મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

24 October, 2020

મહારાજા ભગવતસિંહજી જીવન પરિચય

 મહારાજા ભગવતસિંહજી જીવન પરિચય

24 ઓક્ટોબર 1865


પુરુનામ: ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા 
હુલામણૂ નામ: ગોંડલના બાપુ, ભગાબાપુ
જન્મ તારીખ: 24 ઓક્ટોબર 1865
જન્મ સ્થળ:  ધોરાજી
પિતાનું નામ: સંગ્રામસિંહજી
માતાનું નામ: મોંંઘીબા
અવશાન: 9 માર્ચ 1944 (ગોંડલ)

રાજ્યાભિષેક:– ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી.

લગ્ન – (ચાર રાણીઓ) :– પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા.

24 ઑક્ટોબર, 1865ના રોજ જન્મેલા ગોંડલના મહારાજ ઠાકોર સંગ્રામસિંહજીનાં રાણી મોંઘીબાની કૂખે ધોરાજી ખાતે ભગવતસિંહજીનો જન્મ થયો હતો.

ડૉ. એસ. વી. જાની લિખિત 'સૌરાષ્ટ્રનો ઇતિહાસ પુસ્તક'માં થયેલી નોંધ પ્રમાણે વર્ષ 1869માં સંગ્રામજીના અવસાન પછી તેમના પુત્ર ભગવતસિંહજી ગાદીવારસ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર ચાર વર્ષ હતી.

તેઓ સગીર હોવાથી ગોંડલ રાજ્યને બ્રિટિશ વહીવટ હેઠળ 15 વર્ષ સુધી મૂકવામાં આવ્યું હતું. 25 ઑગસ્ટ, 1884ના રોજ તેઓ વયસ્ક થતાં તેમણે સંપૂર્ણ સત્તા સાથે ગોંડલનો રાજવહીવટ સંભાળ્યો હતો.

ભગવતસિંહજીને 1875માં નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેમણે આઠ વર્ષ સુધી શિક્ષણ મેળવ્યું હતું.

અભ્યાસમાં તેઓ પ્રથમ વર્ગ મેળવતા હતા. આ સિવાય રમતગમતમાં પણ તેઓ હંમેશાં મોખરે રહેતા.

પોતાના સહાધ્યાયીઓ કરતાં તે અભ્યાસમાં ખૂબ જ આગળ રહેતા. જે કારણે કૉલેજના અધ્યાપકો તેમની ખૂબ પ્રશંસા કરતા. પાશ્ચાત્ય પદ્ધતિથી મેળવેલા શિક્ષણને અંતિમ સ્પર્શ આપવાના હેતુથી તથા પાશ્ચાત્ય સંસ્થાઓનો પરિચય મેળવવાના હેતુથી ભગવતસિંહજીએ વર્ષ 1883માં યુરોપનો પ્રવાસ કર્યો હતો.

વર્ષ 1887માં મહારાણી વિક્ટોરિયાના શાસનકાળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના બધા રાજાઓના પ્રતિનિધિ તરીકે પસંદ કરીને ભગવતસિંહને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા હતા.

ત્યારે મહારાણી વિક્ટોરિયાના હસ્તે તેમને કે.સી.આઈ.ઈ.નો ખિતાબ આપવામાં આવ્યો હતો. વર્ષ 1885માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને ફેલો નીમ્યા હતા.

1887માં ઍડિનબરો યુનિવર્સિટીએ તેમને એલએલ. ડી.ની માનદ ડિગ્રી આપી હતી. સંપૂર્ણ મુંબઈ પ્રાતમાં આવું વિરલ માન મેળવનાર તેઓ પ્રથમ હતા.

વર્ષ 1890માં તેમણે એમ.આર.સી.પી.ઈ. તથા એમ.બી.સી.એમ.ની માનદ મેડિકલ ડિગ્રીઓ મેળવી હતી. વર્ષ 1892માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ડી.સી.એલ. (ડૉક્ટર ઑફ સિવિલ લૉઝ)ની માનદ ડિગ્રી આપી હતી.

વર્ષ 1895માં તેઓ ઍડિનબરો યુનિવર્સિટીની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યાં તેમણે ‘અ હિસ્ટ્રી ઑફ આર્યન મેડિકલ સાયન્સિઝ’ નામનો મહાનિબંધ લખી એમ. ડી. (ડૉક્ટર ઑફ મેડિસિન)ની ડિગ્રી મેળવી હતી.

આ ડિગ્રી મળ્યાના થોડા મહિના બાદ તેમને ઍડિનબરોની રૉયલ કૉલેજ ઑફ ફિઝિશિયન્સના ફેલો બનાવવામાં આવતાં તેમને એફ.આર.સી.પી.નું માનદ પદ મળ્યું હતું. આમ તેઓ તે સમયે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષની સૌથી વધારે ભણેલી-ગણેલી વ્યક્તિઓ પૈકી એક હતા.


ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’-ભાગ ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે. તેઓ પણ એક સારા લેખક હતા અને સમૃદ્ધ પુસ્તકાલય ધરાવતા હતા. તેમનું સૌથી વિસ્મરણીય પ્રદાન છે  આ શબ્દોકોશ એ તેમની ચિરંજીવ કૃતિ છે. આ શબ્દકોશ 25 વર્ષમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો. આ શબ્દકોશ માટે નવા શબ્દ માટે 1 આનો આપવામાં આવતો હતો.


વર્ષ 1895માં પુણેની ફર્ગ્યુસન કૉલેજને 22,500 રૂપિયા, ઑક્સફર્ડ ઇન્સ્ટિટ્યૂટને 50 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. ઉપરાંત લંડનની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટને પણ દાન આપ્યું હતું. જેમાંથી તે સંસ્થાએ 'ગોંડલ રૂમ' બાંધ્યો હતો.

ફર્ગ્યુસન કૉલેજને અપાયેલ દાન બદલ કૉલેજમાં ગોંડલના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખવામાં આવતી. જે પ્રથા હજુ સુધી જળવાઈ છે.

હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના પણ શરૂ કરાઈ કરાઈ હતી. વિદ્વાન કેળવણીકારો પાસે અંગ્રેજી-ગુજરાતી વાચનમાળા તૈયાર કરાવી હતી. ઉપરાંતા તેમણે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ફારસી અને સંસ્કૃત વગેરે વિષયોમાં 161 ગ્રંથો પ્રસિદ્ધ કરાવ્યા હતા.

તેમણે પ્રાથમિક શિક્ષણના વિકાસ પર ભાર મૂક્યો હતો. પરિણામે તેમના 60 વર્ષના શાસનને અંતે 1943-44માં ગોંડલનાં 175 ગામોમાંથી 172 ગામોમાં તેમણે પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. શિક્ષકો મળી રહે તે માટે તેમણે ગોંડલમાં અધ્યાપન મંદિર શરૂ કર્યું હતું.

 'ભગવતસિંહજી સૌરાષ્ટ્રના રાજવીઓમાં સૌથી વધુ શિક્ષણ પામેલ અને સૌથી વધુ ડિગ્રીઓ ધરાવતા રાજવી હતા. રાજ્યની પ્રજાના શિક્ષણના વિકાસ માટે તેમણે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.'

સૌરાષ્ટ્રમાં શિક્ષણ માટે ખાસ કરીને મફત કન્યાકેળવણીના વિકાસના ક્ષેત્રે ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં ગોંડલને પ્રથમ સ્થાન તેમણે અપાવ્યું હતું

સૌરાષ્ટ્ની પ્રથમ રેલવે ભાવનગર-ગોંડલ વચ્ચે શરૂ થઈ હતી. તેમાં કુલ 86 લાખનો ખર્ચ થયો હતો. તેમાંથી ભાવનગર રાજ્યે 57 લાખ અને ગોંડલ રાજ્યે 29 લાખ ખર્ચ્યા હતા.

આ સિવાય રાજ્યમાં તાર અને ટપાલ સેવાનો પણ વિસ્તાર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દરેક મોટા ગામને ટેલિફોનની સગવડ પણ આપવામાં આવી હતી.

1924માં સૌરાષ્ટ્ર સૌપ્રથમ ગોંડલમાં વીજળી આવી હતી. ભગવતસિંહજી પુલ માટે સો વર્ષ અને રસ્તા માટે વીસ વર્ષનું બાંયધરીપત્રક તેનું બાંધકામ કરનાર કૉન્ટ્રાક્ટરો પાસેથી લખાવી લેતા.

સૌરાષ્ટ્રમાં કોઈએ ટ્રામ જોઈ ન હતી ત્યારે 1895-99માં ધોરાજીમાં ટ્રામ શરૂ કરાઈ હતી

કૂવા ખોદવા માટે ખેડૂતોને સહાય અપાતી હતી. પરિણામે કૂવાની સંખ્યા 1250થી વધીને 7500 થઈ હતી.

 ગોંડલ અને પાનેલીમાં મોટાં તળાવ બાંધી તેમાંથી નહેરો કાઢી સિંચાઈ માટેની સગવડો કરાઈ હતી.

છપ્પનિયા દુષ્કાળ વખતે ભગવતસિંહજીએ ખેડૂતોના મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો હતો અને ઘાસ ઉપરનો કર નાબૂદ કર્યો હતો. ગરીબો માટે રાહતકાર્યો શરૂ કરવામાં આવ્યાં હતાં.

દરરોજ બપોરે તેઓ બારથી એક વાગ્યા સુધી દરબારગઢમાં જાહેરજનતાને મળતા. આ સિવાય તેમણે રાજ્યની પોલીસવ્યવસ્થાને પણ મજબૂત અને કાર્યશીલ બનાવવાનું કામ કર્યું હતું.

સમાજના દરેક વર્ગના લોકો કોઈ પણ ભેદભાવ વગર રાજવીને હજૂર બંગલામાં, પુસ્તકાલયમાં કે દરબારગઢમાં ગમે ત્યારે મળી શકતા હતા.

રાજ્યના ન્યાયતંત્રનું આધુનિકીકરણ કર્યું હતું. દીવાની અને ફોજદારી અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. ન્યાય ઝડપથી મળી રહે તે માટે રાજા જાતે ખૂબ જ સજાગ હતા. પરિણામે ન્યાયવ્યવસ્થામાં પ્રજાનો વિશ્વાસ ખૂબ વધ્યો હતો.

ટૂંકમાં એમ કહી શકાય કે તેમના વહીવટતંત્રનું સૂત્ર હતું 'પ્રજાનું કલ્યાણ'.


  • ૨૫ ઑગસ્ટ, ૧૮૮૪ - રાજ્યાભિષેક
  • ૧૯૩૦-૩૩ - કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો - પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં.
  • શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
  • વૃક્ષપ્રેમ - ગોંડલ રાજ્યના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુઓ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા.
  • પુસ્તક પ્રકાશન – ભગવદ્ગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.

ગોંડલ રજવાડાની સ્થાપના ઇસ ૧૬૩૪માં જાડેજા વંશના ઠાકુર શ્રી કુંભોજી પ્રથમ મેરામનજી એ કરી હતી, જેમણે અરડોઇ અને અન્ય ગામો તેમના પિતા મેરામનજી તરફથી મેળવ્યા હતા. આ વંશના ચોથા રાજા કુંભોજી ચોથાએ ધોરાજીઉપલેટા, સરાઇ અને પાટણવાવ અને અન્ય પરગણાંઓ રાજ્યમાં ઉમેરીને વિસ્તાર કર્યો હતો. ગોંડલના છેલ્લા શાસક મહારાજા ભોજરાજી ભગવતસિંહજીએ ભારત સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ હસ્તાક્ષર કર્યા હતા

ગોંડલના શાસકો જાડેજા વંશના ઠાકુરો હતા જેઓ ૧૧ તોપોની સલામીનો હક ધરાવતા હતા. 

૧૮૬૬ પછી તેઓને'ઠાકુર સાહેબ'નો ઇકલાબ મળ્યો હતો.

૧૮૮૭ – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂકરી.
૧૮૯૫ – માં ફર્ગ્યુંસન કોલેજ, પૂ ના ને દાન આપી ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રીઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સીટી ને પણ દાન આપ્યું.
૧૯૦૦ – માં ગોંડલ ગરાસીયા કોલેજની સ્થાપના કરીજે હાલ સંગ્રામજી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે.
૧૯૧૯ – માં મફત અને ફરજીયાત શિક્ષણ ની શરૂઆત કરાવી.
૧૯૨૪ – માં ગોંડલ માં ઈલેક્ટ્રીસીટી નો પ્રારંભ કર્યો.
૧૯૨૮ – માં કે.કા. શાસ્ત્રી અને અન્ય વિદ્વાનો ને રાજ્યાશ્રય આપીને ભગવદ્ ગોમંડલ રચવાની શરૂઆત કરાવી જે- નવ ભાગ – માં વિભાજીત સૌથી મોટો ગુજરાતી વિશ્વકોષ છે.
૧૯૩૪ – માં બિહાર માં ધરતીકંપ આવતા ૧ લાખ રૂપિયા ની સહાય આપી.
1૯૩૪ – માં ગોંડલ કોઈપણ કરવેરા રહિત નું રાજ્ય બનાવ્યું.
૧૯૩૦-૩૩ – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી? અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
૧૯૩૬ – માં વાઇસરોય લોર્ડ વિલિંગટન ની ગોંડલ રાજ્ય ની મુલાકાત.


પુરસ્કાર અને સન્માન
  • ૧૮૯૭ - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઈ.ઈ. નો ઇલકાબ
  • ૧૯૩૪ - તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
  • જી.સી.એસ.આઇ., જી.સી.આઇ.આઇ., એફ.આર.એસ., ડી.સી.એલ., એમ.આર.આઇ., એફ.સી.પી એન્ડ એસ., ફેલો ઑવ બોમ્બે યુનિવર્સિટી


પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજી એ સ્વદેશી અપનાવાનું કહી ‘મેડ ઇન ગોંડલ’ અભિયાન ચાલુ કર્યું હતું

ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ દાખલ કરનારા વડોદરાના શાસક સયાજીરાવ ત્રીજા હતા. 1893માં તેમણે સૌરાષ્ટ્રના અમરેલી વિભાગનાં દસ ગામોમાં તેનો પ્રારંભ કર્યો હતો. પરંતુ 1919માં સંપૂર્ણ ગુજરાતમાં ફરજિયાત કન્યાકેળવણી દાખલ કરવામાં ગોંડલ રાજ્ય પ્રથમ હતું. વર્ષ 1919માં ફરજિયાત કન્યાકેળવણી દાખલ કરી હતી.

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ને કારણે સમગ્ર હિન્દુસ્તાનમાં લોકડાઉન છે. ત્યારે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓને સંબોધનમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પર વજન મૂક્યો હતો. જેનું ઉમદા ઉદાહરણ રાજવી કાળનું ગોંડલ અને પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજી કહી શકાય. 25 ઓગસ્ટ 1884ના રોજ યુવા અવસ્થામાં ગોંડલની રાજગાદી મહારાજા ભગવતસિંહજીએ સંભાળી ત્યારે સૌથી પહેલો સંદેશો પ્રજાજનોને આત્મનિર્ભર, સ્વાવલંબી અને સ્વદેશીનો આપ્યો હતો અને પોતાના રાજવી કાળમાં આ લક્ષ્યને પ્રજાના સહકારથી પૂર્ણ કર્યું હતું. 1884માં ગોંડલ રાજ્યમાં એકલ-દોકલ મિલથી લઈ નજીવા ધંધા રોજગાર હતા. ગોંડલ રાજ્ય બિલકુલ પરાવલંબી હતું ‘ગોંડલ બાપુ’ સત્તા આરૂઢ થતાં જ જાણે સમગ્ર રાજ્યમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેમ ‘રાજા અને પ્રજા’ બંન્ને એ નક્કી કર્યું કે લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ગોંડલમાં જ બનાવી સંપૂર્ણ સ્વદેશી અપનાવીએ અને આ શુભ સંકલ્પ સાથે ‘મેડ ઇન ગોંડલ’ની શરૂઆત થઈ હતી.

ભગવતસિંહજીને વર્ષ 1926માં 'મહારાજા'નું બિરુદ એનાયત કરાયું હતું. 1934માં તેમના શાસનકાળનાં પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે ગોંડલ રાજ્યની પ્રજા દ્વારા તેમનો સુવર્ણજયંતી મહોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તેમને સુવર્ણથી તોલવામાં આવ્યા હતા. સુવર્ણ તુલાવિધિ તારીખ 13 ડિસેમ્બર, 1934ના રાજ્યના પુરોહિત પોપટલાલ જગન્નાથ શુક્લે કરાવી હતી. આ વિધિમાં રાજવીનું વજન 60 કિગ્રા થયું હતું.

તેમણે આ સોનાની રકમ પ્રજાકલ્યાણમાં વાપરવાનું નક્કી કર્યું હતું. ભૂતકાળમાં સમ્રાટ અકબર અને શિવાજીની તુલાવિધિ સુવર્ણથી કરાઈ હતી. પરંતુ પ્રજાએ પોતાના રાજવીને સોનાથી તોળ્યા હોય અને તે સોનું પ્રજાકલ્યાણમાં ખર્ચવાનું નક્કી કર્યું હોય તેવો તો આ જગતમાં એક અનોખો પ્રસંગ હતો.

આ સુવર્ણવિધિનો કાર્યક્રમ લંડનના બીબીસી રેડિયો ઉપરથી પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. લંડનમાં 'ડેઇલી ટેલિગ્રાફે’'પણ તે અંગે મોટા મથાળા સાથે લખેલું અને તેમને 'આધુનિક ગોંડલના ઘડવૈયા' ગણાવ્યા હતા.

લંડનના 'ટાઇમ્સ', મુંબઈના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા', મદ્રાસના 'ઇન્ડિયન સ્ટેટ્સ ગૅઝેટ', મુંબઈના 'ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા' વગેરેએ આ પ્રસંગને વિશેષ પૂર્તિરૂપે બહાર પાડીને કે મુખ્ય સમાચાર તરીકે ચમકાવ્યા હતા.

મહારાજા ભગવતસિંહજીના સમયમાં રાજ્યમાં દારૂબંધીનો કાયદો હતો. ભગવતસિંહજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર યુવરાજ ભોજરાજને દારૂ પીવાનું છોડી દેવા અનેક વખત સલાહ આપ્યા છતાં તેની કાંઈ અસર ન થતાં તેમને ગોંડલની હદ છોડી જવા ફરમાન થતાં તેઓ મોવિયા જઈને રહ્યા હતા.

ધોરાજીમાં ગાયોની કતલ બંધ ન થાય ત્યાં સુધી રાજાએ ધોરાજીનું પાણી પણ ન પીવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. મહંમદઅલી ઝીણા ગોંડલમાં આવે તો કોમવાદી હિંસા ફેલાય તેવો ડર હતો, તેથી તેમને કુનેહપૂર્વક ગોંડલ આવતા રોક્યા હતા.

અફીણના વ્યસનને નાથવા તેમણે વ્યસનીઓ સામે ગોંડલ રાજ્યમાં નોકરી કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત દીકરીને દૂધપીતી કરવી, બાળહત્યા કરવાના કુરિવાજનો નાશ કરાયો હતો. રાજકુટુંબમાંથી ઓઝલ (પડદા) પ્રથા નાબૂદ કરી હતી. 1903-04માં રાજ્યે બાળાશ્રમ અને અનાથાશ્રમ શરૂ કર્યા હતા.

તમામ વસ્તુનું ગોંડલમાં ઉત્પાદન થતું હતું
‘શ્રી ભગવતસિંહજી ધ મેકર ઓફ મોર્ડન ગોંડલ’ પુસ્તકમાં નિહાલસિંઘે લખ્યું છે કે, ગોંડલના રાજવી કાળમાં 2 રૂપિયા ફૂટથી લઈને 50 રૂપિયા ફૂટ સુધીના ગાલીચા તૈયાર થતા હતા અને આવા કલામય ગાલીચા માટે કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું. ગાલીચાનું ઉન ગોંડલમાં જ રંગવામાં આવતું હતું. સિલ્વર જ્યુબિલી વર્કશોપમાં નાના સ્ક્રૂથી લઈ મોટી ગાડીઓ બનતી હતી. સુથારી કામ, લુહારી કામ તેમજ દરેક સંચાના સમારકામ પણ થતા હતા. બાંધકામમાં ઉપયોગી તમામ નાની-મોટી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું. ડામર રસ્તા માટે જરૂરી પંપ, એન્જિન તેમજ પેપરવેઈટ તથા ડામર ઓગાળવા માટેના એન્જિનો તેમજ કૂવામાંથી પાણી ખેંચવાના પંપ, તોલમાપના સાધનો, સિમેન્ટના બુગદા, ગરાદ, લાદી, લોખંડી કામ માટેની કાતરો, હીટર, બોઇલર તથા કોટન ઉદ્યોગ તેમજ ફર્નિચર અને હાર્ડવેરનો તમામ સામાન ઉત્પાદન થતો હતો.


છાપખાનની દરેક વસ્તુ પણ ગોંડલમાં બનતી

ગોંડલ રાજ્યમાં ખાણનો ઉદ્યોગ પણ સારો ખીલ્યો હતો. તેથી પથ્થરો પણ આયાત કરવાની જરૂર નહોતી. કારખાનાઓમાં વીજળીના થાંભલા, રેલિંગ, ચશ્મા, સુડીસપ્પા, સ્ટવ, અનાજ દળવાની ઘંટી, ઓઇલ એન્જિન અને ચિચોળા પણ બનતા. ગોંડલના છાપખાનામાં એ સમયે ટાઈપ ફાઉન્ડ્રી, બ્લોક મેકિંગ, લિથો પ્રિન્ટિંગ, સોનેરી બાઇન્ડિંગ, એમ્બોસિંગ, ટિકિટ કટીંગ અને પ્રિન્ટિંગ વગેરે કામો થતા હતા. ટાઈપની મેટ્રિસો કે જે એ સમયે પરદેશથી આયાત થતી હતી તે પણ ગોંડલમાં જ ઇલેક્ટ્રો પ્રોસેસથી તૈયાર કરવામાં આવતી હતી.
અનેક પ્રકારના સાધનો પણ બનતા હતા
છાપકામ માટેના કાગળો, જસત અને ત્રાંબાના બ્લોક, તકતીઓ, શિલાલેખ, નાના-મોટા નકશાઓ, શિક્ષણ સાહિત્યના સાધનો પણ ગોંડલમાં બનતા હતા. પ્લાસ્ટર ઓફ પેરિસ જેવું પ્લાસ્ટર ગોંડલ રાજ્ય નું વિખ્યાત થયેલ હતું ભારત વર્ષની નાની મોટી હોસ્પિટલોમાં તે સમયે જીવ વિજ્ઞાનના પ્રયોગમાં લેવામાં આવતું. લાકડાના રમકડાં, ઉનની ધાબડી, દાંતની ચુડીઓ, મોજીરાની ઘંટીઓ અને ઓરસીયા તેમજ ચામડાનો ઉદ્યોગ પણ હતો. મીનારી કામ, જીક-સતારાનું કામ, રેશમી બાંધણીઓ વખણાતી હતી. ગ્રામ્ય ઉદ્યોગોમાં ચિનાઈ માટી જેવા માટીના વાસણો, સુતરના બારીક વણતરના કામો પણ વખણાતા હતા.


તે સમયે વિદેશી દવાઓ પણ બનતી હતી
ગોંડલ રસશાળાની દવા હિન્દુસ્તાન તેમજ વિદેશમાં પણ નિકાસ થતી હતી. રાજ્યમાં વિલાયત દવાઓ પણ બનતી હતી. નાહવા અને કપડાં ધોવાના સાબુ પણ બનતા તથા લોખંડની તિજોરી, સંચા, સોનું તોલવાના કાંટા પણ બનતા હતા. આ વાતની પુષ્ટી ‘ગોંડલ બાપુ’ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદજીએ તથા ‘ભગવત ગુણભંડાર’ પુસ્તકમાં લેખક રાજેન્દ્ર દવે એ પણ કરી છે. આવી રીતે તમામ ચીજવસ્તુઓનું ગોંડલમાં ઉત્પાદન થતું અને સ્વાવલંબી બન્યું હતું.


મહારાજાને લોકોએ સોનાથી તોલ્યાં હતા
આત્મનિર્ભર ગોંડલને રાજવી કાળમાં ખૂબ જ સમૃદ્ધ અને વિકાસશીલ અને લોકોને તમામ સ્વદેશી વસ્તુઓ વાપરી વિદેશ જેવી સગવડતા પ્રાપ્ત થતી હતી. રાજાનો ઉમદા સંકલ્પ અને પ્રજાની મહેનતથી ગોંડલે પ્રથમ દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજીએ 60 વર્ષ શાસન કર્યું હતું અને 50 વર્ષ શાસનકાળને પૂર્ણ થતા 25 ઓગસ્ટ 1934ના દિવસે ‘સુવર્ણ મહોત્સવ’ પ્રસંગે ‘આત્મનિર્ભર ગોંડલ’ને ભારતનું પ્રથમ સંપૂર્ણ ટેક્સ ફ્રી રાજ્ય બનાવ્યું હતું. ગોંડલ સર્જક પ્રજાવત્સલ મહારાજાને લોકોએ સોનેથી તોલ્યાં હતા. ભારતના ઇતિહાસમાં શિવાજી મહારાજ પછીનો આ પ્રથમ પ્રસંગ હતો અને એ સોનાને પ્રજાના કલ્યાણ અર્થે વાપરવાનો વિશ્વનો પ્રથમ પ્રસંગ હતો.


ભગવતસિંહજી “ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા…સર ભગવતસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચારઆના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. આજે ગોંડલ રાજ્યની કોઇ વૃધ્ધા તમને અભણ જોવા નહી મળે.ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવા હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગતમદદનિશ તરીકે જમનાબાઇને નિમણૂંક આપી હતી.


ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા. એકવખત કોઇએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગાબાપુએ કહેલુ કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડુ દિલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે. પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય. મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે.
કોઇ કલ્પના પણ કરી શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ? ભગવતસિંહજીએ ગોંડલને વેરામૂક્ત રાજ્ય બનાવેલું. રાજયની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પુરી તકેદારી રાખતા. એકવખત ટાંચણીના ભાવમાં ઉછાળો આવ્યો ત્યારે ટાંચણી ખરીદવાના બદલે એણે બાવળની શૂળો વાપરવા માટેની કચેરીને સુચના આપેલી અને જ્યાં સુધી ટાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યુ. ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બીલ આપતા હતા. મહાત્મા ગાંધી, બ્રિટીશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધુ હતું.


મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા. પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા. ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે ‘સબસલામત’નો પોલીસ પટેલનો ટેલીફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા.( તે સમયે ગોંડલમાં ટેલીફોન લાઇન, રેલ્વે, અંન્ડર ગ્રાઉન્ડ ઇલેટ્રીસીટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી).


પ્રજાની નાની-નાની મુશ્કેલીઓને પણ બહુ મહત્વ આપતા. એકવખત એક ડોશીએ ભગવતસિંહજીને ભારો ચડાવવા માટે વિનંતી કરી. પોતાનો કોઇ પરિચય આપ્યા વગર એમણે સામાન્ય માણસની જેમ ડોશીમાંના માથા પર ભારો મુક્યો. ડોશીએ એ વખતે કહ્યુ કે ભગાબાપુ અમને ‘થાકલા’ બનાવી દે તો કોઇની મદદની જરૂર ન પડે. મહારાજા સાહેબે ડોશીમાં પાસેથી ‘થાકલા’ એટલે શું એ સમજી લીધુ અને પછી રાજ્યના મુખ્ય ઇજનેરને બોલાવીને રાજ્યના તમામ રસ્તાઓ પર એક માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી આપવાની સુચના આપી.( આજે પણ અમુક જગ્યાએ આ થાકલાઓ જોવા મળે છે. જેમાં માણસની ઉંચાઇના બે મોટા પથ્થરોની ઉપર એક ત્રીજો પથ્થર મુકેલો હોયે જેના પર ભારો મુકીને મુસાફર આરામ કરી શકે અને જ્યારે એને જવુ હોય ત્યારે ભારો ચડાવવા માટે કોઇ મદદગારની જરુર જ ન પડે).


પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતુ ત્યારે તે લોકોએ કોલેજના કોઇ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મુકી. મહારાજા સાહેબે કહ્યુ કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઇ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો. આજે પણ ફરગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે. 
ભગાબાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાકટર પાસે બોંડ સાઇન કરાવતા અને વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાકટરના માથે નાંખતા. બાંધકામ કેવુ થયુ છે એની ચકાસણી ખૂદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા. 

 ગાંધીજીએ વર્ષ 1915માં ભારત પરત ફર્યા બાદ ગોંડલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત એટલા માટે મહત્ત્વની ગણી શકાય, કારણ કે તેઓ વિશ્વભરમાં 'મહાત્મા ગાંધી' તરીકે જાણીતા બન્યા હતા તે 'મહાત્મા'ની પદવી ગાંધીજીને વર્ષ 1915માં ગોંડલના રસશાળા ઔષધાશ્રમ તરફથી અર્પણ કરાયેલા માન-પત્રમાં આપવામાં આવી હતી.


મહારાજા ભગવતસિંહજી જીવ્યા ત્યાં સુધી હરહંમેશ પોતાની પ્રજાના હિતનો વિચાર મનમાં લઈને જીવ્યા. આવા પ્રજાવત્સલ, વિદ્યાપ્રેમી અને દયાળુ રાજવીનું 9 માર્ચ , 1944ના રોજ દેહાવસાન થયું હતું. તેમના બાદ ગોંડલની ગાદીએ તેમના પુત્ર ભોજરાજજી આવ્યા હતા.


ભગવતસિંહજી વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે.

વિશેષ માહિતિ માટે PDF ફાઇલ વાંચો... અહિ ક્લિક કરો.

ભગવદ્ગોમંડલ શબ્દ્કોષ વિશેની માહિતી મેળવવા અહિ ક્લિક કરો.





No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work