મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 June, 2021

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

 

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય


જન્મતારીખ: 27 જુન 1838

જન્મસ્થળ; કંથાલપરા, પરગણા, પશ્ચિમ બંગાળ

પિતાનું નામ: યાદવચંદ્ર ચટ્ટોપાધ્યાય 

અવશાન: 8 એપ્રિલ 1894 (કલકતા)


બંગાળી ભાષાના પ્રમુખ સાહિત્યકારોમાં જેમની ગણના થાય છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમનાં લખાણથી માત્ર બંગાળી સમાજને જ નહીં પણ સમગ્ર દેશને પ્રભાવિત કર્યો હતો.

ભારતના રાષ્ટ્રગીતના લેખક બંકિમચંદ્ર ચેટર્જીની  જન્મજયંતિની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમનો જન્મ 27 જૂન 1838 માં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કંથલપરા નામના ગામમાં એક સમૃદ્ધ અને પરંપરાગત બંગાળી પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ બંકિમચંદ્ર ચેટર્જી હતું, પરંતુ લોકો તેમને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તરીકે પણ બોલાવે છે. તે એક પ્રખ્યાત બંગાળી નવલકથાકાર, કવિ અને પત્રકાર હતા.

19 મી સદીના અંત અને 20 મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસન સામે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમના લખાણોથી કાર્યકરોને પ્રેરણા મળી. એટલું જ નહીં, તેમના દ્વારા રચિત રાષ્ટ્રગીત 'વંદે માતરમ' એ આઝાદીની લડત દરમિયાન ક્રાંતિકારીઓને પ્રેરણા આપી, જેના પર દરેક ભારતીય આજે પણ ગર્વ અનુભવે છે.

તેમના પિતા યાદવચંદ્ર ચટ્ટોપાધ્યાય મિદનાપુરના નાયબ કલેક્ટર હતા. તેમના ભાઇ સંજીવચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ એક નવલકથાકાર હતા અને તેમના દ્વારા લખાયેલ 'પલામૌ' પુસ્તક ખૂબ પ્રખ્યાત હતું.

બંકિમચંદ્રનું પ્રારંભિક શિક્ષણ મિદનાપુરમાં થયું, તે પછી તે હુગલીની મોહસીન કોલેજમાં જોડાયા અને લગભગ 6 વર્ષ ત્યાં અભ્યાસ કર્યો. 1856 માં, તેઓ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં ગયા, જ્યાંથી તેમણે 1859 માં બી.એ. કર્યુ,  આ પછી તેમણે વર્ષ 1869 માં કાયદાની ડિગ્રી પણ મેળવી.

જ્યારે બંકિમચંદ્ર ચેટર્જી માત્ર 11 વર્ષના હતા, ત્યારે તેમના લગ્ન થયા. લગ્ન સમયે તેની પત્ની માત્ર 5 વર્ષની હતી. જ્યારે તે 22 વર્ષના થયા ત્યારે તેમની પત્નીનું નિધન થયું. પ્રથમ પત્નીના અવસાન પછી, તેમણે બીજા લગ્ન રાજલક્ષ્મી સાથે કર્યા.

તેમણે ઘણી નવલકથાઓ અને કવિતાઓ લખી હતી, તેમના ઘણા લખાણોએ લોકોમાં ક્રાંતિકારક વિચારોને જાગૃત કરવા માટે કામ કર્યું હતું.તેમની નવલકથાઓ એટલી પ્રખ્યાત થઈ કે તેમનો અનુવાદ અન્ય ભારતીય ભાષાઓમાં પણ કરવામાં આવ્યો.

બંકિમ ચંદ્રએ તેમની પ્રથમ બંગાળી નવલકથા રોમાંસ પર આધારિત 'દુર્ગેશાનંદિની' લખી હતી, જે વર્ષ 1865 માં પ્રકાશિત થઈ હતી. તેમની સૌથી પ્રખ્યાત નવલકથા 'આનંદ મઠ' હતી જે વર્ષ 1882 માં પ્રકાશિત થઈ હતી. આનંદમઠમાં જ વંદે માતરમ ગીત છે, જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું.

ચટ્ટોપાધ્યાયની પહેલી નવલકથા અંગ્રેજીમાં , રાજમોહનની પત્ની (1864) હતી 

તેમની ઘણી નવલકથાઓ છે જેમ કે કપાલકુંડલ (1866), મૃણાલિની (1869), વિષવૃક્ષ  (1873), ચંદ્રશેખર (1877), રજની (1877), રાજસિંહ (1881) અને દેવી ચૌધારણી (1884) ખૂબ પ્રખ્યાત થઈ. નવલકથા સિવાય તેમણે 'કૃષ્ણ ચરિત્ર', 'ધર્મતત્વ' અને 'દેવતત્વ' વગેરે સહિતના ઘણા પુસ્તકો પણ લખ્યા. તેમણે હાસ્ય-વ્યંગથી ભરપૂર 'કમલાકાંતેર દફ્તર' જેવી રચનાઓ પણ લખી છે.

અભ્યાસ પૂરો કર્યા પછી, બંકીમચંદ્ર ચેટર્જીને જેસોરના નાયબ કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓ નાયબ મેજિસ્ટ્રેટ પદ પર રહ્યા.. તેઓ થોડા સમય માટે બંગાળ સરકારના સચિવ તરીકે પણ રહ્યા હતા અને વર્ષ 1891 માં તેઓ સરકારી નોકરીથી નિવૃત્ત થયા.

1870 - 1880 ના દાયકામાં બ્રિટિશ શાસકોએ સરકારી કાર્યક્રમોમાં 'ગોડ સેવ ક્વીન' ગીત ગાવાનું ફરજિયાત બનાવ્યું, જેનાથી બંકિમચંદ્ર ચેટર્જી ખૂબ નારાજ થયા. આ પછી, 1875 માં, આ ગીતના વિકલ્પ તરીકે, તેમણે સંસ્કૃત અને બંગાળીના મિશ્રણ સાથે એક ગીત બનાવ્યું અને તેને 'વંદે માતરમ' નામનું શિર્ષક આપ્યું.

બ્રિટીશ શાસન સામેની સ્વતંત્રતાની લડતમાં સામેલ ખુદીરામ બોઝ, ભગતસિંહ, અશફાક ઉલ્લાહ ખાન, બટુકેશ્વર દત્ત જેવા સેંકડો ક્રાંતિકારીઓ, વંદે માતરમ્ ગીત ગાતા ગાતા  ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા.. ખાસ કરીને બંગાળના ભાગલા વખતે જાહેર આક્રોશ એ આ ગીતને અંગ્રેજો વિરુદ્ધ હથિયાર બનાવ્યું, પરિણામે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશભરમાં વંદે માતરમ ગીત ગાવામાં આવતું હતું.

1896 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં સૌ પ્રથમ ગવાયેલા આ ગીત માટે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સુંદર સૂર આપ્યો હતો. 24 જાન્યુઆરી 1950 ના રોજ, બંધારણ સભાએ વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યું. આ ગીતના પહેલા ગાયક ઓમકારનાથ ઠાકુર હતા.

વંદે માતરમને એક કવિતા તરીકે લખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તે પ્રકાશિત થયેલી 'આનંદમઠ' નવલકથાનો ભાગ બની ગયું હતું.

2003 ના બીબીસી વર્લ્ડ સર્વિસના સર્વેક્ષણમાં 156 દેશોના લોકોએ કરેલા મતદાન મુજબ દૂનિયાના સાત હજાર ગીતો પૈકી ટોપટેનમાં वन्देमातरम् गीत બીજા ક્રમે આવેલ છે

वन्देमातरम् રાષ્ટ્રગીત ગાવામાં યદુનાથ ભટ્ટાચાર્યે તૈયાર કરેલી ધૂન મુજબ 1 મિનિટ 4 સેકન્ડ સમય લાગે છે

વંદે માતરમનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. બંકિમચંદ્રએ વંદે માતરમની રચના 1870ના દાયકામાં કરી હતી.

તેમણે ભારતને દુર્ગાનું સ્વરૂપ માનીને દેશવાસીઓને તેમના સંતાન ગણાવ્યાં હતાં.

તેમણે ભારતને માતા ગણાવ્યાં, જે અંધકાર અને પીડાથી ઘેરાયેલાં છે.

બાળકોને બંકિમચંદ્ર આગ્રહ કરતા હતા કે તેઓ તેમનાં માતાની વંદના કરે અને તેમને શોષણથી બચાવે.

8 એપ્રિલ 1894 માં તેમનું અવસાન થયું. અને તેનાં 12 વર્ષ બાદ જ્યારે ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલે એક રાજકીય પત્રિકા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું તો તેનું નામ 'વંદે માતરમ' રાખ્યું હતું.

લાલા લાજપત રાય પણ આ જ નામથી એક રાષ્ટ્રવાદી પત્રિકાનું પ્રકાશન કરી ચૂક્યા છે.

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એવા સાહિત્યકાર હતા કે જેમની કૃતિઓ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણી પ્રખ્યાત છે.. તેમની કૃતિઓનું  ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું અને તે કૃતિઓ પર આધારીત ઘણી ફિલ્મો પણ બની છે.



1952માં હેમેન ગુપ્તાએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠ નવલકથા પર જ આધારિત આનંદ મઠ નામની ફિલ્મ બનાવી હતી



1969માં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં 20પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

તેમને 1894 માં Companion of the Most Eminent Order of the Indian Empire (CMEOIE) બનાવવામાં આવ્યા હતા. 

 તેમણે 1891માં રાય બહાદુરનું બિરુદ આપવામાં આવ્યું હતું.


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work