નામ: શ્યામજી કૃષ્ણ વર્મા
જન્મ: 4 ઓક્ટોબર 1857
જન્મસ્થળ:માંડવી, કચ્છ
પિતાનું નામ: કરસનજી ભાનુશાળી ( ભણસાલી)
માતાનું નામ: ગોમતીબાઇ
પત્નિનું નામ : ભાનુમતી
મૃત્યુ: 30 માર્ચ 1930 (જીનીવા, સ્વિત્ઝરલૅન્ડ)
શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા. તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો
મેધાવી વિદ્ધાન, સંસ્કૃતના પ્રખર પંડિત, પહેલા ગુજરાતી ઉદ્દામવાદી શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ કચ્છ જિલ્લાનાના માંડવી ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતાં હતા. તેમની માતાનું નામ ગોમતીબાઇ હતું. ૧૧ વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું.
તેમણે ભૂજમાં પ્રાથમિક શિક્ષણ અને હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ભૂજમાં મ્યુનિસિપલ દીવાના અજવાળે એમનો અભ્યાસ ચાલતો.
એક દિવસ, મૂળ માંડવીના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા મથુરદાસ લવજી ભાટિયાની નજર આ બુદ્ધિમાન કિશોર પર પડી.
તેમણે શ્યામજીને મુંબઈમાં અભ્યાસની સગવડ કરી આપી અને એ રીતે શ્યામજીએ મુંબઈની વિલ્સન હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. વિલ્સન હાઇસ્કૂલ ઉપરાંત શ્યામજીએ અહીં શાસ્ત્રી વિશ્વનાથની પાઠશાળમાં સંસ્કૃતનું અધ્યયન પણ કર્યું. ગોકુળદાસ પારેખ શિષ્યવૃત્તિ મેળવીને એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.
આ વર્ષોમાં શ્યામજીના જીવનને વળાંક આપતી બે ઘટનાઓ બની
ઇ.સ. 1874માં તેમણે દયાનંદ સરસ્વતીનું શિષ્યત્વ પ્રાપ્ત કરેલું અને આર્યસમાજી બન્યા. તેમની શિક્ષા દિક્ષાથી શ્યામજી કૃષ્ણવર્મામાં ક્રાન્તિના બીજ રોપાયાં. શ્યામજી કરસનજી હવે શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા.
સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં ક્રાંતિકારી બન્યા. આર્ય સમાજના પ્રચાર માટે તેમણે લાહોર, બનારસ, મુંબઈ, અમદાવાદ, સુરત, નાસિક વગેરે સ્થળોએ સભાઓ ભરી પ્રવચન આપ્યાં.
1875માં તેમના લગ્ન ભાટિયા જ્ઞાતિના શ્રીમંત ઉદ્યોગપતિની પુત્રી અને તેમના શાળા સમયના મિત્ર રામદાસની બહેન ભાનુમતી સાથે થયા. તેમના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ અને જ્ઞાનથી પ્રભવિત થઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સે 1877માં પોતાના મદદનીશ તરીકે ઓક્સફોર્ડ તેડાવ્યાં. 1879માં તેઓ ઈગ્લેન્ડ ગયા. જ્યાં વિલિયમ્સના મદદનીશ તરીકે કાર્ય કરવાની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની જ બલિયોલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને 1883માં ડિસ્ટિંક્શન સાથે બી.એ. થયા. ઉપરાંત કાયદાના અભ્યાસ માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો અને નવેમ્બર 1884માં કાયદાની પદવી મેળવી બેરિસ્ટર થયાં
ઈંગ્લૅન્ડમાં શરુઆતનો વસવાટ ઇનર ટેમ્પલ ખાતે કર્યો જ્યાં તેમણે અંગ્રેજ તત્વજ્ઞાની હર્બટ સ્પેન્સરના પુસ્તકોનો અભ્યાસ કર્યો. વર્ષ જાન્યુઆરી 1905માં 'ધ ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ' નામનું માસિક શરુ કર્યું. ભારતની સ્વરાજ્ય સાધના માટે 18 ફેબ્રુઆરી 1905માં ભિખાઇજી કામા, દાદા ભાઈ નવરોજી અને સરદારસિંહ રાણાની સહાયથી લંડન ખાતે 'ધ ઈન્ડિયન હોમરુલ સોસાયટી'ની સ્થાપના કરી. ઈન્ડિયન હોમરુલ સોસાયટીએ તે સમયની વિક્ટોરીયન પબ્લીક ઇન્સ્ટીટ્યુટની તર્જ પર બનેલી જેનું પોતાનું લેખિત બંધારણ હતું. સોસાયટીના મુખ્ય હેતુઓ ભારત માટે સુરક્ષિત સ્વરાજ મેળવવું અને ઈંગ્લૅન્ડમાં સ્વરાજ પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર કરવાનો હતો.
1900માં શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં હાઈગેટમાં ઈગ્લૅન્ડ જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક વિશાળ મકાન ખરીદ્યું. જે સમય જતાં ભારતીય સ્વરાજ ચળવળના નેતાઓની મહત્વની બેઠકોનું કેન્દ્ર બન્યું. 1 જુલાઈ 1905ના રોજ આ મકાનને 'ઈન્ડિયા હાઉસ' તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું.
શ્યામજીની ઈગ્લૅન્ડ ખાતેની વધતી જતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે તેમના પર પોલીસની ધોંસ વધતી ચાલી ગઈ પરિણામે જૂન 1907માં તેઓ પેરિસ ચાલ્યા ગયા.
ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટમાં શ્યામજી કૃષ્ણવર્માએ લખેલા કેટલાક ક્રાંતિકારી લેખોને કારણે એપ્રિલ 1909માં ઈગ્લૅન્ડના ન્યાયાધિશોએ તેમની બેરિસ્ટર તરીકેની સનદ પાછી લઈ લીધી હતી.
પેરિસમાં સરદારસિંહજી રાણા અને મેડમ ભિખાઈજી કામાના સહયોગથી 'વંદે માતરમ્' અને ઈન્ડિયન સોસિયોલોજીસ્ટર' નામના મુખપત્રો શરુ કર્યાં. 1908 અને 1909માં તેમણે ભારતમાં કેટલાક મિત્રોને રિવોલ્વરો અને બોમ્બ બનાવાની રીતો દર્શાવતી પુસ્તિકાઓ મોકલાવી. શ્યામજી કૃષ્ણવર્માના માસિકની નકલો મોટી સંખ્યામાં ભારત આવતાં. શ્યામજીકૃષ્ણવર્માએ જાહેર કરેલી શિષ્યવૃત્તિઓના પરિપાકરુપે વિનાયક દામોદર સાવરકર, મદનલાલ ધિંગરા, લાલા હરદયાળ, પી. એન. બાપટ વગેરે ભારતીય ક્રાંતિકારી ચળવળના તેજસ્વી નેતાઓ તરીકે આગળ આવ્યાં. મદનલાલ ધિંગરાએ બ્રિટિશ અધિકારી સર કર્ઝન વાયલીની લંડનમાં હત્યા કરી જેમાં થયેલા વિવાદને પગલે તેઓ તેમના જૂના સાથીઓથી વિખૂટા પડી ગયા. સાવરકરની ધરપકડ અને સજાને પગલે પેરિસમાં તેમની પ્રવૃત્તિઓ નરમ પડતી ગઈ. 1914માં તેઓ પેરિસ છોડી જિનીવા જતા રહ્યાં.
આવા મહાન દેશપ્રેમી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા જીનીવા ખાતે 31 મી માર્ચ 1930ના રોજ અવસાન પામ્યા. તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી. જે ગુજરાત સરકાર દ્વારા 2003માં ગુજરાત લાવવામાં આવ્યા. તેની વીરાંજલિયાત્રા સ્વરૂપે ગુજરાતમાં પ્રદક્ષિણા કરી.
100 વર્ષ પહેલા પણ એમની લાખોપતિમાં ગણત્રી થતી. આમ છતાં એમણે પોતાનું કોઇ જ વીલ બનાવ્યું નહોતું. એમના અર્ધાગીની ભાનુમતીએ શ્યામજી કૃષ્ણવર્માના મૃત્યુ બાદ એમનું વસીયતનામું તૈયાર કર્યુ હતું. જેના પાવર ઓફ એટર્ની શ્યામજી કૃષ્ણવર્માના પેરીસમાં રહેતા ખાસ મિત્ર સરદારસિંહજી રાણાએ 1936માં મેળવ્યા હતા.
શ્યામજી કૃષ્ણવર્માને કોઇ સંતાન નહોતું. પણ ભારતના નવયુવાનોના અભ્યાસ માટે એ જમાનામાં એમણે 90 હજાર ફ્રાન્કનું દાન આપ્યું હતું. ફ્રાન્સમાં યુનિવર્સિટી ઓફ પેરીસમાં કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન છે. ફ્રાન્સ ભણવા આવવા ઇચ્છતા હિંદુ યુવાનો માટે એમણે સ્કોલરશીપ જાહેર કરી હતી. ત્યાંની સંસ્કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્યું હતું. ચિત્રલેખાએ એમના વસિયતની ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદ કરેલી કોપી મેળવી છે.
શ્યામજી કૃષ્ણવર્મા ભારત માટે જાસુસી કરતા હોવાની અંગ્રેજોને દ્રઢ શંકા હતી એટલે જ એમના પર બ્રિટીશ ગુપ્તચરતંત્ર ચાંપતી નજર રાખતું.
1935માં સૌ પહેલા ઇન્દુલાલ યાજ્ઞિકે શ્યામજી કૃષ્ણવર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું હતું,પુસ્તક લખ્યાનાં 15 વર્ષ બાદ એટલે કે 1950માં એ પ્રકાશિત થયું,એ પછી કચ્છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાંભડાઇએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો.
શ્યામજી કૃષ્ણવર્મા વિશે એક દસ્તાવેજી ફિલ્મ પણ ગુજરાતના માહીતીખાતાએ બનાવી હતી.
શ્યામજીકૃષ્ણવર્માને વંદના નામની એક ઓડીયો કેસેટ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ફાઉન્ડેશને બનાવી છે. ગાયક કલાકાર પ્રદીપ ગઢવીએ ગીતો લખ્યા છે અને લલીતા ઘોડાદરા સહગાયીકા છે.
ભુજમાં રહેતા અને 126 જેટલી જાસુસી નવલકથાથી વિખ્યાત થયેલા લેખક ગૌતમ શર્માએ એમની નવલકથામાં શ્યામસુંદર નામનું પાત્ર શ્યામજી કૃષ્ણ વર્મા પરથી રાખ્યું હતું.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં 4 ઓક્ટોબર 1989 ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના ૫૫ વર્ષો બાદ ૨૨ ઑગસ્ટ-૨૦૦૩ના રોજ સ્વયં સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું.
૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ 'ક્રાંતિતીર્થ'નો પાયોનો પથ્થર મૂક્યો અને ૧૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ ભૂમિપૂજન કરી ૫૨ એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારકને દેશને સમર્પિત કર્યું. જેમાં હાઈગેટ લંડન ખાતેના ઈન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણ વર્મા તથા તેમના પત્ની ભાનુમતીની મુર્તી મુકવામાં આવી છે.
૧૮પ૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી વર્ષમાં જન્મેલા આ ક્રાંતિગુરૂના ૧૯૩૦ માં દેહાંત પછી જિનિવાથી તેમના અસ્થિકળશ મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશ પરત લાવીને માંડવીમાં સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો. સને ર૦૦૯ વર્ષમાં માંડવીમાં ક્રાંતિતીર્થના નિર્માણનો પ્રારંભ કરવા રાજ્ય સરકારે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સોસાયટી રચી હતી અને જમીન ફાળવી હતી. માત્ર ૧૪ જ મહિનામાં ક્રાંતિતીર્થનું આ ભવ્ય શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક વિશ્વભરના આઝાદી કાજે જીવન સમર્પિત કરનારા સૌ કોઇ દેશભકતોને માતૃભૂમિની સેવા માટે સેવા સમર્પણની પ્રેરણા આપે તેવું બન્યું છે. એકંદરે રૂા. ૬ કરોડના ખર્ચે આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના ૧૮પ૭થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષની ઐતિહાસિક પ્રમુખ ધટનાઓની તવારિખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. શ્યામજી કૃષ્ણવર્માએ અંગ્રેજી સલ્તનતની છાતી ઉપર લંડનમાં જ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે ઇન્ડિયા હાઉસ કાર્યરત કરેલું તેની અદ્દભૂત પ્રતિકૃતિ આ ક્રાંતિતીર્થમાં સ્મારકરૂપે મૂકવામાં આવી છે. આ ક્રાંતિતીર્થ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની વિરાસત બનશે.
ભારત માતાને વિશ્વગુરૂ બનાવવા “વંદેમાતરમ અને સુજલામ સુફલામ”ના મંત્રને માટે જીવન ખપાવી દેનારા ક્રાંતિવીરોના સપના સાકાર કરવા માટેનું આ પ્રેરણા તીર્થ છે.
ઓરીજીનલ ડોક્યુમેન્ટ
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work