કવિ દલપતરામ
(કવિશ્વર તરીકે જાણીતા)
પુરુ નામ: દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી
જન્મતારીખ: 21 જાન્યુઆરી 1820
જન્મસ્થળ; વઢવાણ , સુરેન્દ્રનગર
અવસાન: 25 માર્ચ 1898
કવિ દલપતરામનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં 21 જાન્યુઆરી 1820ના રોજ થયો હતો.
ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો.
મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી.
અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો.
કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.
દલપતરામે પોતાની સરળ પણ લોકભોગ્ય શૈલીમાં અનેક રચનાઓ કરી જે લોકજીભે ચડી ગઇ ને આજે ય લોકોક્તિરૂપે બોલાતી રહી છે. કવિ દલપતરામની માતૃભાષા પ્રેમ અનન્ય હતો. “ગુજરાતી વાણી રાણીનો વકિલ છું.” કહેતા દલપતરામના યોગદાનનો મહિમા જરાય ઓછો નથી. “અંધેરી નગરી ને ગંડુ રાજા”નું એમણે આલેખેલું ચિત્ર આજે ય Political Satire તરીકે યાદ આવી જાય. “ટકે શેર ભાજી ટકે શેર ખાજા”ની યાદ આવે ને મોં મલકે! તો “અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે” એવું ઊંટને સંભળાવતું શીયાળ કે “કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય”માં સાતત્યપૂર્ણ પ્રયત્નશીલતાનો સંદેશ આપતો કરોળિયો કેમ વિસરાય?
આઝાદી પહેલાં દલપતરામે લખેલી ગુજરાતી પિંગળ છંદ શાસ્ત્રની સવા લાખ નકલો વેચાઈ હતી!
તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા
ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે.
તેમની પ્રથમ કવિતા બાપાની પીંપર (૧૮૪૫) હતી.
બચપણમાં એમણે કમળલોચિની અને હીરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી.
જ્ઞાનચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો
તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અમલદાર ફોર્બ્સ હિન્દુસ્તાની અને મરાઠી શીખ્યા બાદ દલપતરામ પાસે ગુજરાતી ભાષા શીખતા હતા અને એ સમયે થયેલું એ બંનેનું મિલન એ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતર માટે મહત્વની ઘટના બની રહી.
દલપતરામ અને એલેક્ઝાન્ડર કિંગ્લોક ફોર્બ્સે 1848ની 26 ડિસેમ્બરે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે જાણીતી છે.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ‘બુદ્ધિપ્રકાશ’ નામનું સામયિક, અનેક ગ્રંથોનું પ્રકાશન અને નારી કેળવણીનાં કાર્ય કર્યાં.
- ફાર્બસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ.
- ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
- ૧૮૫૦ - બુદ્ધિપ્રકાશનું સંપાદન
- ૧૮૫૮ - 'હોપ વાંચનમાળા'ની કામગીરીમાં મદદ
મુખ્ય કૃતિઓ
- કવિતા - ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬).
- નિબંધ - ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ.
- નાટક - મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક, સ્ત્રીસંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત.
- વ્રજભાષામાં - વ્રજ ચાતુરી.
- વ્યાકરણ - દલપત પિંગળ.
- કાવ્ય દોહન.
- બાપાની પિંપર, તાર્કિક બોધ
સન્માન
- બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ. ઇલ્કાબ
- કવિશ્વર દલપતરામ એવોર્ડ તેમની સ્મૃતિમાં એનાયત થાય છે.
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
– દલપતરામ
પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.
ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”
ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.
ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”
ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.
રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.
તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.
“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”
કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”
પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”
મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.
ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ
શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”
ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.
– દલપતરામ
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.
-દલપતરામ
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work