મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

02 April, 2021

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ (Maharaja Krishna Kumarsinhji Gohil)

 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી



જન્મતારીખ: 19 મે 1912

જન્મસ્થળ: ભાવનગર

પિતાનું નામ: ભાવસિંહજી ગોહિલ (બીજા)

માતાનું નામ: નંદકુવરબા

અવશાન: 2 એપ્રિલ 1965

નિલમબાગ પેલેસ



મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃ સ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે

તેઓ ભાવનગરના 9માં મહારાજા હતા.

કૃષ્ણકુમારસિંહનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો. 

તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. 

કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત 7 વર્ષની હતી, પુખ્યવયના થતાં તેઓએ ૧૯૩૧માં રાજ્યની ગાદી સંભાળી હતી.

કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું

 તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.

બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા.

 ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે 'મારી પ્રજાનું કલ્યાણ થાઓ' સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો.

 રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. 

ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં. 

ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબા કુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા.

 પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. 

છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા

ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. 

એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. 

ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. 

૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે હદયરોગના હુમલાથી 52 વર્ષની ઊંમરે અને 46 વર્ષના શાસનકાળ પછી  ભાવનગરમાં જ અવસાન થયુ.



ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે



 મહારાજા કૃષ્ણકુમારે પોતાના લગ્ન પ્રસંગે બંધાયેલા વિશાળ અને ભવ્ય મંડપને ‘ટાઉન હોલ’ તરીકે જાહેર કરીને પ્રજાના ઉપયોગ માટે ભાવનગરની પ્રજાને ભેટ આપી દીધો હતો.



ભાવનગરનું ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે

સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે 1700 પાદર ધરાવતા ભાવનગરના રજવાડાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.

આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો

ભાવનગર સ્ટેટના રાજકુંવર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે રાજકવિ પીંગળશી પાતાભાઈએ હાલરડું લખ્યું હતું. જેની પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે, ગોહિલજીનું હાલરડું હું ગાજ, હેતે હેતેથી હીંચકાવું.. ગોહિલ (ટેક), સોના રૂપાનુ પારણું સુંદર, મુખડું કુમારનું મરમાળું, ચિતડા લિએ છે ચોરી.. ગોહિલ

બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ‘ભાવનગર’ નામે વસાહત:



બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું ‘ભાવનગર’ નામે એક વસાહત, કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા.



યાદગાર પ્રસંગો

પ્રસંગ-1
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર એ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા એ સમયમા રાજકોટ આજી ડેમનુ બાંધકામ ચાલતુ હતુ કુંવરને કોઈ એ આવીને કહ્યુ બાપુ આજી ડેમ બનાવવા લોકફાલો કરવામા આવી રહ્યો છે તમારે એમા કંઇ મદદ કરવી હોય તો. બાપુ એ એક ચિઠિ ભાવનગર મહારાજા સાહેબ ને ઉદેશીને લખી આપી અને લખ્યુ કે બાપુ ને માલુમ થાય કે રાજકોટ ની પ્રજાના પીવા ના પાણી માટે આજીડેમનુ બાંધકામ થઇ રહ્યુ છે તો મે એમા 10 હજાર રૂપિયા લખાવેલ છે તો બાપુ આપ એ મોકલી આપશો ત્યારે મહારાજા ભાવસિંહજી એ જવાબ આપતા કહ્યુ કે કુંવરને માલુમ થાય કે તમે મને પૂછ્યા વગર અને જે મારી ભાવનગરની પ્રજાને એ પાણી નો કોઈ ફાયદો ન હોય અને ભાવનગરની પ્રજાના પૈસા હુ એમ તમને ન મોકલી શકુ જેથી એની વ્યવસ્થા તમે કરી લેજો ત્યારે કુંવર એ પત્ર મલ્યા પછી કૃષ્ણકુમારસિંહજી બાપુ એ પોતાના પૈસા આપ્યા હતા. આને જ કેવાય ને પ્રજા પ્રેમ. બંને પ્રજા પ્રત્યેની વફાદારી રાજશાહીમા હતી.

પ્રસંગ-2


ભાવનગરનું રાજ અખંડ ભારતના નિર્માણ માટે સોઁપી દેવાનું હતું. સરદાર પટેલ સાથે બધા દસ્તાવેજી કરાર થઈ ચુક્યા હતા. એ વખતે ગોહિલવાડનો છેલ્લા ધણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી રાણીવાસમાં ગયા. મહારાણી વિજયાકુંવર બાને જઈને કહ્યું કે…

“મહારાણી! ભાવનગર હવે સોંપી દેવાનું છે. હું તમને એ પૂછવા આવ્યો છું કે, રાજ્ય તો હું સોંપી દઈશ પણ તમારા કિંમતી ઘરેણાં-દાગીના ઉપર તો તમારો જ હક્ક થાય. એટલે તમને પૂછું છું કે, એ દાગીનાનું શું કરવાનું છે?”તે દિવસે મહારાજા ભગવદ્સિંહજીની પૌત્રી અને ગોહિલવાડની રાજપૂતાણીએ જવાબમાં એક જ વાક્ય કહેલું, “મહારાજ! જ્યારે આખેઆખો હાથી જતો હોય ને…ત્યારે એનો શણગાર ઉતારવા ન બેસાય!”



પ્રસંગ-3

ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામે બીજા રાજપુરુષો પણ બિરાજમાન છે.વાતો ચાલે છે. તેઓ જે બગીચામાં બેઠા હતાં એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી,દિવાલ હતી.દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે,દિવાલને અડીને બાગની અંદરના ભાગમાં એક બોરડી ઉભી હતી. જોરાવર બોરડી!મીઠા મધ જેવા, જોતા લાળ ટપકી પડે એવા, ફણગાવેલા ચણાના ટેઠવા જેવા પાક્કાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટલે હાથેથી તો બોર આંબવા અશક્ય હતાં.થોડીવાર થઇ હશે ને અચાનક સણણણ…ઝુમમ…કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો. બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ, એની શોભા વધારતા અને જીભને ભીઁજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા. અત્યારે તો કોણ જોતું હોય વળી!અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો. એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે! સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે! “કોણે,તે ઘા માર્યો છે?” “હા,બાપુ!મારાથી ભૂલ થઇ ગઇ!” “કેમ પથ્થર ફેંક્યો હતો, ભાઇ?”“બાપુ!રસ્તે હાલ્યો જતો’તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુંને એકાદ-બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી’તી બાપુ.પણ હવે કોઇ દિ’ આમ નઇ થાય, બાપુ!”એ થથરતો હતો. કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું. અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધો. “લે ભાઇ!એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું. મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે!”

પ્રસંગ-4

ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદારને કહે છે કે "વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજાના કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ એમ કહીને તેમણે 1700 પાદર ભારત સરકારને સોપ્યા. સમય જતાં તેમને મદ્રાસ રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા તેમછતાં ગામની પ્રજા તો હજી તેમને જ મહારાજા માનતી હતી. ઘટના જાણે એમ બની કે, એક ખેડૂતના બે બળદ ચોરાઇ ગયા. ખેડૂતને હજુ એમ જ હતું કે રાજ તો કૃષ્ણકુમારનું જ છે. એટલે એ ખેડૂત ફરિયાદ કરવા ભાવનગર નીલમબાગ પેલેસમાં આવ્યો. ત્યાં તેને જાણવા મળ્યું કે કૃષ્ણકુમારસિંહજી તો મદ્રાસ રાજના ગવર્નર છે અંતે આશા સાથે તે અભણ ખેડૂ મદ્રાસ પહોંચ્યો અને કૃષ્ણકુમારસિંહને પોતાની વ્યથા સંભળવીને કહ્યું રાજા, આ બળદના ચોર સામે તમે પગલા લો. અંતે કૃષ્ણકુમારસિંહજીએ તેને કહ્યું કે, હું હવે ભાવનગરનો ધણી નથી રહ્યો હું મદ્રાસનો ગવર્નર છું પરંતુ તારી આ રાજવી પ્રત્યેની ભાવના છે તે જાણીને હું ગદગદ થયો છું લે આ 5 હજાર રૂપિયા તું નવા બળદ ખરીદી લે જે.

ભીખુદાન ગઢવીના મુખે પ્રસંગ



પ્રસંગ-5

આ પ્રજાલક્ષી રાજવી 2 એપ્રિલ, 1965ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી ગયા અને આ મહારાજાના માનમાં આખુય ભાવનગર સ્વયંભૂ, જડબેસલાક બંધ હતું. લોકોએ ઘરે ચૂલા નહોતા સળગાવ્યા અને આખુંય ભાવનગર શેરીઓમાં ઉમટી પડેલું. મિત્રો, ભારત વર્ષમાં આવા અનેક રાજવીઓ થઇ ગયા જેમને તેમની પ્રજા આજે પણ યાદ કરે છે.

પ્રસંગ-6


અઢાર સો પાદરના ધણી ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક વખત નગરચર્ચામાં નીકળે છે. તે વખતે તેમને “અન્નદાતા - જય માતાજી” એવા શબ્દો કાનમાં અથડાયા. મહારાજા પાછું ફરી જુવે તો સામે જેની આંખમાં ખુમારી છે તેવો બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને આદરથી પ્રણામ કરીને ઉભો હતો.
“શું નામ છે તારું?” રાજાએ પુછ્યું.
“મુબારક, અન્નદાતા યુવાને જવાબ આપ્યો.
ફરી મહારાજાએ પૂછ્યું, કે ભાવનગર માટે કામ કરીશ ?”
“જરૂર મહારાજ, કેમ નહી!”
તેમને નિલમબાગ પેલેસમાં ચોકીદારની નોકરી આપવામાં આવી. ધીરે ધીરે તેમની ઈમાનદારી જોઇને તેમને નિલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓની જવાબદારી સોપવામાં આવી. રાજખજાનામાં મહારાણીના મોંઘા ઘરેણાં પણ રહેતા. મહારાણીને જયારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઇ લે અને પછી ફરીથી એજ પટારાઓ ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે, આ નિત્યક્રમ હતો, આજ ઘરેણાંઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરાજડિત હાર પણ રહેલો હતો.
એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો, મહારાણીએ ખુબ શોધ્યો પણ હાર મળે જ નહિ. મહારાણીને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહિ કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યાં. થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહઠ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી. ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો. નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જયારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકએ આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું. ભાવનગર મહારાજાએ પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જવા દીધો, પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા "આણ"થી બેચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાતાલાને એક જ અરજ કરી કે "જો મેં ઈમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચુક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આ આણમાંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને "બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો.
કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે. "સત્યની કસોટી થાય પણ છેવટે જીતતો સત્યની જ થાય" એજ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઇ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પટારામાં મુક્યો જ નહોતો પણ અરીસા પાસે રાખી દીધો હતો. તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો.
રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી. બંનેને ખુબ પસ્તાવો થયો કે "મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઈન્શાનનો આત્મો દુભાવ્યો "સવારે મુબારકને નિલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માગી.
હાર મળી ગયો છે એ વાતની ખબર પડતાં જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ "આકાશ ભણી મીટ માંડીને સજળ નયને એટલું જ બોલ્યો કે "હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી" બસ આટલું કહીને મુબારકે રાજખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી. ભાવનગર મહારાજાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી" ચોકીદાર" તરીકે નોકરીએ રહેવા સહમત થયો. વર્ષો સુધી મુબારક નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો. મુબારકની ઈમાનદારી - વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી.
વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે "નિલમબાગ પેલેસનો ચોકીદાર "મુબારક" આજ અલ્લાહને પ્યારો થઇ ગયો છે. મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા. પોતાના સેવકોને આદેશ કર્યો કે "મુબારક" નો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે.
મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજાએ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી. ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે "નિલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ" જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત? તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે "ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમવિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે" અને મુબારકની આવી હાલત કેમ થઇ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો.
નીલમબાગના ચોકીદાર "મુબારક" નો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પુરી પણ કરી કે "મારા મુબારકને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ "ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી. આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં "મુબારક" ની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે "ધ લોક ઓફ નિલમબાગ"



પ્રસંગ-7

હાલ મહામારી કોરોના વાયરસ ના કપરા સમય હોય ત્યારે મહારાજા ને પ્રજાનાં આરોગ્ય માટે થયેલ ચિંતા ની નાનકડી ઘટના.

1945 ની સાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વાતવાતમાં ઈચ્છા દર્શાવેલી કે ઘણા લોકોને મારી નાખનાર ક્ષયરોગનો (T.B) કોઈક ઉપાય થવો જોઈએ અને આ કામ જો ભાવનગર રાજ્ય દ્વારા કરવામાં આવે તો અતિઉત્તમ.

આ વાત અમરેલીના શેઠ ખુશાલદાસ જે. મહેતા (K. J. Mehta) ને જાણવામાં આવી.તેમણે મહારાજા સાથે ચર્ચા કરીને 1 લાખ 61 હજાર રૂપિયાનો ફાળો એકત્ર કર્યો.આ સાથેજ મહારાજા એ સંકલ્પ કર્યો કે રાજ્ય તરફથી તેઓ પણ 1 લાખ રૂપિયા ની સાથે સૂકા હવામાન ખુલી જમીન માટે વખણાતા સોંગઢથી 2 કી. મી દૂર જીથરી(અમરગઢ) ગામે 450 વિઘા જમીન દાન આપી.

વાત હજુ અહીં અટકતી નથી , આયોજન આગળ વધ્યું એટલે મહારાજાને પૂછવામાં આવ્યું કે હોસ્પિટલ નું નિર્માણ પૂર્ણ થયેથી તખ્તી પર રાજયકુટુંબ કે પુર્વજોમાંથી કોનું નામ આપ જોડવા ઈચ્છો છો ? મહારાજા એ સરળતાથી જણાવ્યું કે હોસ્પિટલ બનાવવી એ રાજ્યની ફરજ છે એમાં અમારે જસ ન લેવાનો હોય.આથી મારે કોઈ નામ સુચવવું નથી. નામ તો જેમણે આ સમગ્ર કામગીરીમાં વિશેષ યોગદાન આપ્યું છે અને તમામ પ્રયત્નો કર્યા છે તે ખુશાલદાસ મહેતા નું આપવું જોઈએ. 

આ રિતે પ્રજાહિત માટે ઉદારતા અને અન્યને મોટા કરવાની ભાવના મહારાજા ની લાક્ષણિકતા હતી.

જોકે આજે આ ડેન્ટલ હોસ્પિટલમાં અને કોલેજ તરીકે ફેરફાર થયેલ છે પરંતુ એક સમયે સમગ્ર ગુજરાતમાં એક માત્ર સૌથી મોટી ટ્રસ્ટની T.B હોસ્પિટલ તરીકે વિખ્યાત હતી


મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળેલ ખિતાબ અને સન્માન



જીવનપર્યાત 'મારી પ્રજાનું કલ્યાણ થાઓ' સૂત્રને વળગી રહેલા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આજના દિવસે વંદન

 તેમણે કરેલા પ્રજાકલ્યાણના કાર્યો અવિસ્મરણીય અને આદરણીય છે. જેના પર ગોહિલવાડવાસીઓ આજે પણ ગર્વ અનુભવે છે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work