કાકાસાહેબ કાલેલક
મણે વડોદરાના ગંગાનાથ મહાલયના આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની શિક્ષણસંસ્થામાં પણ શિક્ષણકાર્યનો અનુભવ લીધો હતો.આ બધાની ફલશ્રુતિરૂપ કાકાસાહેબમાં સુધારક ધર્મદ્રષ્ટિ, કલાદ્રષ્ટિ, ભારતીય જીવનદ્રષ્ટિ અને રાજકીય ઉદ્દામવાદી વિચારોનો જ્ન્મ થયો હતો.
કાકાસાહેબે નિબંધ, પ્રવાસકથા, આત્મવૃતાંત, પત્રલેખન, સાહિત્યવિવેચન આદિ મારફાતે ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારો ખેડ્યાં છે.કાકાસાહેબના નિબંધો વર્ણ્ય વિષય કે પ્રસંગને રસાવહ બનાવે તેવી સર્જકશૈલી એમનાં લેખોમાં હોય છે તેથી કાકાસાહેબના નિબંધો સર્જનાત્મક કોટિના બન્યા છે. તેમણે જેલજીવનથી માંડી મૃત્યુ સુધીના વિષયો પર ચિંતન કર્યુ છે તેમ છતાં એવા પણ નિબંધો છે જે વિષયનું ભારેખમપણું ઓગાળી દે. આમ, ચિંતનાત્મક નિબંધો અને સર્જનાત્મક નિબંધો એમ બંને પ્રકારના નિબંધો કાકાસાહેબ પાસેથી આપણને મળે છે. ગુજરાતી ગદ્યમાં લલિત નિબંધ એ કાકાસાહેબનું મહત્વનું અર્પણ બની રહ્યો છે.
- ‘જીવનનો આનંદ’, ‘જીવનભારતી’, ‘જીવનસંસ્કૃતિ’, ‘રખડવાનો આનંદ’ – વગેરે તેમણે લખેલા લલિત - સર્જનાત્મક સ્વરૂપના નિબંધના ખૂબ સરસ પુસ્તકો છે.
- ‘હિમાલયનો પ્રવાસ’, ‘બ્રહ્મદેશનો પ્રવાસ’, ‘પૂર્વ આફ્રિકામાં’, ‘ઊગમણો દેશ જાપાન’ – વગેરે પ્રવાસના પુસ્તકો છે.
- ‘સ્મરણયાત્રા’ – તેમની આત્મકથાનું પુસ્તક છે.
- ‘જીવનલીલા’ – માં લોકમાતા નામે અગાઉ પ્રસિધ્દ્ધ થયેલા નદીવિષયક લેખો સંગ્રહાયા છે.
- ‘ઓતરાતી દીવાલો’ – માં સ્વાતંત્ર્ય – લડતના ભાગરૂપ તેમના જેલવાસ દરમિયાન તેમણે કરેલું કુદરતની સૃષ્ટિનાં જીવજંતુ –પંખીઓ –પ્રાણીઓની જીવનલીલાનું સૂક્ષ્મ છતાં રસાળ અવલોકન છે.
- ‘બાપુની ઝાંખી’ - સંસ્મરણોનું પુસ્તક
- ‘ચિ.નેત્રમણિભાઈને’, ‘ચિ.ચંદનને’ – વગેરે પત્ર સાહિત્ય આપતાં પુસ્તકો પણ છે.
- ‘જીવનભારતી’ - સાહિત્યવિષયક લખાણો – માં ગ્રંથસ્થ થયેલાં છે.
- ‘જીવનનો આનંદ’ - લલિત નિબંધો : આ ગ્રંથ તેમણે ઈ.સ. ૧૯૩૬ માં લખ્યો હતો. આ ગ્રંથ બે વિભાગમાં સ્પષ્ટપણે વહેંચાઈ જાય છે. ૧. ‘નિવૃતિમાં નિરીક્ષણ’ અને ૨. ‘પ્રકૃતિનું હાસ્ય’ - આ તેના બે વિભાગો છે. આ બધા લલિત નિબંધો તેના વર્ણ્યવિષયને લીધે તો ખરા જ ; સાદી સરળ છતાં ચેતોહર સહજ એવા સજીવારોપણ અલંકારથી કલ્પનાસમૃધ્ધ પણ બન્યાં છે.
- ‘રખડવાનો આનંદ’ આ પુસ્તક ઈ.સ.૧૯૫૩ માં લખાયું હતું. તેમાં જે નિબંધો સંગ્રહાયા છે તે મુખ્યત્વે વિશાળ ભારતમાં વિવિધ તીર્થધામો અને કલાધામોને લગતા લેખો છે. કાકાસાહેબે એક સરસ અવલોકન કર્યું છે * ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ એક ભાગ છે.’ એ લલિત નિબંધો બની રહે છે. તેમાં કાકાસાહેબની સૌંદર્યદ્રષ્ટિ, કલાદ્રષ્ટિ અને સવિશેષ તો આજીવન પ્રવાસી એવા આત્માની જીવનદ્રષ્ટિનો આપણને પરિચય થાય છે. કન્યાકુમારીનું મંદિર, નર્મદાતીર પરનું યોગિનીમંદિર, બુધ્ધગયા, બાહુબાલીની મૂર્તિ, દેલવાડાનાં જૈનમંદિરોના પરિચયમાં કાકાસાહેબની હિંદુધર્મ અને સંસ્કૃતિ પરત્વે શ્રધ્ધા અને ભક્તિ સાચા અર્થમાં નિખરી આવતા જોઈ શકાય છે.
- અજન્ટા ,તાજમહાલ , વૈરાગ્યવૈભવનો વારસો – માં કલાતીર્થોનો પરિચય તો દક્ષિણને છેડે , સીતા નહાણી , પુણ્ય તારાનગરી વગેરે લેખોમાં પ્રકૃતિદર્શનનો સુભગ પરિચય લેખક કરાવે છે.
- જીવનલીલા : ઈ.સ. ૧૯૫૬ માં તેમણે આ પુસ્તક લખ્યું હતું. કાકાસાહેબે ૧૯૩૪ ના અરસામાં લોકમાતા નામે આપણા દેશની પુણ્યસાલિલા સરિતાઓનું સ્તવન કરતા કેટલાક ગદ્યલેખો લખ્યા હતા. તેમાં નદીવિષયક અન્ય લખાણો ઉમેરીને જીવનલીલા પુસ્તક તૈયાર થયું છે. સાગર, સરોવર, નદી જળાશયોના દર્શને કવિજીવ કાકાસાહેબની આંખમાં જે ઉલ્લાસ છલકાય છે તેની પ્રતીતિ અહીં ગ્રંથસ્થ થયેલો કોઈ પણ લેખ કરાવે છે.
- ગંગામૈયા,યમુનારાણી,ઉભયાન્વયી નર્મદા,દક્ષિણગંગા ગોદાવરી તો કાકાસાહેબની ગદ્યલેખના શૈલીના ઉત્તમ નમૂના બન્યા છે. અને તેની વાચકના ચિત્તમાં કાયમની સ્મ્રૃતિ મૂકી ગયા છે. આ ગ્રંથના નવા શીર્ષકમાંજીવનલીલા શબ્દ ઔચિત્ય ધારણ કરે છે. ચૈતન્યમય તત્વનો કેવો આહ્લાદક સ્પર્શજીવનલીલા ના નિબંધો કરાવે છે. તેની પ્રતીતિ થતાં જ ગુજરાતી સાહિત્યમાં નિબંધોનું મૂલ્ય સ્પષ્ટ થાય છે.કાકાસાહેબે લલિત નિબંધનું નવલું રૂપ ગુજરાતી નિબંધસાહિત્યમાં ઉમેર્યું. કવિસહજ મુક્ત અને અવનવીન કલ્પનાઓનો વૈભવ, સહજ અલંકરણ અને સજીવ વર્ણનચિત્રણ, ગદ્યની રસળતી ગતિયદ્યચ્છાવિહારી લેખિનીમાંથી સહજ અંકુરાતાં વાક્યો, બહુશ્રુતતાને કારણે નિબંધમાં પ્રગટતાં સંવેદનોની અવનવી ભાત, જડ પ્રકૃતિને પણ ચેતનથી રસી દેતી તેમની વાણીનું રૂપ તેમના રસિક સંસ્કારી કલાપારખું આત્માની સાહેદી પૂરે છે. આજે તો ગુજરાતી સાહિત્યમાં લલિત નિબંધનું સ્વરૂપ અનેક સર્જકોએ સફળતાપૂર્વક ખેડેલું જોઈ શકાશે. લલિત નિબંધક્ષેત્રે કાકાસાહેબનુંઆ ઉત્તમ પ્રદાન ગણાય.
- નિબંધલેખન જેમ કાકાસાહેબે ઉત્તમ પ્રવાસસાહિત્યનું પણ સર્જન કરેલું છે. બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં, ઊગમણો દેશ જાપાન. ઉપરાંત સૌથી વધુ પ્રખ્યાતિ પામેલું પ્રવાસપુસ્તક છે, હિમાલયનો પ્રવાસ. કાકાસાહેબનાં પ્રવાસવર્ણનો આપણા સાહિત્યમાં એક નોખી જ ભાત પાડે છે. હિમાલયની યાત્રા એ કાકાસાહેબ માટે કોઈ સામાન્ય પ્રવાસીની યાત્રા નથી. એ તો એક આસ્તિક કવિહ્રદયી યાત્રિકની ચિરઝંખના અને ભાવનાની તૃપ્તિવાચક અનુભૂતિ છે. ઈ.સ.૧૯૧૨માં તેમણે આ પ્રવાસ કરેલો. પછી સાત વર્ષ જેટલો સમયગાળો વહી ગયો એટલે સ્મ્રૃતિના ઝાંખા – ઝાંખા આધારે તેનું આલેખન થયું છે, છતાં અત્યંત મનહર કલાકૃતિ જેવી એ ચોપડી બની છે.
- ઓતરાતી દીવાલો : ક્યારેક સ્થળનો મહિમા બતાવતાં – બતાવતાં ધાર્મિક રિવાજોની વિચિત્રતા અને જડતાની કાકાસાહેબે કરેલી હળવી ઠેકડી અને ભાષાની અસરકારકતાને કારણે જન્મેલી સરસતા અને કાવ્યમયતા, આ પુસ્તક પ્રવાસવર્ણનનું છે એમ આપણને ઘડીભર ભુલાવી દે છે અને નવલકથાવાંચન જેટલો રમણીય આહલાદનો અનુભવ કરાવે છે. દા.ત. નગાધિરાજ પ્રકરણમાં હિમાલય – પર્વતાધિરાજ હિમાલયનું સમુન્નત ગૌરવપૂર્ણ ચિત્રાંકન અજબ શબ્દદેહ પામ્યું છે. ઓતરાતીદીવાલો – નામના પુસ્તકમાં કાકાસાહેબે પ્રકૃતિ વિશે અજબ મનોહર દ્રષ્ટિની ઝાંખી કરાવી છે. કાકાસાહેબની રમૂજીવ્રૃત્તિ, વિનોદવ્રૃત્તિ એમાં ઘણો મોટો ભાગ ભજવે છે. અસહકારની લડતમાં ભાગ લેવા બદલ કાકાસાહેબને અંગ્રેજ સરકારે સાબરમતી જેલમાં કેદ રાખ્યા હતા. એ કારાવાસનો સમયગાળો આ આનંદશોધક જીવનમરમી કેવી અનોખી રીતે કંટાળાજનકતામાંથી આહલાદકતામાં ફેરવી નાંખે છે તે આ પુસ્તકનાં લખાણોમાંથી જોવા મળે છે.ઓતરાતી દીવાલોની સૃષ્ટિમાંથી પસાર થતાં આપણને ભાવક તરીકે એમ લાગે છે કે કાકાસાહેબે કારાવાસની બધી જ દીવાલો કુદાવીને પોતાના મનને અને અને કલ્પનાને વિહંગની જેમ અવકાશમાં મોકળાશથી વિહરતી કરી દીધી છે.
- સ્મરણયાત્રા: ઈ.સ.૧૯૩૪માં સ્મરણયાત્રા – નામનું પુસ્તક લખ્યું હતું. શાળાજીવન સુધીના આ સંસ્મરણોમાં અવિભક્ત કુટુંબમાં ઘડતર પામતા એક કિશોરના જીવનના ઊછળતા ભાવ – પ્રતિભાવો, આશા – નિરાશાઓ, આકાંક્ષાઓ અને કલ્પનાઓનું મધુર ચિત્ર શબ્દ સાથે ઊપસી આવ્યું છે. સત્યના પ્રયોગોની જેમ અહીં સત્ય ઘટનાઓનું પ્રામાણિક આલેખન થયું છે. સ્મરણયાત્રામાં સામાન્ય માણસના સામાન્ય અનુભવો સુપેરે આલેખાયા છે. એ રીતે જોઈએ તો કાકાસાહેબેસ્મરણયાત્રા દ્રારા ગુજરાતી આત્મચરિત્રના સાહિત્યમાં ગાંધીજી પછી એક કદમ આગળ વધી નરવાપણું દાખલ કર્યુ છે.
કાકાસાહેબનું ગદ્ય : ગુજરાતી ગદ્યના ઘડતરમાં કાકાસાહેબનો ફાળો નોંધપાત્ર છે. જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા ઉપરનો તેમનો કાબૂ પ્રશંસનીય ગણાય. તેમના જેવું ગદ્યસ્વામિત્વ બહુ ઓછા ગદ્યકારોએ ગુજરાતીમાં સિધ્ધ કરેલું છે. ડૉ.ધીરુભાઈ ઠાકર તેમના ગદ્ય વિશે નોંધે છે કે " એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરૂષભર્યુ તેજ છે ; ગૌરવ છે એટલો જ પ્રસાદ છે. અલંકાર ધારણ કરવા છતાં તેની સાદાઈની સાત્ત્વિક મુદ્રાને આંચ આવતી નથી.
ઈ.સ.૧૯૮૧ના ઓગસ્ટ મહિનાની વીસમી તારીખના રોજ તેમનું અવસાન થયું હતું
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work