વિજયગુપ્ત મૌર્ય --જ્ઞાનવિજ્ઞાનનો ચલતોફિરતો જ્ઞાનકોશ
એક સદી પહેલાં જન્મેલા ગુજરાતી મહાલેખક વિજયગુપ્ત મૌર્યને ગુજરાતી વિજ્ઞાન લેખનના પિતામહ કહેવામાં કશું ખોટું નથી. તેમણે દાયકાઓ પહેલાં જ્યારે વિજ્ઞાન આજના જેટલું સુલભ ન હતું ત્યારે અદ્ભુત સાહિત્યસર્જન કર્યું હતું.
માર્ચ ૨૬, ૧૯૦૯ ના રોજ વિજયશંકર મુરારજી વાસુ તરીકે પોરબંદરમાં જન્મેલા વિજયગુપ્ત મૌર્યએ માધ્યમિક શિક્ષણ પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં લીધું. ૧૯૩૩માં મુંબઇમાં વકીલાત ભણીને પોરબંદર પાછા ફર્યા અને વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી દીવાની અને ફોજદારી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનો હોદ્દો સંભાળ્યો. મૂળ જીવ લેખકનો અને વળી પક્ષીદર્શનનો ભારે શોખ, એટલે પક્ષીઓ વિશે પોતાનું ઊંડું જ્ઞાન લેખોના સ્વરૂપે વ્યક્ત કરે અને તે લેખો ‘પ્રકૃત્તિ’ નામના સામયિકમાં નિયમિત રીતે છપાય.
પોરબંદરના ન્યાયાધીશ વિજયશંકર વાસુને વખત જતાં વિજયગુપ્ત મૌર્ય બનાવવામાં નિમિત્ત બનેલો પ્રસંગ ૧૯૪૪માં આકસ્મિક રીતે જ બન્યો. થયું એવું કે મુંબઇમાં ગોરી સરકાર સામે આઝાદીની લડત ચલાવી રહેલા ડૉ. વસંત અવસરે નામના ક્રાંતિકારી સાથે વિજયશંકરનો ભેટો થયો. બ્રિટિશ સરકાર સામે ‘આંદોલન’ કર્યાના આરોપસર અવસરે અને તેમના સાથીદારોના નામે મુંબઇમાં અરેસ્ટ વૉરન્ટ જારી થયું હતું, એટલે ગિરફ્તારીથી બચવા એ ક્રાંતિકારી ડૉક્ટર મુંબઇથી નાસતા છૂપાતા પોરબંદર પહોંચ્યા હતા. વિજયશંકર વાસુને તેમણે પોતાનો કેસ લડવા વિનંતી કરી ત્યારે જવાબ મળ્યો, ‘ચિંતા નહિ કરો. તમારો કેસ હું લડીશ.’ ન્યાયાધીશ હોવાના નાતે જો કે એવું તેઓ કરી ન શકે, એટલે જજના મોભાદાર પદેથી તેમણે રાજીનામું આપ્યું. સામાન્ય વકીલની રૂએ ડૉ. અવસરેનો કેસ (વિનામૂલ્યે) લડવા માટે મુંબઇ ગયા અને અવસરેને ન્યાય અપાવ્યો.
આ બનાવે વિજયશંકર વાસુની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીને પૂર્ણવિરામ ભલે મૂકી દીધું, પણ બીજી તરફ તેમનામાં રહેલા લેખકજીવને બેઠો કરી દીધો. મુંબઇમાં વસી જવાના નિર્ણય સાથે ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને માત્ર રૂા.૭૫ ના પગારે વિજયશંકર ટાઇપિસ્ટ તરીકે જોડાયા. આર્થિક સંઘર્ષ થકવનારો હતો. આમ છતાં તેમણે પોતાનો લેખનશોખ જીવંત રાખ્યો અને ‘પ્રકૃત્તિ’ સામયિકમાં લેખો આપતા રહ્યા. કેટલાંક વર્ષ બાદ મુંબઇના પ્રતિષ્ઠિત ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબાર સાથે જોડાવાનો તેમને મોકો મળ્યો અને વિજયગુપ્ત મૌર્યના નામે તેમણે ‘જન્મભૂમિ પ્રવાસી’ના અંતિમ પાને ‘છેલ્લું પાનું’માં પ્રાણીપંખીનાં લેખો આપવાનું શરૂ કર્યું. લેખોની સંખ્યા અને સાઇઝ શરૂઆતમાં સીમિત રહી, પરંતુ વખત જતાં બ્રહ્માંડ, વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, વનસ્પતિજગત વગેરે વિષયોને લગતાં વૈવિધ્યપૂર્ણ લેખો વિજયગુપ્ત મૌર્યની કલમે લખાતા ગયા તેમ ‘છેલ્લું પાનું’માં તેમને વધુ ને વધુ મહત્ત્વ અપાતું ગયું અને વિજયગુપ્ત મૌર્ય છેવટે આખા પાનાનું લેખનસંપાદન કરતા થયા. ૧૯૭૩ ના અરસામાં ‘જન્મભૂમિ પ્રવાસી’ છોડ્યા પછી તેઓ ફ્રી લાન્સ પત્રકાર તરીકે અખબારોમાં તેમજ સામયિકોમાં માહિતીસભર લેખો આપવા લાગ્યા. દરમ્યાન ‘શેરખાન’, ‘કપિનાં પરાક્રમો’, ‘સિંહ વાઘની સોબતમાં’, ‘શિકારીની તરાપ’, ‘કીમિયાગર કબીર’, ‘હાથીના ટોળામાં’, ‘કચ્છથી કાશ્મીર સુધી લડી જાણ્યું જવાનોએ’, ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’, ‘ઝગમગતું ઝવેરાત’, ‘સમુદ્રની અજાયબ જીવસૃષ્ટિ’, ‘પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ’, ‘જિંદગી જિંદગી’ વગેરે પુસ્તકો પણ લખ્યાં.
ગુજરાતી પત્રકારત્વમાં લગભગ ૪૬ વર્ષની લાંબી કારકિર્દી ભોગવવા છતાં વિજયગુપ્ત મૌર્ય આર્થિક રીતે કદી બે પાંદડે થઇ ન શક્યા. ભારે મહેનતે તૈયાર કરાયેલા અકેક માહિતીસભર લેખનું યોગ્ય આર્થિક વળતર તેમને પ્રકાશકો તરફથી કદી મળ્યું નહિ. વળી ઊંચા વળતરની તેમણે કદી આશા કે અપેક્ષા રાખી પણ નહિ, એટલે જે મળ્યું તેનાથી સંતોષ માની સાદગીભયુર્ં જીવન તેમણે વીતાવ્યું. ગુજરાતી વાચકોને કંઇક નવું, રસાળ અને જ્ઞાનવર્ધક લખાણ પીરસવાની નેમ સાથે તેમણે કલમ ઉઠાવી હતી અને તે નેમને આજીવન તેઓ ચુસ્તપણે વળગી રહ્યા. પાછલી ઉંમરે આંખોનું તેજ ઘટવા છતાં, કમરનો દુખાવો એકધારો રહેતો હોવા છતાં અને પાર્કિન્સનનો અસાધ્ય રોગ લાગૂ પડ્યો હોવા છતાં તેમણે પોતાની કલમનું તેજ ઝાંખું પડવા દીધું નહિ. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લેખનકાર્યમાં વ્યસ્ત રહ્યા. લાંબી માંદગી બાદ જુલાઇ, ૧૯૯૨માં તેમણે વિદાય લીધી અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વનો અજોડ દાખલો બેસાડતા ગયા.
જ્ઞાનવિજ્ઞાનની જે કેડી વિજયગુપ્ત મૌર્યએ કંડારી એ કેડીને તેમના પુત્ર નગેન્દ્ર વિજયે પણ કારકિર્દી તરીકે પસંદ કરી. પિતાની જેમ જ્ઞાનવર્ધક અને લોકોપયોગી સાહિત્ય પીરસવા માટે જ પત્રકારત્વ ચલાવવાની નેમ સાથે નગેન્દ્ર વિજયે (૧૪ વર્ષની વયે) કલમ ઉઠાવી અને ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવાં અભૂતપૂર્વ સામયિકો ગુજરાતને આપ્યાં. આ બેય સામયિકોએ વિજ્ઞાન જેવા અઘરા જણાતા વિષયમાં સરેરાશ ગુજરાતી વાચકને ઊંડો રસ લેતા કરી દીધો એને નગેન્દ્ર વિજયની સિદ્ધિ ગણવી રહી. નગેન્દ્ર વિજયે તેમની રસાળ કલમ વડે નવી પેઢીની વિચારશૈલી બદલી છે અને તેમના મગજમાં ચાલતી થોટ પ્રોસેસને ટૉપ ગિઅરમાં નાખી છે. પ્રત્યક્ષ રીતે તેમનાં જીવન બદલ્યાં છે. જુદી રીતે કહો તો સમાજલક્ષી તેમજ મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ ચલાવવાના ઉચ્ચ સંસ્કારોનો પિતાએ આપેલો વારસો પુત્રએ બરાબર જાળવ્યો.
આ લખનારે આજથી અઢારેક વર્ષ પહેલાં ‘સફારી’ના કાર્યાલયમાં પાર્સલો સીવવાના કાર્ય સાથે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે એક સંકલ્પ કર્યો હતો--ગમે તે ભોગ આપવો પડે, પણ જ્ઞાનવિજ્ઞાનનો શક્ય એટલો વધુ ફેલાવો કરવો. આ સંકલ્પના અન્વયે તમામ આર્થિક હિતો ભૂલીને ‘સફારી’ને એક ઝૂંબેશ તરીકે ચલાવ્યું, અંધજનો માટે ‘સફારી’ની શ્રાવ્ય આવૃત્તિ પ્રગટ કરી, ઇન્ટરનેટ પર ‘સફારી’ની વેબસાઇટ આરંભી અને અંગ્રેજી ભાષામાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કર્યું.
અલબત્ત, વાત ત્યાં પૂરી થતી નથી. હજી ઘણું કરવાનું બાકી છે. વિજયગુપ્ત મૌર્યની કલમે લખાયેલું સાહિત્ય પુસ્તક સ્વરૂપે આજની તેમજ આવતી કાલની પેઢી સુધી પહોંચતું કરવું છે; ભવિષ્યમાં ભારતની અન્ય ભાષાઓમાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કરવું છે, જેથી નગેન્દ્ર વિજય લિખિત જ્ઞાનવિજ્ઞાનના લેખો ભારતભરમાં પ્રાદેશિક લેવલે પહોંચી શકે અને વખત આવ્યે ગુજરાતમાં ક્યાંક ‘નગેન્દ્ર વિજય સાયન્સ સેન્ટર’ સ્થાપવું છે, જેથી નવી પેઢીમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવી શકાય.
સફારી મેગેઝીન વિશે....
સફારીની શરૂઆત ૧ ઓગસ્ટ, ૧૯૮૦ના રોજ નગેન્દ્ર વિજય દ્વારા થઇ હતી. ૬ અંકો પછી તેનું પ્રકાશન બંધ થયું. તેનું ફરી પ્રકાશન જુલાઇ ૧૯૮૬માં શરૂ થયું અને ફરીથી ૧૦મા અંકે તેનું પ્રકાશન અટક્યું. મે ૧૯૯૨માં સામાયિકનું પ્રકાશન ફરી શરૂ થયું
૨૦૦૭માં સફારીએ અંગ્રેજી આવૃત્તિની શરૂઆત કરી જે ભારતના મોટાભાગના ભાગોમાં પ્રાપ્ત હતી
સફારી યુરેનસ બુક્સ નામના પ્રકાશનની માલિકી ધરાવે છે, જેણે વિજયગુપ્ત મૌર્યના લોકપ્રિય પુસ્તકોનું પ્રકાશન કર્યું છે
સફારીના સ્થાપક દ્વારા સંચાલિત નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનનો હેતુ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો કરવાનો છે. તેની સ્થાપના ૧૪મી ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ કરવામાં આવી હતી. તેના અંતર્ગત આંખે ન જોઇ શકતા લોકો માટે 'સફારી'ની ઓડિયો આવૃતિનું વિના મૂલ્યે આશરે ૧૦૦ અલગ-અલગ સંસ્થાઓમાં વિતરણ કરવામા આવ્યું હતું, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકોમાં પણ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો થઇ શકે
સફારી એ હર્ષલ પબ્લિકેશન, અમદાવાદ, ગુજરાત, ભારતમાંથી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું એક માસિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનનું સામાયિક છે. સફારીના તંત્રી, મુદ્રક અને પ્રકાશક નગેન્દ્ર વિજય છે.
તેનો મુખ્ય હેતુ ગુજરાતની નવી પેઢીમાં જ્ઞાનનો ફેલાવો કરવાનો તેમ જ વિજ્ઞાન વધુ લોકપ્રિય બનાવવાનો છે. સફારીનો વિષય મુખ્યત્વે સામાન્ય જ્ઞાન રહે છે. તેમાં વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, રાજકારણ અને તાજા બનાવો જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સામાયિકનું વિભાજન 'બનાવ અને બેકગ્રાઉન્ડ', 'સંપાદકનો પત્ર', 'આ પત્ર સફારીને મળે', 'શોધ અને શોધકો', 'નવું સંશોધન', 'એક વખત એવું બન્યું', 'સુપર સવાલ', 'ફેક્ટફાઇન્ડર', 'સુપર ક્વિઝ' તેમ જ 'માઇન્ડ ગેમ્સ' જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. તેની ટેગલાઇન "બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન" છે. અન્ય સામાયિકોની જેમ સફારીમાં ક્યારેય જાહેર ખબર જોવા મળતી નથી.
તેનો ફેલાવો ગુજરાતની સાથે ભારતના અન્ય ભાગો તેમજ ભારતની બહાર અમેરિકા, ન્યુઝીલેન્ડ તેમજ ઈંગ્લેન્ડમાં પણ જોવા મળે છે.
તે બાળકો, વિદ્યાર્થીઓ અને મોટેરાઓમાં પણ પ્રચલિત સામાયિક છે. તેમાં સરળથી અઘરા સુધીના કોયડાઓ, કવીઝ, ફેક્ટફાઈન્ડર, સુપર કવીઝ વિભાગ અને જોક્સ હોય છે.
વિદેશમાં યુદ્ધો થયા, જાસૂસી મિશનો કરવામાં આવ્યા, અણું ધડાકા કરવામાં આવ્યા, વિજ્ઞાનના સિદ્ધાંતો, બ્રહ્માંડના ગૂંઢ રહસ્યો, ઈતિહાસ અને તવારીખ સહિતની અગણિત માહિતી સફારીએ પીરસી છે. માત્ર પીરસી નથી વિશ્લેષણ કર્યું છે. અડીખમ રહીને વાંચકોની ભૂખ સંતોષવાનું કામ સફારીએ કર્યું છે. ચીલાચાલુ મેગેઝિનોની વચ્ચે લોકોમાં વિજ્ઞાનની ભાવના જગાવવાનું કામ સફારીએ કર્યું છે.
ઘણા નવા વિજ્ઞાન લેખકો તૈયાર કરવાનું કામ સફારીએ કર્યું છે
પત્રકારત્વમાં માત્ર સ્થળ પર ગયા અને અહેવાલ લખી નાખ્યો તેવું નહીં, ડેસ્ક જર્નાલિઝમની થીયરીઓ બદલી નાખતા, મહિનાઓ સુધી સંશોધન કરી રજૂઆતની એક કળા સફારીએ ગુજરાતી વાંચકો અને લેખકોને શીખવાડી છે. ગુજરાતી સામાયિકોને છિનાળા પ્રવૃતિમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે. સફારી ગુજરાતીનું એવું લોકપ્રિય સામાયિક છે, જેમાં કોઈ પણ પ્રકારની નવલકથા નથી આવતી, આમ છતાં ગુજરાતના એક એક વ્યક્તિનું મગજ જ્યારે વલોપાત કરતું હોય કે નવી માહિતી આપો... ત્યારે દર મહિને સફારીએ ગુજરાતી વાંચકોને રિચાર્જ કરવાનું કામ કર્યું છે.