિર મહારાષ્ટ્રના લેણ્યાદ્રી ગામમાં સ્થિત છે. ગિરિજા એટલે કે માતા પાર્વતીના પુત્ર હોવાના કારણે ગણપતિને ગિરિજાત્મજ કહેવામાં આવે છે. માન્યતા છે કે માતા પાર્વતીએ ગણપતિને સ્વયં પોતાના હાથમાંથી અહીં સ્થાપિત કર્યા હતા. ગણપતિના આ મંદિરને એક મોટા પહાડને કાપીને બનાવવામાં આવ્યું છે. 



ગણેશજીના સ્વરૂપની દરેક વસ્તું શું સૂચવે છે...

મોટું માથું- મોટું વિચારો, વધુ શીખો
ગણેશજી મોટું માથું આપણને ખાસ સંદેશ આપે છે. તે કહે છે કે, આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ, વધારે જ્ઞાન મેળવીએ અને વધુ શીખીએ. જીવનમાં તેનો ખાસ અમલ કરવો જોઈએ. 

નાનકડી આંખો- એકાગ્રતા રાખવી
ગણેશજીની આંખો નાની નાની છે. જે આપણને કઈંક સંદેશો આપે છે. નાની-નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. એકાગ્રતા રાખવી જોઈએ. જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે ભટકતા નથી.
 
મોટા સૂપડાં જેવા કાન- વધુ સાંભળો
ભગવાન ગણેશના મોટા સૂંપડાં જેવા કાન સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળીએ. અને નાનું મોઢુ કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવુ મતલબ ઓછુ બોલવુ અને વધુ સાંભળવુ 

નાનું મોઢું- ઓછું બોલવું
ભગવાનનું નાનું મોઢું કહે છે કે કામ વગર બોલવું નહીં એટલે કે એકદમ ઓછું બોલવું અને વધું સાભળવાનું રાખવું. જીવનમાં આ નિયમ રાખીએ તો અનેક સમસ્યાઓમાંથી બચી શકીએ. 

મોટું પેટ- જીવનની સારી-ખરાબ કોઈ પણ સ્થિતિને એકદમ સારી રીતે પચાવી જાણવું
ગણેશજી દૂંદાળા પણ કહેવાય છે. તેમનું મોટું પેટ માનવ જાતિને સંદેશ આપે છે કે આપણને જીવનની સારી કે ખરાબ દરેક પરિસ્થિતિને પચાવતા આવડવું જોઈએ. સફળતા મળે તો અભિમાન ન કરવુ અને નિષ્ફળતા મળે તો દુ:ખી ન થવુ જોઈએ. 

ઉંદર- ઈચ્છાનું પ્રતિક
ભગવાનનું ભારેભરખમ શરીર અને નાનકડો ઉંદર તેમનું વાહન. સમજવાનમાં કઈંક અજીબ લાગે પરંતુ ઉંદરને વાહન બનાવવા પાછળ પણ એક તર્ક છે. ઊંદર ઈચ્છાનું પ્રતિક છે. બેકાબુ ઈચ્છા અશાંતિ સર્જે, ઈચ્છા પર સવારી કરી તેના પર કાબુ મેળવો. તે તમને ખેંચી જાય તેવી તક ક્યારેય તેને ન આપો. 

હાથની આશીર્વાદ મુદ્રા- આશીર્વાદ અને સુરક્ષા પૂરી પાડે

કુહાડી- લાગણીના બંધનોને એક ઝાટકે દૂર કરવા
જીવનમાં ક્યારેક એવી પણ પળો આવતી હોય છે કે લાગણીના બંધનોમાંથી દૂર થવું જરૂરી બને છે. 

હાથમાં દોરડું- તમારા લક્ષ્યની નજીક તમને ખેંચવા

એક દાંત- સારું રાખવું અને ખરાબને ફેંકી દેવું

સૂંઢ- (લાંબુ નાક) ઊંચી કાર્યક્ષમતા અને કુનેહ, દરેક સ્થિતિને સૂંઘી લેવાની આવડત
ગણેશજીનું લાંબુ નાક આપણને એવી સિખ આપે છે કે આપણને આજુબાજુની હવાને સૂંધતા આવડવી જોઈએ, એટલે કે સ્થિતિને સમજતા આવડવું જોઈએ. આપણી આજુબાજુ પરિસ્થિતિ સમજીશું તો હંમેશા યોગ્ય દિશામાં જઈ શકીશું અને જીવનની પરિસ્થિતિઓને પહોંચી વળવાની આવડત વિક્સી શકશે.

મોદક- સાધનાનો શિરપાવ

પ્રસાદ- આખું વિશ્વ તમારા ચરણોમાં અને માંગે તમારા સૂચનો


આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી. પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી.લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોક માન્યના પ્રયાસ પહેલાં ગણેશ પૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવાતાં તે રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયો. લોકમાન્ય તિલકે ૧૮૯૩માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં.

ગણપતિની પૂજામાં ક્યારેય તુલસી પાન કે તુલસી માળાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની  પાછળ એક કથા છે. એકવાર તુલસી ક્યાક જઈ રહ્યા હતા. ત્યા શ્રી ગણેશ તપ કરી રહ્યા હતા. તેમને જોઈને તુલસીના મન તેમની તરફ આકર્ષિત થયુ. તુલસીએ પોતાના લગ્નની ઈચ્છા પ્રગટ કરી. પણ શ્રીગણેશેજી હું બ્રહ્મચારી છુ કહી લગ્ન કરવાની ના પાડી દીધી. ગુસ્સામાં તુલસીએ શ્રીગણેશને બે લગ્ન કરવાનો શ્રાપ આપી દીધો અને શ્રીગણેશે તુલસીને વૃક્ષ બનવાનો.


એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા એ સમયે ભગવાન ધ્યાનમાં હતા. શ્રીગણેશે પરશુરામજીને ભગવાન શિવને મળવા ન દીધા. ગુસ્સ્મા આવીને પરશુરામજીએ ફરસીથી શ્રીગણેશ પર હુમલો કર્યો. શ્રીગનેશે એ વાર પોતાના દાંત પર ઝીલી લીધો. જેના કારણે તેમનો એક દાંત તૂટી ગયો. તેથી તેમને એકદંત પણ કહેવામાં આવે છે.


મહાભારત લખતા પહેલા શ્રીગણેશે મહર્ષિ વેદવ્યાસને કહ્યુ હતુ કે લખતી વખતે મારી લેખની ક્ષણભર પણ રોકાય નહી તો જ હુ આ ગ્રંથનો લેખક બનીશ. વેદવ્યાસજીએ કહ્યુ કે હુ જે પણ બોલુ તે તમે સમજ્યા વગર લખતા નહી. વેદવ્યાસજી વચ્ચે વચ્ચે કેટલાક એવા શ્લોક બોલતા કે તેને સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગતો. આ દરમિયાન મહર્ષિ વેદવ્યાસ અન્ય શ્લોકોની રચના કરી લેતા હતા

ગુજરાતના મહેમદાવાદમાં આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિર

અમદાવાદથી ડાકોર જવાના રસ્તા પર વાત્રક નદીના કિનારે અંદાજીત 6 લાખ સ્ક્વેરફૂટ જગ્યામાં આ મંદિર બનાવાયું છે, આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. આ ઉપરાંત પણ આ મંદિરની ખાસ બાબત એ છે તેનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિર સાથે છે.  મંદિરની ઉંચાઈ 73 ફૂટ ઉંચું છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે

શ્રી સિદ્ધિવિનાયક મંદિર-મુંબઇ

સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરુપ છે. સિદ્ધિવિનાયક મંદિર મુંબઇમાં પ્રભાદેવી વિસ્તારમાં આવેલ છે. ગણેશજીની જે પ્રતિમમાં સૂંઢ ડાબી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઠ સાથે જોડાયેલ છે. અહી ગણેશજીની મૂર્તી કાળા પથ્થરમાંથી બનેલ છે જે 200 વર્ષ જૂની છે. અહી ગણેશજીની પ્રતિમા ભવ્ય સિંહાસન પર સ્થાપિત અઢી ફૂટ ઉંચી અને બે ફૂટ પહોળી છે જેમા ગણેશજીના ચાર હાથમા કમળ કુહાડી, જપમાળા અને લાડુ છે. ગણેશજીની મૂર્તીની બાજુમા રિદ્ધિ અને સિદ્ધિની મૂર્તી પણ છે. આ મંદીર મુંબઇના સૌથી સમૃદ્ધ અને ભવ્ય મંદિરોમાનું એક છે.



મુંબઇમાં સૌથી લોકપ્રિય સાર્વજનિક ગણેશ મંડળ લાલબાગના રાજા છે. લાલબાગના રાજાનો પહેલીવાર 1934માં દરબાર યોજાયો હતો, ત્યારથી જ ભક્તોની આટલી ઊંડી આસ્થા થઈ ગઈ


આમ જીવ માત્રના વિઘ્નોને દૂર કરનારા સર્વે કાર્યોની સિધ્ધિ આપનારા જીવનમાં ભક્તિ અને સમૃધ્ધિ આપનારા તેમજ કુદરતી કે કૃત્રિમ તમામ આપત્તિઓમાંથી માર્ગ આપનારા, શક્તિ આપનારા એવા ભગવાન ગણેશજી ને કોટિ કોટિ વંદન