પિંગાલી વેંકૈયા
આપણે સૌ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ખૂબ જ ગૌરવ સાથે ત્રિરંગો લહેરાવીએ છીએ. સલામ કરતી વખતે, તેની નીચે ઉભા રહીને, રાષ્ટ્રગીત ગાઇને ધ્વજ ફરકાવીએ છે પણ શું તમે જાણો છો કે આપણા આ રાષ્ટ્રધ્વજની ડીઝાઇન કોણે તૈયાર કરી હતી, તે વ્યક્તિ હતા....પિંગાલી વેંકૈયા
આજે આપણે રાષ્ટ્રધ્વજની ડીઝાઇન તૈયાર કરનાર સ્વાતંત્ર્ય સેનાની પિંગાલી વેંકૈયાના જીવનને જાણીયે.
પિંગાલી વેંકૈયાનો જન્મ 2 ઓગસ્ટ 1876ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના મછલીપટ્ટનમ જિલ્લાના ભટલા પેનામરુમાં થયો હતો.
તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનુમંત રાયડુ અને માતાનું નામ વેંકટ રત્નમ્મા હતું.
પિંગાલી વેંકૈયાએ તેનું પ્રાથમિક શિક્ષણ મદ્રાસની હિન્દુ હાઈસ્કૂલમાંથી લીધું હતું, ત્યારબાદ તે સિનિયર ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે કાબરીઝ યુનિવર્સિટી ગયા હતા.
થોડા સમય માટે તેમણે બેલ્લારીમાં સરકારી કર્મચારી તરીકે પણ કામ કર્યું, પરંતુ ભાષા પ્રત્યેના પ્રેમના કારણે તેઓ લાહોરની એંગ્લો વૈદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝનો અભ્યાસ કરવા ગયા.
1906 થી 1911 સુધી, પિંગાળીએ કપાસની વિવિધ જાતોનો તુલનાત્મક અભ્યાસ કર્યો. આ અભ્યાસના પરિણામે તેમણે "બમ્બોલાટ કંબોડિયા કપાસ" પર એક લેખ પ્રકાશિત કર્યો. જાપાની કપાસ અને ધ્વજ પરના તેના અભ્યાસને કારણે, તેમને જાપાન વેંકૈયા, પટ્ટી (કપાસ) વેંકૈયા અને ઝંડા વેંકૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
પિંગાલી વેંકૈયાએ ત્રિરંગો ધ્વજ બનાવતા પહેલા 30 દેશોના ધ્વજનો અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1916 થી 1921 સુધી તેના પર સંશોધન કર્યું. આ પછી તેણે તિરંગાની ડિઝાઇન તૈયાર કરી.
પિંગાલી વેંકૈયાએ, 1916 માં પ્રકાશિત તેમના પુસ્તકમાં, 30 ધ્વજોના ડ્રાફ્ટ્સ રજૂ કર્યા, જેનો પાછળથી ભારતના ધ્વજ તરીકે ઉપયોગ થઈ શકે.
મછલીપટ્ટમની આંધ્ર નેશનલ કોલેજમાં પ્રવક્તા તરીકે ફરજ બજાવતા હતા.
પિંગાલી વેંકૈયાએ 1918 થી 1921 દરમિયાન કોંગ્રેસના તમામ સત્રોમાં પોતાનો ધ્વજ માન્ય રાખવાનો ઠરાવ રજૂ કર્યો હતો.
તે જ સમયે વેંકૈયા મહાત્મા ગાંધીથી ખૂબ પ્રેરણા લેતાં હતાં
પિંગાલી વેંકૈયા એકવાર વિજયવાડામાં ગાંધીજીને મળ્યા અને ધ્વજ પર પ્રકાશિત તેમના પુસ્તકમાં ધ્વજના વિવિધ સ્વરૂપો દર્શાવ્યા. રાષ્ટ્રધ્વજના મહત્વને ઓળખીને મહાત્મા ગાંધીએ 1921ની રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠકમાં પિંગલી વેંકૈયાને નવો મુસદ્દો રજૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ગાંધીજીએ તેમને આ ધ્વજની મધ્યમાં અશોકચક્ર મૂકવાની સલાહ આપી હતી, જે આખા ભારતને એક સૂત્રમાં બાંધવાનો સંકેત બની જશે.
1931 માં સાત સભ્ય સમિતિ બીજા રાષ્ટ્રધ્વજ સાથે આવી. ભારત માટે મોટો દિવસ ત્યારે આવ્યો જ્યારે લોર્ડ માઉન્ટબેટને ભારતને સ્વતંત્ર બનાવવાનો નિર્ણય જાહેર કર્યો. રાષ્ટ્રધ્વજની રૂપરેખા તૈયાર કરવા માટે ડો.રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
પિંગાલી વેંકૈયાના ધ્વજને સુધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. ધ્વજના તમામ રંગોને બધા સંપ્રદાયો માટે સમાન ગર્વ અને શ્રેષ્ઠ મહત્વ હતું.
22 જુલાઇ 1947 ના રોજ યોજાયેલ ભારતીય બંધારણ સભાની બેઠક દરમિયાન ત્રિરંગો અપનાવવામાં આવ્યો હતો, જે ભારતનાં અંગ્રેજોથી આઝાદીના થોડા દિવસો પહેલાં 15 ઓગસ્ટ 1947 ના રોજ કરવામાં આવ્યો હતો. તેને 15 ઓગસ્ટ 1947 થી 26 જાન્યુઆરી 1950 ની વચ્ચે ભારતનાં રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.
દેશની આઝાદી પછી, પંડિત જવાહરલાલ નહેરુએ 22 જુલાઈ, 1947 ના રોજ બંધારણ સભામાં ત્રિરંગાને ફરકાવીને ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે જાહેર કર્યો.
ત્રિરંગો ધ્વજ એ દેશનું ગૌરવ છે. આઝાદીની લડતથી આજ સુધી ત્રિરંગાની વાર્તામાં ઘણા રસપ્રદ વળાંક આવ્યા છે. પહેલાં તેનું સ્વરૂપ જુદું હતું, આજે તે કંઈક બીજું છે
22 ઑગસ્ટ 1907 ના રોજ, ભીખાજી કામાએ જર્મનીમાં બ્રિટિશરો સામેની રાજકીય લડાઇમાં પ્રથમ વખત બર્લિન સમિતિનો ધ્વજ લહેરાવ્યો. બાદમાં 1917 માં, ગૃહ નિયમ ચળવળ દરમિયાન, બાલ ગંગાધર તિલક અને એની બેસંટે બીજો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો.
કોલકાતામાં આવેલ પારસી બગન ચોક (ગ્રીન પાર્ક) ખાતે 7 ઓગસ્ટ વર્ષ 1906 નાં રોજ લાલ, પીળો તથા લીલો આડો પટ્ટા પર પ્રથમ વાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો
રાષ્ટ્રધ્વજ બનાવ્યા પછી પિંગાલી વેંકૈયાનો ધ્વજ લોકોમાં "ઝંડા વેંકૈયા" નાં નામથી ઘણો લોકપ્રિય થયો હતો.
4 જુલાઈ વર્ષ 1963 નાં રોજ વિજયવાડામાં પિંગાલી વેંકૈયાનું અવસાન થયું હતું.
ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 2009માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
પિંગાળી વેંકૈયાના યોગદાનને વિજયવાડામાં ઓલ ઇન્ડિયા રેડિયો બિલ્ડિંગનું નામ આપીને તેનું સન્માન કરવામાં આવ્યું છે.
પિંગાળી વેંકૈયા અમેરિકામાં જોવા મળતા કંબોડિયન કપાસને ભારતીય કપાસના બીજ સાથે ભેળવીને એક નવું બીજ ભારતીય વર્ણસંકર કપાસ બનાવ્યું. તેમના યોગદાન માટે કપાસની આ જાતને વેંકૈયા કપાસ તરીકે પણ ઓળખાય છે.
પિંગળી વેંકૈયા હીરાની ખાણોમાં પણ નિષ્ણાત હતા. તેમને વિવિધ પ્રકારના હીરાનું સારું જ્ઞાન હતું. દક્ષિણ આફ્રિકામાં રહેતા, તેમણે હીરાની ખાણો પર ઘણો અભ્યાસ કર્યો.
ભારતના રાષ્ટ્રધ્વજ વિશે
આપણો રાષ્ટ્રધ્વજ લંબચોરસ છે જે ત્રણ રંગોના મિશ્રણથી બનેલો છે. આમાં કેસરી સફેદ અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મધ્યમાં ચોવીસ આરા ધરાવતું અશોક ચક્ર છે. અશોક ચક્રનો રંગ વાદળી છે.
આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.
ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.
ભગવો અથવા કેસરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે,
સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે.
લીલો રંગ એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે.
મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે.
ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."
૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામી વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ તરીકે ઓળખાયો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ લખાણ કરેલ હતુ. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
- પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" કોલકાતામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી લિપીમાં લખેલ હતું.
- ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
- બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરુલ આંદોલન માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
- ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
- મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
- ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં કોલકાતામાં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
- આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
- છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેsરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.
- આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણિપુર માં ફરકાવાયેલ.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work