રામ નવમી
ચૈત્ર સુદ નોમ
રામ નવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ.
રામાયણ મુજબ ત્રેતા યુગમાં શ્રી રામનો જન્મ હિન્દુ કેલેન્ડરના ચૈત્ર મહિનામાં સુદ નોમના રોજ બપોરના 12 વાગ્યે થયો હતો. તે દિવસે પુનર્વસુ નક્ષત્ર હતું
રામ એ ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર છે તથા લક્ષ્મણ એ શેષ નાગના અવતાર છે.
રાજા દશરથ ઘરડા થયા ત્યાં સુધી તેમનું કોઈ સંતાન નહોતું . ત્યારબાદ રાજા દશરથે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો. મહર્ષિ વશિષ્ઠના કહેવા પર રાજા દશરથે ઋષ્યશૃંગને આ યજ્ઞ કરવા માટે આમંત્રિત કર્યા. ઋષિ ઋષ્યશૃંગને કારણે જ આ યજ્ઞ સંપન્ન થયો. આ યજ્ઞના ફળસ્વરૂપે જ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જન્મ થયા હતા. આ બાળકોના જન્મ બાદ કુળ પુરોહિત વશિષ્ઠજીએ કૌશલ્યાના પુત્રનું નામ રામ રાખ્યું. કૈકેયીના દીકરાનું નામ ભરત અને સુમિત્રાના બન્ને બાળકોનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખ્યાં.
આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.
રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી
વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૬ કાંડોમાં વહેંચાયેલું છે:
- બાલકાંડ
- અયોધ્યાકાંડ
- અરણ્યકાંડ
- કિષ્કિંધાકાંડ
- સુંદરકાંડ
- યુદ્ધકાંડ - લંકાકાંડ
- ઉત્તર કાંડ
રામાયણમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ગણાતા શ્રી રામની જીવનકથા કહેવામાં આવી છે. આ રામકથાની હિંદુ સંસ્કૃતિ પર એટલી ઊંડી અને તીવ્ર અસર પડી છે કે તેનાં પાત્રો જાણે કે દરેક હિંદુ કુટુંબના રોજીંદા જીવનનો એક હિસ્સો બની ગયાં છે.
રામ અને હનુમાનનાં મંદિરો દ્વારા, રામનવમી, દશેરા અને દિવાળીના તહેવારોની ઉજવણી દ્વારા અને રામકથા, રામલીલા તથા રાવણદહનના પ્રસંગો દ્વારા શ્રી રામની યાદને હંમેશાં જીવંત રાખવામાં આવે છે.
રામકથાની વિષયવસ્તુ પર હજારો પુસ્તકો લખાયાં છે, અસંખ્ય નાટકો લખાયાં અને ભજવાયાં છે, સેંકડો ફિલ્મો બની છે અને સંખ્યાબંધ ટીવી સીરીયલ્સ બની છે. અનેક ચિત્રકારો, શિલ્પકારો, સંગીતકારો અને નૃત્યકારોએ પોતપોતાની કલા દ્વારા રામકથાને વિવિધ રીતે પ્રસ્તુત કરી છે.
રામાયણ એટલે રામ + અયન, અર્થાત રામનો પ્રવાસ, રામની પ્રગતિ.
શબ્દાર્થ મુજબ રામાયણ એટલે રામના ઉત્તર ભારતના અયોધ્યાથી શરુ કરીને મધ્ય અને દક્ષિણ ભારત વીંધીને સમુદ્ર પર આવેલા શ્રીલંકા સુધીના પગપાળા પ્રવાસ અને તેને સંલગ્ન ઘટનાઓનું વર્ણન.
રામાયણ સંસ્કૃત સાહિત્યનું પ્રથમ મહાકાવ્ય છે અને તેની રચના આદિ કવિ તરીકે ઓળખાતા મહર્ષિ વાલ્મીકિએ કરી છે. વાસ્તવમાં મહર્ષિ વાલ્મીકિ માત્ર ભારતના જ નહિ, પણ સમગ્ર વિશ્વના આદિ કવિ (સૌથી પ્રાચીન કવિ) છે.
મહર્ષિ વાલ્મીકિ રામાયણના રચયિતા હોવા ઉપરાંત રામકથાનું એક અગત્યનું પાત્ર પણ છે. લંકાથી પરત આવ્યા બાદ રામે સગર્ભા સીતાનો ત્યાગ કરતાં સીતાએ વાલ્મીકી ઋષિના આશ્રમમાં આશ્રય લીધો હતો, જ્યાં સીતાએ લવ અને કુશ નામના બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. વાલ્મિકીએ લવ અને કુશનો સુંદર ઉછેર કરીને તેમને શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાનની સાથે રામકથાનું જ્ઞાન પણ આપ્યું હતું.
અનુષ્ટુપ છંદમાં સમગ્ર માનવજાતને આદર્શ જીવન માટેનું માર્ગદર્શન મળે તેવી રામની જીવનકથા રચી, જે વાલ્મીકિ રામાયણ અથવા મૂળ રામાયણ તરીકે જાણીતી ઓળખાય છે.
રામાયણ ગ્રંથોમાં ભક્તકવિ તુલસીદાસ રચિત ‘રામચરિત માનસ’ ઉત્તર ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ગ્રંથ છે જે અવધિ ભાષામાં રચાયેલ છે.
કમ્બન દ્વારા રચાયેલ રામાવતારમ, જે કમ્બ રામાયણ તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય ગ્રંથ ગણાય છે.
ગુજરાતમાં રામકથાને વધુ લોકપ્રિય બનાવવામાં સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મોરારિબાપુનો સિંહફાળો છે.
લોકપ્રિય લેખક અશોક બેન્કર દ્વારા વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૨ દરમ્યાન રામકથાનાં આઠ વોલ્યુમ બહાર પાડવામાં આવ્યાં છે, જે બેસ્ટ સેલર પુસ્તકો બન્યાં છે.
રામાયણમાં સાત કાંડ (વિભાગ) છે: આદિ (બાલ) કાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આદિકાંડ સૌથી મોટો અને કિષ્કિન્ધાકાંડ સૌથી નાનો છે. શબ્દરચના અને ભાષાશૈલીને ધ્યાનમાં રાખતાં પહેલો અને છેલ્લો કાંડ પાછળથી ઉમેરાયા હોવા જોઈએ એવું કેટલાક વિદ્વાનો માને છે.
રામાયણમાં સાત કાંડમાં કુલ ૬૪૫ સર્ગ (પ્રકરણ) અને ૨૩૪૪૦ શ્લોક છે. સંસ્કૃત ભાષામાં અનુષ્ટુપ છંદરૂપે રચાયેલ આ શ્લોકો અનુપમ કાવ્યરચના છે
વાલ્મીકી રામાયણમાં રામની જીવનકથા આલેખવામાં આવી છે. તેમાં અયોધ્યાના સમ્રાટ દશરથને ત્યાં રામ નામના પુત્રના જન્મથી શરુ કરીને રામનાં સીતા સાથે લગ્ન, રાજ્યાભિષેકના દિવસે પિતાના વચનના પાલન માટે રામનું ચૌદ વર્ષ માટે વનવાસગમન, તે દરમ્યાન રામનો ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીનો પગપાળા પ્રવાસ, રાવણ દ્વારા સીતાનું અપહરણ, રામ દ્વારા વાનર અને રીંછ જાતિના લોકોની મદદ વડે લંકા પર આક્રમણ કરીને રાવણવધ, રામનો અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક અને રામ દ્વારા આદર્શ રાજ્યવહીવટ થકી રામરાજ્યની સ્થાપના એમ વિવિધ પ્રસંગોનું આલેખન છે..
રામાયણની થીમ ‘આદર્શ’ પર આધારિત છે. તેમાં પુત્ર, ભાઈ, પતિ, પત્ની, મિત્ર, રાજા, વિગેરેનાં આદર્શ પાત્રાલેખન દ્વારા ઉત્તમ કુટુંબ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થાનું ચિત્રણ કરીને આદર્શ સમાજના નિર્માણ માટેનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરાયો છે.
રામાયણમાં રસપ્રદ કથા ઉપરાંત પ્રકૃતિનું સુંદર વર્ણન અને તે સમયની રાજકીય અને ભૌગોલિક પરિસ્થિતિ વિષે વિસ્તૃત જાણકારી પણ છે. તદુપરાંત રામાયણમાં દર્શન, રાજનીતિ, નૈતિકતા, શાસનકુશળતા, ખગોળશાસ્ત્ર, મનોવિજ્ઞાન, પિતૃભક્તિ, ભ્રાતૃપ્રેમ, પતિવ્રત ધર્મ, આજ્ઞાપાલન, વચનપાલન, સત્યપરાયણતા જેવા અનેકવિધ વિષયોની છણાવટ છે.
રામાયણમાં મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર અને રાક્ષસ એવી જુદી જુદી માનવજાતિઓનું વર્ણન છે.
અકબરે વર્ષ ૧૫૮૮માં સચિત્ર રામાયણનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. ૩૬૫ પાનાં ધરાવતા આ ગ્રંથમાં અદભૂત કલાકૃતિ સમાન ૧૭૬ રંગીન ચિત્રો છે. આ ગ્રંથ હાલ જયપુર મહેલ મ્યુઝિયમમાં સચવાયેલ છે
રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો.
ભગવાન રામે રાવન સાથે યુદ્ધ કરી દશહરાના દિવસે રાવણનો વધ કર્યું હતું . જેને અધર્મ પર ધર્મની વિજય સ્વરૂપ ગણાય છે.
રામાયણના પાત્રો
- રામ - વિષ્ણુ નાં અવતાર.
- સીતા - રામના પત્ની.
- લવ - રામ અને સીતાનો પુત્ર.
- કુશ- રામ અને સીતાનો પુત્ર.
- દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા.
- કૌશલ્યા - રામની માતા.
- કૈકેયી - દશરથ રાજાના પત્ની અને ભરતની માતા
- સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણ તથા શત્રુઘ્ન ના માતા.
- લક્ષ્મણ - રામના ભાઈ. સુમિત્રાનો મોટો પુત્ર.
- ભરત - રામના ભાઈ. કૈકેયીનો પુત્ર.
- શત્રુઘ્ન - રામના ભાઈ. સુમિત્રાનો નાનો પુત્ર.
- જનક-સુનયના - સીતાના પિતા-માતા.
- ગુહ - રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.
- વશિષ્ઠ - અયોધ્યાના રાજ્યગુરુ.
- વિશ્વામિત્ર - રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.
- સુગ્રીવ - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.
- વાલી - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઈ.
- તારા - વાલીની પત્ની.
- હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામના ભક્ત.
- જાંમવંત - રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.
- અંગદ - વાલીનો પુત્ર
- નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.
- જટાયુ - ગીધ પક્ષી, દશરથનો મિત્ર.
- સંપાતિ - જટાયુનો મોટો ભાઈ.
- રાવણ - લંકાનો રાજા અને શિવ નો પરમ ભક્ત.
- મંદોદરી - રાવણની પટ્ટરાણી.
- વિભીષણ - રાવણનો નાનો ભાઈ અને મંત્રી.
- કુંભકર્ણ - રાવણનો નાનો ભાઈ.
- શૂર્પણખા - રાવણની બહેન.
- ખર, દૂષણ - રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.
- મારિચ - તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.
- મેઘનાદ, ઇન્દ્રજીત - રાવણનો મોટો પુત્ર.
- મકરધ્વજ - હનુમાનજીનો પુત્ર.
- ઉર્મિલા - લક્ષમણના પત્ની.
- માંડવી - ભરતના પત્ની.
- અહલ્યા - ઋષિ ગૌતમના પત્ની જેને શ્રીરામે શ્રાપ મુક્ત કર્યા
- રામના પિતાનું નામ શું હતું- દશરથ
- રામના માતાનું નામ શું હતું- કૌશલ્યા
- રામના ભાઇઓના નામ શું હતા- લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન
- રામની બહેન અને બનેવીનું નામ શું હતું.- શાંતા, ઋષ્યશૃંંગ
- રાજા દરશથને કેટલી રાણીઓ હતી.- 3
- રાજા દશરથની રાણીઓના નામ- કૌશલ્યા, સુમિત્રા,કૈકયી
- શ્રી રામના પત્નીનું નામ શું હતું- સીતા
- રામના પુત્રોના નામ શું હતા.- લવ અને કુશ
- રામના અનન્ય ભકતનું નામ શું હતું- હનુમાન
- શ્રી રામે રામ રાજ્ય નિર્માણ કયુ તે રાજ્ય ક્યુ છે- અયોધ્યા
- અયોધ્યા કઇ નદીના કાંઠે આવેલ છે- સરયૂ
- લક્ષ્મણ અને શત્રુઘ્નના માતાનું નામ શું હતું.- સુમિત્રા
- ભરત ના માતાનું નામ શું હતું- કૈકયી
- રામનો જન્મ કયા કૂળમાં થયો હતો- ઇક્ષ્વાકુ વંશ, રઘુકૂળ, સૂર્યવંશ
- ભગવાન રામ નો જન્મ ક્યારે થયો હતો- ચૈત્ર સુદ નોમ બપોરે 12 વાગ્યે
- રામનો જન્મ થયો ત્યારે ક્યુ નક્ષત્ર હતુ- પુનર્વસુ
- રામ નવમી કઈ ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે - વસંત ઋતુ
- રામ કેટલા વર્ષના વનવાસે ગયા હતા- 14 વર્ષ
- રામચરિતમાનસ નામનો ગ્રંથ કોણે લખ્યો- તુલસીદાસ
- શ્રીરામનો જન્મ કયા યુગમાં થયો હતો ?- ત્રેતયુગ
- રામ ના ગુરુ નું નામ શું હતું- વિશ્વામિત્ર
- રાવણે કોને યુધ્ધમાં હરાવીને પુષ્પક વિમાન ઉપર અધિકાર જમાવી લીધો હતો- કુબેર
- શ્રી રામનું જન્મસ્થળ અયોધ્યા હાલમાં ભારતના કયા રાજ્યમાં આવેલું છે -ઉત્તરપ્રદેશ
- ભગવાન રામના જીવન પર આધારિત કયો ગ્રંથ લખાયેલ છે- રામાયણ
- રામાયણની રચના કોણે કરી હતી- વાલ્મિકી
- મૂળ રામાયણમાં કેટલા કાંડ આવેલ છે.- 6
- વાલ્મીકી રચિત રામાયણ ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે- સંસ્કૃત
- વાલ્મિકી દ્વારા રચિત રામાયણ માં કેટલા શ્લોકો છે ?- 24000
- વાલ્મિકી દ્વારા રચિત રામાયણ કયા પદમાં રચાયેલ છે- અનુષ્ટુપ
- ભગવાન રામ એ કોના અવતાર છે- વિષ્ણુ ભગવાન
- વિષ્ણુ ભગવાનનો રામ કેટલામો અવતાર છે.- સાતમો
- લક્ષ્મણની પત્નીનું નામ શું હતું- ઉર્મિલા
- ભરતની પત્નીનું નામ શું હતું- માંડવી
- શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું- શ્રુતકિર્તી
- રામના અન્ય નામો- મર્યાદા પુરુષોત્તમ, દશરથનંદન, કૌશલ્યાનંદન, રામચંદ્ર
- રામની સાથે અન્ય કોણે 14 વર્ષનો વનવાસ કર્યો હતો.- લક્ષ્મણ અને સીતા
- રાવણે સીતાજીનું અપહરણ કરી લંકામાં કયા સ્થળે રાખ્યા હતા- અશોક વાટિકા
- રામ કેટલા વર્ષે પિતાની આજ્ઞાનું પાલન કરવા વનવાસ કર્યો હતો- 27
- રામે કેટલા વર્ષે રાજ્ય શાસન શરુ કર્યુ હતું- 42
- રામના વનવાસ દરમિયાન ભરતે ક્યા રહી રાજ્ય ચલાવ્યું હતું- નંદીગ્રામ