મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

19 February, 2021

વિશ્વ માતૃભાષા દિવસ (International Mother Language Day )

 વિશ્વ માતૃભાષા દિવસ

21 ફેબ્રુઆરી


આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનની ગંગામાં ૫ણ ભરતી આવી છે.દિવસે ને દિવસે શિક્ષણનો વ્યા૫ વઘી રહયો છે. તેમાં ઉત્તરોતર નવા નવા અભ્યાસક્રમોને ઉમેરો થઇ રહયો છે. તેમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાના શિક્ષણ ૫ર વઘુ ભાર મુકવામાં આવી રહયો છે. દિવસેને દિવસે અંગ્રેજીભાષા ૫ર વઘુ ભાર મુકતાની સાથે સાથે માતૃભાષા પ્રત્યે દુલક્ષ સેવાતુ ગયો છે.મહર્ષિ અરવિદની માન્યતા પ્રમાણે એક જ ભાષા અને તે ૫ણ અઘ્યેતાની પોતાની માતૃભાષા જ અન્ય ભાષા શિખવા માટે શિસ્તનું મુલ્ય પ્રદાન કરી શકે. જયાં સુઘી અઘ્ચતાની માતૃભાષાની ભાષાની વેજ્ઞાનિક ક્ષમતા સંતોષકારક રીતે પાંગરી ન હોય ત્યાં સુઘી બીજી કોઇ ૫ણ ભાાષા ૫ર પ્રભુત્વ મેળવવા જવાનો પ્રયત્ન નિરથક છે. માતાની હુંફની બાળકને જેટલી જરૂર છે તેટલી જ માતૃભાષાની ૫ણ છે જ. છતાં કયાંક એની ઉપેક્ષા થતી હોય તેવુ જણાય છેે.


દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 1999 નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, 2000થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. યુનેસ્કોએ 7000થી વધુ ભાષાઓને વિવિધ દેશોમાંથી ઓળખી કાઢી છે.છે.જેનો ઉપ્યોગ લખવા, વાંચવા કે બોલવામાં થાય છે.

*મનથી બોલાય એ માતૃભાષા  અને મગજથી બોલાય એ પરભાષા.*

*ઇ.સ.1952 માં બાંગ્લા ભાષાને બચાવવા માટે 4 બાંગ્લાદેશી યુવાનો શહીદ થયા એ દિવસ હતો 21 ફેબ્રુઆરી..*

*જેને યુ.એન. દ્વારા વિશ્વ  માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો છે..*

*આપણી માતૃભાષા ગુજરાતી છે..*

*24 મી ઓગસ્ટ એ ગુજરાતી ભાષા દિવસ છે એ ઘણાને ખબર નથી..*

*જે વિર કવિ નર્મદનો જન્મદિવસ છે..*



શા માટે 21 ફેબ્રુઆરી એ  માતૃભાષા દિવસ ઉજવાય છે.

1948માં પાકિસ્તાનના વડા પ્રધાન મહંમદઅલી ઝીણાએ જાહેરાત કરી કે હવેથી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન માટે રાષ્ટ્રાભાષા ઉર્દુ રહેશે, બંધારણીય ભાષા તરીકે ઉર્દુ ભાષા સ્વીકારાય છ, સરકારી સહિતના બધા કામકાજ હવે ઉર્દુમાં જ થાશે,

આ જાહેરાતને પશ્ચિમ પાકિસ્તાનના લોકોએ સ્વીકારી પરંતુ પૂર્વ પાકિસ્તાનના લોકોએ સ્વીકારી નહિ કારણકે  તે લોકોની મુખ્ય ભાષા બંગાળી હતી, આ લોકો કોઇ પણ ભોગે પોતાની માતૃભાષા છોડીને ઉર્દુ સ્વીકારવા તૈયાર ન હતા, જેના કારણે ભયંકર વિરોધ થયો, આ વિરોધના ભાગરુપે 21 ફેબ્રુઆરી 1952ના દિવસે ઢાંકા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યુ જેનો હેતુ પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનો અને બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગ કરી, જેના માટે વિશાળ રેલી કાઢી, હજારો લોકો રેલીમાં જોડાયા, સરકારી આ આંદોલનને કચડી નાખવા પોલિસ મોકલી, પોલીસે લાઠી ચાર્જ અને ગોળીબાર કર્યો જેમા હજારો લોકો ઘવાયા, ચાર જેટલા વિદ્યાર્થીઓ મરી ગયા. ઘણા લોકોએ આ આંદોલનમા જાન ગુમાવી પણ માતૃભાષાની મમતા ના છોડી, 



આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાનો અને વિદ્યાર્થીઓને શ્ર્દ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ 1999ની જનરલ કોન્ફરન્સમાં 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો.



બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા

જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.



તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈઝરાયલમાં પોતાની ભાષામાં પુસ્તકો ન હોવાથી આઝાદીના સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું.


ભારતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે. હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ અલગ છે. પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.)એ 2010માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે. આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.




બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા-વાંચતા ભૂલી ગયા. 'ભાષા જાય તો સંસ્કૃતિ જાય' એ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું

આપણાં ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!



ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.જે ભાષાએ  આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે

પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી  કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું, માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.મા,માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!




વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ મુજબ સૌથી વધુ બોલાતી ભાષામાં  પ્રથમ ક્રમે અંગ્રેજી છે,  હિંદી ત્રીજા ક્રમે છે. છે. 

 વિશ્વની સૌથી વધુ બોલાતી 20 ભાષાઓમાં ભારતની છ ભાષા છે.



2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે જે જે 57% લોકો બોલે છે, બીજા નંબરે અંગ્રેજી, ત્રીજા નંંબરે બંગાળી, ચોથા નંબરે મરાઠી, જ્યારે ગુજરાતી  છઠ્ઠા નંબરે આવે છે.


2022 ની થીમ: Using technology for multilingual learning: Challenges and opportunities

2021 ની થીમ: “Fostering multilingualism for inclusion in education and society”("શિક્ષણ અને સમાજમાં સમાવેશ માટે બહુભાષીતાને પ્રોત્સાહન આપવું".)

2020ની થીમ: Languages without borders (સરહદો વિનાની ભાષાઓ)

2019ની થીમ: Indigenous languages matter for development, peace building and reconciliation (સ્વદેશી ભાષાઓ વિકાસ, શાંતિ નિર્માણ અને સમાધાન માટે મહત્વપૂર્ણ છે)

2018ની થીમ: Linguistic diversity and multilingualism count for sustainable development.(ભાષાકીય વિવિધતા અને આંતરભાષીયતા ટકાઉ વિકાસ માટે ગણાય છે.)








હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ, પરંતુ તેને હવે થોડું વહાલ પણ કરવાની જરૂર છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. ."વિશ્વ માતૃભાષા દિવસ"ની શુભેચ્છાઓ.


રાધા મહેતા દ્વારા માતૃભાષા વિશે ખુબ સરસ સ્પીચ આપવામાં આવી છે.


સંસ્કૃત છે ધર્મની ભાષા , અંગ્રેજી વેપારે વપરાય.

હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય


"વિશ્વ માતૃભાષા દિવસ વિચાર કણિકા" 


👉 "માં, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી."

     મા સાથે દરેકનો લોહીનો સંબંધ છે, માતૃભાષા સાથે ભાવનાત્મક સંબંધ છે જ્યારે માતૃભૂમિ સાથે આત્મિક સંબંધ છે. 


👉"માતૃભાષા ત્વચા છે જ્યારે અન્ય ભાષા વસ્ત્ર છે" 


👉"માતૃભાષાને જીવાડશો તો માતૃભાષા તમને જિવાડશે"


👉"માતૃભાષા ગુજરાતીની મીઠાશ તો જુઓ, જતાં લોકોને Bye નહીં આવજો કહીએ છીએ"


👉"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાંં ત્યાં સદા કાળ ગુજરાત" ‌- અરદેશર ખબરદાર


👉 ભાષા જાય તો સંસ્કૃતિ જાય"- ફાધર વાલેસ


👉 સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા અમને ગુજરાતી- ઉમાશંકર જોશી


👉"મને ફાંકડું  અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ, મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે" - નર્મદ


👉 "બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે." - ગાંધીજી 


👉 "હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું." - અબ્દુલ કલામ


👉 "સંસ્કાર અને સંસ્કૃતિનું પતન માતૃભાષાના પતનથી જ થાય છે" - ગુણવંત શાહ




     *ભાષા એ વિચારોનો પહેરવેશ છે..પ્રત્યાયનની અનેક ભાષા હોઇ શકે, પરંતુ અભિવ્યક્તિની સચોટ રજુઆત કેવળ માતૃભાષામાં જ થઇ  શકે..*

*વિશ્વમાં ગુજરાતી ભાષા બોલનારા સાત કરોડ લોકો છે.*

*પરંતુ આપણામાં ભાષાભિમાન નથી..બે અજાણ્યા ગુજરાતી એકબીજાને મળે તો અંગ્રેજી કે અન્ય ભાષામાં વાત કરે છે..આવું બંગાળી કે મરાઠી બોલતા લોકો કયારેય ના કરે..એ એમની માતૃભાષાને બેહદ ચાહે છે.*

*લતા મંગેશકર,સચિન તેંડુલકર કે માધુરી દિક્ષિત આંતરરાષ્ટ્રીય સમારંભોમાં પણ મરાઠીમાં બોલે છે.*

*આપણે ગુજરાતી બોલતાં શરમ અનુભવીએ છીએ.*

*કારણ વગર પરભાષામાં બોલતા લોકો કૃત્રિમ લાગે છે.માણસ જયારે માતૃભાષામાં બોલે છે ત્યારે એ દીપી ઉઠતો હોય છે..* 


           *હકિકતમાં આપણી ગુજરાતી ભાષા એક હજાર વર્ષનો સુદીર્ઘ ઇતિહાસ ધરાવે છે.*

*એનું શબ્દભંડોળ આગવું છે..ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે "ગૂર્જરાત" અને ક્રમશ: એમાંથી થયું ગુજરાત.*

*અને એની ભાષા ગુજરાતી.*

*જે મુળ સંસ્કૃત- પ્રાકૃત-સૌરસેની પ્રાકૃત-પશ્ચિમી રાજસ્થાની-જૂની ગુજરાતી-અને આધુનિક ગુજરાતી...*

*એમ ગૌરવશાળી રીતે વિકસી છે..*

          *કવિ ખબરદાર કહે છે..*

*"ગુર્જર વાણી ગુર્જર લ્હાણી ગુર્જર શાણી રીત* 

*જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત "*


         *એ નરસિંહ અને મીરાં જેવા ભકત કવિઓની જબાન છે...*

*જૈન કવિઓની આરાધના છે.*

*પારસીઓના ખટમીઠ્ઠા શબ્દોની નજાકત છે.*

*પ્રેમાનંદ ના સમયમાં આપણી ભાષા માટે કોઇએ મ્હેણું માર્યું..*

*'અબે તબે કા સોલ આના..*

*ઇકડમ તીકડમ આના બાર,*

*અઠે કઠે કા આઠ હી આના,*

*શું  શાં પૈસા ચાર'*

*અને પોતાની માતૃભાષા ના ગૌરવ માટે પ્રેમાનંદે ભેખ ધારણ કર્યો.જયાં સુધી ગુજરાતીને ઉચ્ચ સ્થાને ના બેસાડી ત્યાં સુધી એમણે શિખા ન બાંધી અને માણ ઉપર આખ્યાનો થકી ઓજસ્વી ગુજરાતી કાવ્યોનું સર્જન કરી મહાકવિ નું બિરૂદ પામ્યા...*


          *આવા અનેક પડાવો છે એના વિકાસક્રમના ..આપણને ગૌરવ થાય એવા લોકો મળ્યા છે આપણી ભાષામાં.*

*દયારામની ગરબી કે નર્મદનું 'જય જય ગરવી ગુજરાત' લાજવાબ છે..*

*એ ગાંધીજીની ભાષા છે.*

*દુનિયાનું સૌથી મહત્વનું પુસ્તક "સત્ય ના પ્રયોગો "આપણી ભાષામાં લખાયું છે.*

*સરદાર પટેલ પાણીદાર ગુજરાતી બોલતા જેનો આગવો અંદાજ હતો.. કૃષ્ણ ભગવાનના અંગત મિત્ર સુદામા ગુજરાતી હતા.ખુદ કૃષ્ણ પણ અહીં નિવાસ કરતા હતા એટલે એ પણ ગુજરાતી બોલ્યા હશે..આ કેટલું રોમાંચક છે !*

     

         *ભગવાન સ્વામીનારાયણ કે દયાનંદ સરસ્વતી ગુજરાતીમાં લખતા.*

*નાનજી કાલીદાસ મહેતા કે ધીરુભાઈ અંબાણી એ કરોડોનો કારોબાર આ ભાષામાં કર્યો છે..એ ગોવર્ધનરામની સંસ્કારિતા છે.*

*કનૈયાલાલ.મા.મુનશીની અસ્મિતા છે..*

*સરદાર પટેલનો લોખંડી પ્રતિભાવ છે.* *કૃષ્ણકુમારસિંહજી નું સ્વાર્પણ છે.*

*સયાજીરાવ નું સુશાસન છે.*

*પન્નાલાલ પટેલનો કથાવૈભવ છે.*

*કલાપી નો કેકારવ છે.*

*જામ રણજી નો માસ્ટર સ્ટ્રોક છે.*

*એ મારી માતૃભાષા ગુજરાતી છે...*


   *'હું ગુર્જર ભારતવાસી' કહેતા ઉમાશંકરની કાવ્યબાનીમાં એ સુપેરે વણાઈ છે.*

*એ ઠક્કરબાપા કે રવિશંકર મહારાજની સેવા થકી ઉજળી બની છે.*

*કોઠાસુઝ કે હૈયાઉકલત જેવા શબ્દો એની આગવી ઓળખ છે.*

 *મને મારી માતૃભાષા માટે દાઝ છે. આ 'દાઝ' જેવો શબ્દ આપણી ભાષા જ આપી શકે !*

*એના કેટકેટલા અર્થ છે..!*

*એ પારસીઓની શાલીનતા છે.*

*નાગરો ની સુઘડતા છે.*

*વ્હોરાઓની વ્હાલપ  છે.*

*મેમણોની મીઠાશ છે.*

*લોહાણાઓનું સાહસ છે..જૈનોનું જાજવલ્ય છે.પાણીદાર પાટીદારોનો પુરુષાર્થ છે..ક્ષત્રિયોની તેજસ્વીતા છે.*

*ચૌધરીઓની ચતુરતા છે.*


       *એ મહાજાતીઓનો સમુહ છે.એ પીડ પરાઇ જાણે છે.એ મીરાના પ્રેમની કટારી છે..એ અનોખો જોસ્સો છે.એ મોંઘેરૂં ગાન છે..એ ગાંધીના વૈષ્ણવજનની પરિભાષા છે.*

*એ વિક્રમ સારાભાઇની જિજ્ઞાસા છે.*

*મારી માતૃભાષા મહાન છે.*

*એટલે જ કહેવાયું છે કે*

*જયાં જયાં વસે એક ગુજરાતી*

*ત્યાં  ત્યાં  સદાકાળ  ગુજરાત.*

*છેલ્લે.*


*મારી વાત જેને સમજાતી નથી,*

*એ ગમેતે હોય ગુજરાતી નથી..*






No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work