બરકતઅલી વિરાણી જીવન પરિચય
જન્મ તારીખ: 25 નવેમ્બર 1923
જન્મ સ્થળ: ઘાંઘળી, સિહોર, ભાવનગર(ગુજરાત)
અવશાન: 2 જાન્યુઆરી 1994 (મુંબઇ)
ઉપનામ: "બેફામ"
તે ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે
બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો.
તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.
ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું.
કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો.
શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા.
૧૯૫૨માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા. .
તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય કર્યો હતો
અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩), કુળવધુ (૧૯૯૭), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા
તેઓએ માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા.
તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.
ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા.
આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે
૨ જાન્યુઆરી ૧૯૯૪માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું
જીવન ઝરમર
- છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો
- ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી
- કિસ્મત કુરેશીની પ્રેરણા; ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા ; છેવટે ‘બેફામ’ બન્યા
- સંસ્કૃત અને અરબી પિંગળ તેમની પાસેથી શીખ્યા
- ભાવનગરમાં પહેલી વાર મુશાયરામાં ભાગ લીધો
- ખૂબ ભણી ડીગ્રીઓ મેળવી પ્રોફેસર થવાની અભિલાષા
- 1942 – ની ચળવળમાં મેટ્રીકમાં હતા ત્યારે ભાગ લીધો અને શિક્ષણને તિલાંજલિ આપી.
- 1945 – ‘શયદા’ ના કહેવાથી મુંબાઇ આવ્યા
- એક વર્ષ બાદ ‘મરીઝ’ ના આશિષ મળ્યા
- એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડીયા રેડીયોના કેન્દ્ર સંચાલક શ્રી. ઝેડ. એ. બુખારી ના સંપર્કમાં આવ્યા અને તેમણે રેડીઓ સ્ટેશન પર નોકરી અપાવી
- ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.
- 1952 – શયદાની મોટી દીકરી રૂકૈયા ( મુકદ્દરા ) સાથે લગ્ન
- મુશાયરાઓમાં મોહક તરન્નુમમાં લાક્ષણિક રજુઆત કરતા
- મક્તામાં ‘મરણ’ એ તેમની વિશેષતા
ચંદ્રકાંત બક્ષી કહેતાકે સાહિત્યકાર પ્રેમ અને સેક્સ ઉપર પૂર્ણ રીતે ખીલીને લખી શકે છે.સાહિત્યકારોએ મોત ઉપર બહું ઓછુ લખ્યું છે.એ રીતે જોઇએ તો બેફામે પોતાની મોટા ભાગની રચનાઓમાં મોતનો ઉલ્લેખ પણ મસ્તીથી કર્યો છે.
જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.
તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.
મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.
આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;
‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.
– બરકત વિરાણી ‘બેફામ
બેફામને ભણીગણીને મોટા પ્રોફેસર થવાની ઇચ્છા હતી પણ કિસ્મતમાં કંઇક જુદુ જ લખ્યું હતું.છેવટે ૧૯૪૫માં શયદાના આગ્રહથી તેઓ મુંબઇ જવાં રવાના થાય છે.બરાબર એક વર્ષ પછી બેફામ સાહેબ મરીઝના પરિચયમાં આવ્યાં.
એ જમાનો હતો ત્યારે મુંબઇ,અમદાવાદ,વડૉદરા અને રાજકોટમાં મુશાયરાઓ યોજાતા રહેતા હતાં.કેસરબાગ,જહાંગીરજી કાંવસજી હોલ વગેરે સ્થળૉ પર મુશાયરો હોય એટલે ગઝલ સમ્રાટ શયદા હોય અને એની સાથે એ સમયનાં ઉગતા ગઝલકારો જેવાં કે મરીઝ,સૈફ પાલનપૂરી,શૂન્ય પાલનપૂરી,બરકત વીરાણી અને અમૃત ઘાયલ.
બેફામ ઉપર ગઝલ સમ્રાટ શયદાના ચાર હાથ હતાં.છેવટે ૧૯૫૨માં શયદા પોતાની પુત્રી રૂકૈયાના નિકાહ બેફામ સાથે તય કરે છે.ગુરૂને દક્ષિણા આપવાને બદલે શીષ્યને ગુરૂ ખુદ સાંઈ દક્ષિણા આપે છે.
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે
દુઃખ એજ છે કે ત્યાર પછી એ રડ્યાં હશે.
@
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.
@
ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ!તારી જેમ આ દુનિયા ગમી નહોતી.
@
તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.
@
માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી
@
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
@
જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.
@
પહેલી નજરનો પ્રેમ કહાની બની ગયો,
એથી વધારે કાંઇ મળી નહિ વિગત મને…
@
કોણે કીધુ મારા દુઃખની ભાષા મારા રડવું છે
એ મારૂં સદાબહાર સ્મિત પણ હોઇ શકે?
@
કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…
@
ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું
@
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
@
અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું
એકલો છું,
બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું.
@
મને તું દિલ વિના મળવા ચાહે તો પણ મળી શકશે
પ્રણયને હું નિભાવું છું હવે વહેવાર સમજી ને
@
હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
@
ન એકલતા ગઈ તો પણ અમારી એકબીજાની,
મેં માની જોયું કે મારો ખુદા છે, હું ખુદાનો છું.
@
“બેફામ” ખાલી હાથ નહીં હોય કોઇનાં,
જો કઈં નહીં હશે તો દુઃઆથી ભર્યા હશે.
@
જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં
@
કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
@
બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
@
હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.
@
મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.
@
કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને
આવ્યો છું.
@
જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત
બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર
મારી.
@
એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.
@
જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.
@
સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.
@
જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.
@
બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.
@
મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.
@
જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.
@
જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.
@
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.
@
કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.
@
ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.
@
કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.
@
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય
તમને ?
@
કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.
@
વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.
@
આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.
@
બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.
@
વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.
@
મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.
@
નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.
@
એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.
@
મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work