મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 January, 2021

કલાપી જીવન પરિચય

 કલાપી જીવન પરિચય

રાજવી કવિ 



પુરુનામ: સુરસિંહ તખ્તસિંહ ગોહિલ

જન્મસ્થળ: લાઠી, અમરેલી

જન્મતારીખ: 26 જાન્યુઆરી 1874

ઉપનામ: કલાપી

અવસાન: 9 જૂન 1900

કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ  

તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં 26મી જાન્યુઆરી 1874ના રોજ થયો હતો. 

 તેઓ આઠ વર્ષની ઉમરથી, એટલેકે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે રહ્યા હતા

તે કદાવર અને બલવાન કાયાવાળા ક્ષત્રિય હતા, અને ગીરના સિંહની ભેટ લેવા માટે છેક તુલસીશ્યામ જતાં એક વખત જંગલમાં સંગાથ છોડી દઈને, એકલા નીકળી પડ્યા હતા. 'પેપર ચેઝ'ની રમતમાં 24 માઈલ દોડીને 20 મિનિટ અગાઉથી મોકલેલા જમાદાર અને બે સવારને પકડ્યા હતા."

"દોડવાની કસરત તેઓ નિયમિત કરતા, અને તેમના નાના ભાઈ વિજયસિંહજીને પણ આ કસરત કરવાની સલાહ એક પત્રમાં આપી છે."

"ઘોડેસવારીનો તેમનો ઘણો શોખ હતો અને 24 માઈલ દોડ્યા પછી 30 માઈલની ઘોડેસવારી કરવામાં તેમને આનંદ આવતો.

૧૮૮૯નુ વર્ષ તેમના જીવનના પરિવર્તનનું વર્ષ બની રહ્યું.

સુરસિંહ સગીર વયના હોવાથી લાઠી અંગ્રેજોની હકુમત હેઠળ હતું,

તેમનો રાજ્યાભિષેક 21 વર્ષની વયે ( 21મી જાન્યુઆરી 1895) લાઠી દરબાર તરીકે થયો. 

કલાપી તેમનું ઉપનામ હતું. 

તેમણે અનેક કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. તેમણે પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. 

 ૧૮૯૨ થી તેમનું સાહિત્ય સર્જન સોળે કળાએ ખીલતું જોવા મળે છે. તેમાં પણ એજ વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્ર વ્યવહાર નો પ્રારંભ થતાં તેમના સાહિત્ય સર્જનને બળ મળ્યું હોય તેવું જણાય છે. ધીરે ધીરે તેમનું સાહિત્ય વર્તુળ વધતું જાય છે.મણીલાલ નભુભાઈ દ્વિવેદી ,તેમને તો તેઓ તેમના જ્ઞાનગુરૂ માનતા હતાં,તે ઉપરાંત બળવંત ઠાકોર, લલીતજી, ભોળા કવિ, કવિ મસ્ત, કવિ કાન્ત અને જટિલ તેમજ બાલુનો સમાવેશ જોવા મળેછે. તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપીયર,મિલ્ટન,ગટે જેવા લેખકોને પણ ભરપુર વાંચ્યા.અંગ્રેજી સાહિત્ય મન ભરીને માણ્યું પણ તેની અસર તેમના સર્જન પર પડેલી જોવા નથી મળતી.

તેમના સર્જનનું ખરું પ્રેરક બળ તો તેમનું જીવન જ બની રહ્યું. અને તેમણે માત્ર ૨૬ વર્ષના આયુષ્યમાં ૨૫૯ કવિતાઓ એટલે અંદાજે ૧૫૦૦૦ પંક્તિઓ, ખંડ કાવ્યો,ઊર્મિ કાવ્યો,ગઝલો અને ઉત્તમ ગદ્યનું સર્જન કરી, ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધરાને અર્પણ કર્યાં.

૧૮૯૬-૯૭ નો સમય. ભાવનગર ના જીવણલાલની પ્રેસમાં તેમનાં કાવ્ય સંગ્રહ છાપવા માટે કવિના ખાસ મિત્ર બાલુ બધાં કાવ્યો લાવે છે. સંપાદન બાલુએ કર્યું હોવાથી સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુંનેજ સોંપે છે. પહેલું સુચન: બાપુ, સંગ્રહનું નામ “મધુકરનો ગુંજારવ” રાખીએ તો? કવિ જવાબ આપે છે: બાલુ, પણ આમાં હ્રદયનો ગુંજારવ ક્યાં છે? અન્ય એક મિત્ર એ સૂચન કર્યું કે, બાપુ, તમારું તખલ્લુસ “કલાપી” રાખીએ અને સંગ્રહનું નામ રાખીએ “કલાપીનો કેકારવ” બસ, ત્યારથી, લાઠીના એ રાજવી કવિ “કલાપી” તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવા લાગ્યા

કલાપીનું સમગ્ર સાહિત્ય સર્જન તેમના જીવનમાં બનેલા પ્રસંગો પર કે તેમના અંગત જીવનના અનુભવો પર જ આધારિત છે.

તેમણે એક મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો અને ૧૮૮ છંદોબદ્ધ કવિતા-ઉર્મી ગીતો લખ્યાં હતા,  કલાપીએ આ તમામ સાહિત્યનું સર્જન માત્ર દસ વર્ષના ગાળામાં જ કર્યું હતું.

કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહિલ (દીર્ઘકાવ્ય )

વર્ણન - કાશ્મીરનો પ્રવાસ 

નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

18 વર્ષની યુવાન વયે આ રાજવી કવિનું પ્રથમ કાવ્ય 'વૈરાગ્ય હાલ' વિશે હતું અને છેલ્લું કાવ્ય હતું આપની યાદી."

કલાપીનું સુખ્યાત ખંડકાવ્ય આપણને યાદ જ હોય. “ગ્રામ્યમાતા” અને એની આ અમર પંક્તિ :

રસહીન ધરા થઇ છે, ધ્યાનહીન થયો નૃપ; નહિ તો ના બને આવું, બોલી માતા રડી રહી.

એમની બીજી ચિરંજીવ કૃતિ એ એમની ગઝલ : “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની….

તે સમયના જાણીતા સાહિત્ય પ્રકાર સોનેટ સર્જનમાં. “શિકારી ને” કાવ્યમાં કવિ એમના સૌંદર્યબોધને વાચા આપતી ચિરંજીવ પંક્તિ આપે છે.

કલાપીના શાસનકાળમાં ગુજરાત-કાઠિયાવાડમાં ભયંકર 'છપ્પનિયા'ને નામે ઓળખાતો દુકાળ પડ્યો હતો.

9મી જૂન 1900ના દિવસે ૨૬ વર્ષની યુવાન વયે તેમનું નિધન થયું હતું. તેમનું મોત પણ આવી જ રાજકીય ખટપટમાં વિષ ભેળવેલા પેંડા ખાવાથી થયું હતું. 

૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩ માં મરણોત્તર પ્રકાશન કર્યું.

કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં ‘કાશ્મીરનો પ્રવાસ’, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે.

કલાપી તીર્થ અથવા કલાપી તીર્થ સંગ્રહાલય ગુજરાતી ભાષાના સાહિત્યકાર કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે. તે ગુજરાતના અમરેલી જિલ્લામાં કલાપીના જન્મસ્થાન લાઠી ખાતે આવેલું છે. કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો, પત્રો, તેમણે ઉપયોગમાં લીધેલી દુર્લભ ચીજો, રાજાશાહી કાળના રાચરચીલાનો અહીં વિશાળ સંગ્રહ છે. કલાપી જ્યાં રહેતા હતા તે રાજમહેલ, જેનાં કાંઠે બેસીને કાવ્યો લખતા હતા તે તળાવ વગેરે યાદોને પણ કલાપી તીર્થ સાથે સાંકળી લેવામાં આવી છે. ગુજરાતના સાહિત્યરસિકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર છે

  • 'રાજવી કવિ કલાપી’ નામનું પુસ્તકએમનાં જીવન વિશેનું પુસ્તક
  • એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે
  • 1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી

દિન એક ગયો, પછી લાખ ગયા

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! ૨

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩

                                                                 – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ




જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

                                                                 – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ


પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ !

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)


તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે

                                                         –સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work