ડૉ. સી. વી. રામન
પુરુ નામ: ચંદ્રશેખર વેંકટ રામન
જન્મ તારીખ: 7 નવેમ્બર 1888
જન્મ સ્થળ: તિરુચિરાપલ્લી (તામિલનાડુ)
અવશાન: 21 નવેમ્બર 1970 (બેંગ્લોર)
પ્રકાશના કિરણો કઇ રીતે કાર્ય કરે અને તે પૃથ્વી ઉપર કઇ રીતે આવે છે તે વિશે ઊંડું સંશોધન કરી લોકોને માહિતગાર કરનાર ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી.રામનના જીવન વિશે આજે જાણીશું.
સી.વી. રામન એક મહાન ભૌતિકવિજ્ઞાની હતા.
સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
એમની માતૃભાષા તમિલ છે.
બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું.
રામન પ્રેસિડન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઇ.સ. 1902ના વર્ષમાં દાખલ થયા, અને ઇ.સ. 1904ના વર્ષમાં એમણે સ્નાતકની પદવી મેળવી. જેમાં તેઓ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ઇ.સ. 1907ના વર્ષમાં તેમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી 70%થી વધુ ગુણાંક સાથે મેળવી હતી.
તેમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડિયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો.
ડો. ચંદ્રશેખર વેંકટ રામને ઈ.સ. 1928ની 28 ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાન જગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડયો કે સમગ્ર એશિયામાંથી 1930માં ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌપ્રથમ તેમને એનાયત કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ભારતમાં 28મી ફેબ્રુઆરીને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.
28મી ફેબ્રુઆરીએ ડો. રામને તેમને નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો.
સર સી.વી. રામને બિલોરી કાચમાંથી પ્રકાશનું કિરણ પસાર કરી જોયું. એમણે શોધી કાઢયું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. પારદર્શક પ્રવાહીમાંથી પણ પ્રકાશનું કિરણ પસાર કરી જોયું, તો એમને જુદાં જુદાં રંગની રેખાઓ દેખાઇ. આ સંશોધનને એમણે ‘રામન ઈફેકટ’ નામ આપ્યું. એની વ્યાખ્યા એમણે આ રીતે આપી, ‘જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઇમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઇમાં ફેરફાર માલૂમ પડે છે.’
પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઊંડું સંશોધન કર્યુ હતું. જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં તેમના નામ ઉપરથી ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.
એમણે પોતાના જીવન દરમિયાન ૪૬૫ જેટલાં પ્રકાશનોથી આ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. ધ્વનિ પ્રકાશ, રંગ, ખનીજ, ફૂલોના રંગો જેવી બાબતોમાં એમનું મહામૂલું પ્રદાન છે
કોલકાતા યુનિવર્સિટીમાં રામનની ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ. સોળ વર્ષ કોલકાતા યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ તેઓ બેંગલુરુમાં ‘ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’માં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે જોડાયા. છેલ્લે તેમણે ‘રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં સેવા આપી હતી
21 નવેમ્બર 1970 (82 વર્ષ) ના રોજ બેંગલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તેમના રહેઠાણમાં તેમનું નિધન થયું હતુ તેમના અવશાનની જાહેરાત વડા પ્રધાન ઇંદ્રિરા ગાંંધી એ કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો.
સન્માન :-
રામનને ભૌતિકશાસ્ત્રમાં 1930મા નોબેલ પુરસ્કાર મળ્યો હતો અને તે વિજ્ઞાનની કોઈપણ શાખામાં નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન વ્યક્તિ હતા.
1912 માં રામનને ભારતીય નાણા સેવામાં કાર્યરત હોવા છતાં કર્ઝન સંશોધન એવોર્ડ (Curzon Research Award) મળ્યો હતો.
1913 માં તેમને વુડબર્ન રિસર્ચ મેડલ મળ્યો ત્યારે પણ તેઓ ભારતીય નાણાં સેવામાં કાર્યરત હતા.
1928 માં તેમણે રોમની એકેડેમિયા નાઝિઓનાલે ડેલ સાયન્સીઝ દ્વારા મેટ્યુસિ મેડલ મળ્યો હતો.
1930 માં તેમણે રોયલ સોસાયટી દ્વારા હ્યુજીસ મેડલ (Hughes Medal) મળ્યો હતો.
1941 માં તેમને ફિલાડેલ્ફિયામાં ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફ્રેન્કલિન ચંદ્રક એનાયત કરાયો હતો.
1924 માં તેઓ રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેમણે 1968 માં ફેલોશિપમાંથી રાજીનામું આપ્યું.
તે 1929 માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 16 મા અધ્યક્ષ હતા.
તેઓ 1933 થી તેમના મૃત્યુ સુધી ભારતીય વિજ્ઞાન એકેડેમીના સ્થાપક પ્રમુખ હતા.
1961 માં પોન્ટિફિકલ એકેડેમી ઓફ સાયન્સના સભ્ય હતા
દેશની ૧૭ યુનિવર્સિટીઓએ સન્માનનીય ડોક્ટરેટની પદવી પ્રદાન કરી હતી.
ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા 1971 અને 2009માં ટપાલ ટિકિટ બહાર પાડવામા આવી હતી.
7 નવેમ્બર 2013 ના રોજ, ગૂગલ દ્વારા રામનના જન્મદિવસની 125 મી વર્ષગાંઠ ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા.
ભારતની રાજધાની નવી દિલ્હીના એક રસ્તાનું નામ સી.વી. રામન માર્ગ રાખવામાં આવ્યું છે.
પૂર્વી બેંગ્લોરના એક વિસ્તારને સી.વી. રામન નગર નામ આપવામાં આવ્યુ છે.
નાગપુરમાં વિજ્ઞાન કેન્દ્રનું નામ સર સી. વી. રામનના નામે રાખવામાં આવ્યું છે
1998 માં, અમેરિકન કેમિકલ સોસાયટી અને ઇન્ડિયન એસોસિયેશન ફોર કલ્ટીવેશન ઓફ સાયન્સ, ભારતના કલકત્તા, જાદવપુરમાં ભારતીય કૃષિ સંસ્થાના વિજ્ઞાન મંડળ ખાતે રામનની શોધને આંતરરાષ્ટ્રીય ઐતિહાસિક કેમિકલ લેન્ડમાર્ક ( International Historic Chemical Landmark) તરીકે માન્યતા આપી હતી.
ડો. સી.વી. રામન માનતા હતા કે
"વિજ્ઞાન નો ઉપયોગ યુધ્ધ માટે નહીં પરંતુ વિશ્વશાંતિ માટે થવો જોઈએ"
આવા આધુનિક ભારતના મહાન વૈજ્ઞાનિક્ને તેમની જન્મ જયંતિએ કોટિ કોટિ વંદન
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work