મદનલાલ ધીંગરા
18 સપ્ટેમ્બર 1883
મદનલાલ ધિંગરાનો જન્મ 18 સપ્ટેમ્બર 1883ના રોજ એક શિક્ષિત અને સંપન્ન હિન્દુ પરિવારમાં અમૃતસર, પંજાબ ખાતે થયો હતો. તેમના પિતા ડૉ. ગીતામલ ધિંગરા સિવિલ સર્જન હતા. મદનલાલ તેમના માતાપિતાના સાત સંતાનો પૈકી એક હતા.
મદનલાલે વર્ષ 1900 સુધી એમબી ઇન્ટરમિડિયેટ કોલેજ, અમૃતસરમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે લાહોર ચાલ્યા ગયા. અહીં તેઓ રાષ્ટ્રવાદી આંદોલનથી પ્રેરીત થયા. તેઓ અંગ્રેજોની સંપત્તિની સરખામણીમાં ભારતની ગરીબીથી વ્યથિત થયા. તેમણે ભારતીય ગરીબી અને દુષ્કાળના કારણો સંબંધિત સાહિત્યનું અધ્યયન કર્યું અને એ તારણ પર આવ્યા કે આ સમસ્યાઓનું સમાધાન સ્વશાસન અને સ્વદેશીમાં નિહિત છે. તેમને સમજાયું કે બ્રિટીશ સરકારની ઔદ્યોગિક અને આર્થિક નીતિઓ સ્થાનિક ઉદ્યોગોને કચડી નાખવા અને બ્રિટીશ ઉત્પાદનને ઉત્તેજન આપવાના પક્ષમાં છે જે ભારતીય ગરીબીનું મુખ્ય કારણ છે. ધિંગરાએ ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા બ્રિટીશ વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી આંદોલન પર ભાર મૂક્યો.
1904માં ધિંગરાએ અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન ઈંગ્લેન્ડથી આયાત કરેલા કાપડના બ્લેઝર પહેરવાના આચાર્યના આદેશના વિરોધમાં વિદ્યાર્થી આંદોલનનું પ્રતિનિધિત્વ કર્યું. જેના પરિણામે તેમને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમના પિતા કે જેઓ સરકારી સેવામાં ઉચ્ચ પદે હતા તેમણે આ બનાવ સંદર્ભે મદનલાલને કોલેજ પ્રબંધનની માફી માંગવા તથા ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું. તેઓ પિતાની સલાહને અવગણી કોલેજ છોડી શિમલાની તળેટીમાં કાલકા ચાલ્યા ગયા. અહીં ગરમીની ઋતુ દરમિયાન બ્રિટીશ પરિવારોને શિમલા પહોંચાડવા માટે ઘોડાગાડી ચલાવવાનું કામ કરતી એક પેઢીમાં ક્લાર્ક તરીકે જોડાયાં. નોકરીમાં અવિવેક બદલ બરતરફ કરાયા બાદ તેઓ કારખાનામાં મજૂર તરીકે જોડાયાં. અહીં તેમણે મજૂર સંઘ બનાવવાના પ્રયત્નો કરતાં છુટા કરવામાં આવ્યા. બાદમાં તેઓ મુંબઈ ચાલ્યા ગયા અને ત્યાં નાનીમોટી છૂટક નોકરીઓ કરી. તેમનો પરિવાર તેમના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત હતો આથી તેમના મોટાભાઇ ડૉ. બિહારીલાલે તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ જવા દબાણ કર્યું. પરિવારની ઇચ્છાને માન આપી ૧૯૦૬માં તેઓ ઈંગ્લેન્ડ જવા રવાના થયા. તેમણે યુનિવર્સિટી કોલેજ, લંડનમાં મિકેનિકલ એન્જીનિયરીંગના વિષયમાં પ્રવેશ મેળવ્યો.
કર્જન વાયલીની હત્યાના કેટલાંક સપ્તાહ પહેલાં ધિંગરાએ તત્કાલીન વાઈસરોય જ્યોર્જ કર્જનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત બંગાળના પૂર્વ રાજ્યપાલ બ્રેમફિલ્ડ ફુલરની હત્યાની યોજના પણ બનાવી હતી. બાદમાં તેમણે કર્જન વાયલીની હત્યાનો નિર્ણય કર્યો. કર્જન વાયલી ૧૮૬૬માં બ્રિટીશ સૈન્યમાં સામેલ થયા અને 1879માં ભારતીય રાજનૈતિક વિભાગ સાથે જોડાયા. તેઓ મધ્ય ભારત સહિત ઘણા સ્થળોએ મહત્વપૂર્ણ પદ પર રહ્યા હતા. 1901માં તેઓ ભારતના રાજ્ય સચિવના સૈન્ય સહયોગી તરીકે નિયુક્ત થયા. ઉપરાંત તેઓ ગુપ્ત પોલીસના પ્રમુખ પણ હતા જે સાવરકર તથા તેમના સહયોગીઓ પર નજર રાખી રહ્યા હતા.કર્જન વાયલી ધિંગરાના પિતાના નજીકના મિત્ર હતા.
1 જુલાઈ 1909ની ઢળતી સાંજે ધિંગરા સહિત મોટી સંખ્યામાં ભારતીયો તેમજ બ્રિટીશરો ઇમ્પીરીયલ ઇન્સ્ટીટ્યુટમાં ઈન્ડિયન નેશનલ એસોશિયેશન દ્વારા આયોજીત એટ હોમ સમારોહમાં ભાગ લેવા એકત્ર થયા હતા. જ્યારે સર કર્જન વાયલી તેમના પત્ની સાથે સભાખંડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ધિંગરાએ તેમના પર ગોળીબાર કર્યો.
હત્યા બાદ ધિંગરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી
23 જુલાઈના દિવસે ઓલ્ડ બેઈલી તરીકે ઓળખાતી લંડનની અદાલતમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો. મુકદ્દમા દરમિયાન ધિંગરાએ જણાવ્યું કે કર્જન વાયલીની હત્યાનો તેમને કોઈ જ અફસોસ નથી. કારણ કે તેમણે ભારતને અમાનવીય બ્રિટીશ શાસનથી મુક્તિ અપાવવામાં પોતાની ભૂમિકા ભજવી છે અને બ્રિટીશ સરકાર દ્વારા ભારતીયોની અમાનવીય હત્યાનો બદલો લીધો છે. અદાલત દ્વારા તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. 17 ઓગસ્ટ 1909ના રોજ લંડનની પેન્ટવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી
ભારતીય ટપાલ વિભાગ દ્વારા 1992માં મદનલાલ ધિંગરાના સન્માનમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી છે.
બ્રિટીશરોની સરમુખત્યારશાહીને કારણે તેમનો મૃતદેહ ન તો તેમના પરિવારને કે સાવરકરજીને સોંપાયો. લંડનની પેન્ટનવિલે જેલમાં મદનલાલને ફાંસી આપવામાં આવી હતી. આ તે જ જેલ હતી જ્યાં શહીદ ઉધમ સિંહને પણ ફાંસી આપવામાં આવી હતી.
13 ડિસેમ્બર, 1976 ના રોજ, શહીદ ઉધમ સિંહની લાશની શોધ કરવા આવેલી ટીમને મદનલાલનો મૃતદેહ પણ મળ્યો, જેને પાછળથી સ્વતંત્ર ભારતમાં દફનાવવામાં આવ્યો. એક મહાન ક્રાંતિકારકને પરાજિત ભારતમાં મરી જવાની તક મળી ન હતી, પરંતુ તેમની રાખને મુક્ત ભારતની ધરતી મળી.
દેશને હંમેશાં તેના બહાદુર ક્રાંતિકારીઓનો ગૌરવ રહ્યો છે અને તેમ જ રહેશે. આજે દેશના લોકો ઉધમસિંહ અને મદનલાલ જેવા નાયકોને ભૂલી ગયા છે પણ તેમની સિદ્ધિઓ અને દેશભક્તિ ભૂલી શકાતા નથી.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work