મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
(વડોદરા સ્ટેટના મહારાજા)
જન્મતારીખ: 11 માર્ચ 1863
જન્મસ્થળ: કવલાણા, માલેગાવ જિલ્લો, નાસિક, મહારાષ્ટ્ર
પિતાનું નામ: કાશીરાવ ભીખાજીરાવ દાદાસાહેબ ગાયકવાડ
માતાનું નામ: ઉમાબાઈ
અવશાન: 6 ફેબ્રુઆરી 1939
સયાજીરાવનો જન્મ 11 માર્ચ 1863ના રોજ નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવલાણા ગામમાં સૂર્યવંશી મરાઠા પરિવારમાં થયો હતો. કાશીરાવ ભીખાજીરાવ દાદાસાહેબ ગાયકવાડ (૧૮૩૨-૧૮૭૭) અને ઉમાબાઈના બીજા પુત્ર સયાજીરાવનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશેની PDF ફાઇલ મેળવવા અહી ક્લિક કરો.
૧૮૭૦માં વડોદરાના લોકપ્રિય મહારાજા સર ખંડેરાવ ગાયકવાડ (૧૮૨૮-૧૮૭૦)ના મૃત્યુ બાદ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેમના ભાઈ મલ્હારરાવ ગાયકવાડ (૧૮૩૧-૧૮૮૨) તેમના અનુગામી બનશે. જોકે, મલ્હારરાવની છબી પહેલેથી જ નકારાત્મક હતી. તેમને અગાઉ ખંડેરાવ ગાયકવાડની હત્યાના કાવતરા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ખંડેરાવના વિધવા મહારાણી જમનાબાઈ (૧૮૫૩-૧૮૯૮) ખંડેરાવના મૃત્યુ સમયે ગર્ભવતી હતા પરંતુ ગર્ભમાં રહેલા બાળકનું લિગ સાબિત ન થાય ત્યાં સુધી ઉત્તરાધિકાર પ્રક્રિયામાં વિલંબ થયો. બાળક દીકરી સાબિત થયું અને ૫ જુલાઈ, ૧૮૭૧ના રોજ મલ્હારરાવ સત્તામાં આવ્યા.
મલ્હારરાવે ઉદાર હાથે પૈસા ખર્ચ્યા. નક્કર સોનાની તોપ, મોતીની જાજમ જેવા અન્ય શાહી ખર્ચાઓથી વડોદરાની તિજોરી લગભગ ખાલી કરી નાખી. મલ્હારરાવની કૂરતા અને ઘોર જુલમના અહેવાલો ટૂંક સમયમાં બ્રિટિશ આર્મી ઓફિસર રોબર્ટ ફેયર સુધી પહોંચ્યા. મલ્હારરાવે રોબર્ટ ફેયરને રાસાયણિક ઝેર (આર્સેનિક) આપવાનો પ્રયાસ કરીને પોતાના કાર્યોને ઢાંકવાનો પ્રયાસ કર્યો.
બ્રિટીશ ભારતના તત્કાલીન રાજ્ય સચિવ લોર્ડ સેલિસબરીએ ૧૦ એપ્રિલ ૧૮૭૫ના રોજ મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરી મદ્રાસ ખાતે દેશનિકાલ કરવાનો આદેશ કર્યો, જ્યાં તેઓ ૧૮૮૨માં ગુમનામીમાં મૃત્યુ પામ્યા હતા
વડોદરાની ગાદી ખાલી પડી હતી તેથી મહારાણી જમનાબાઈને તેમના વંશના વડાઓને વડોદરા હાજર થઈ તેમને અને તેમના પુત્રોને તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું, જેથી તે ગાદીનો વારસદાર નક્કી કરી શકે.
કાશીરાવ અને તેમના ત્રણ પુત્રો આનંદરાવ (૧૮૫૭-૧૯૧૭), ગોપાલરાવ (૧૮૬૩-૧૯૩૯) અને સંપતરાવ (૧૮૬૫-૧૯૩૪) કવલાણાથી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર વડોદરા આવ્યા. એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકોને પુછવામાં આવ્યું કે તેમનો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ત્યારે ગોપાલરાવે અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે "હું અહીંયા શાસન કરવા આવ્યો છું.. ગોપાલરાવને અંગ્રેજોએ ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા અને તે મુજબ ૨૭ મે, ૧૮૭૫ના રોજ મહારાણી જમનાબાઈએ તેમને દત્તક લીધા હતા. તેમને સયાજીરાવ નામનું નવું નામ પણ આપવામાં આવ્યું હતું. તેઓ ૧૬ જૂન, ૧૮૭૫ના રોજ વડોદરા રાજ્યના રાજા બન્યા, કાચી વયના કારણે શરૂઆતમાં રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું. પુખ્ત વયના થતાં જ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૧ના રોજ સંપૂર્ણ સત્તા હસ્તગત કરી શાસનની શરૂઆત કરી. તેમની કાચી વય દરમિયાન તેમને રાજા સર ટી. માધવ રાવ દ્વારા વહીવટી કૌશલ્યમાં વ્યાપક શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમણે પોતાના યુવા નેતાને દૂરંદેશી અને લોકકલ્યાણ પ્રદાન કરવાની ઇચ્છા સાથે તૈયાર કર્યા હતા. આ સમયગાળામાં માધવરાવે મલ્હારરાવ દ્વારા નિર્મિત અંધાધૂંધી દૂર કરી રાજ્યને સામાન્ય સ્થિતિમાં પુનઃસ્થાપિત કર્યું હતું. માનવ પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં મહારાજાએ પોતાના જીવન દરમિયાન જે સિદ્ધિ હાંસલ કરી તેનો શ્રેય એફ. એ. એચ. એલિયટને આપવો જોઈએ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું.
સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે,
અઢાર વર્ષની વયે વડોદરા રાજ્યનો સંપૂર્ણ વહીવટ સંભાળનાર મહારાજા સયાજીરાવે પ્રથમ પત્નિની સ્મૃતિમાં ન્યાય મંદિર બંધાવ્યુ હતું જ્યાં હવે મ્યુઝિયમ બનનાર છે.
ગુજરાતના સૌથી મોટા મહેલ લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું.
વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 1881માં બરોડા કોલેજ ઓફ સાયાન્સની સ્થાપના કરી હતી બાદમા આને આઝાદી પછી 1949માં M.S.University (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી)ની નામ રાખવામાં આવ્યું હતું. જેનું સૂત્ર છે- સત્યં શિવં સુન્દરમ
લોકો નાણાકીય વ્યવહાર સરળતાથી કરી શકે તે માટે તેમણે બેંક ઓફ બરોડાની સ્થાપના 1908માં કરી
આઝાદી પૂર્વેના 550 રજવાડામાં અસ્પૃશ્ય વર્ગને સન્માનનીય સ્થાન આપનાર વડોદરા સ્ટેટના સયાજીરાવ એકમાત્ર રાજા હતા
જીવન ઝરમર
- 1875 – વડોદરા રાજયના રાજકુમાર તરીકે દત્તક લેવાયા
- 1881 – વડોદરા રાજ્યની ગાદી સંભાળી
- 1880 – પ્રથમ લગ્ન તાંજોરના લક્ષ્મીબાઈ સાથે (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ)
- 1882 – બીજા લગ્ન દેવાસના ગજરાબાઈ (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ સાથે)
- 1879 – વડોદરા કોલેજનો પાયો નખાયો, સયાજીબાગ ખુલ્લો મૂકાયો
- 1880-1890 – વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની રચના
- 1885 – આજવા સરોવર યોજનાનો પ્રારંભ
- 1906 – વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત
- વડોદરા રાજ્યમાં ગામે ગામે પુસ્તકાલયોની સ્થાપના
- 1911 – દિલ્હી દરબારમાં બ્રિટીશ રાજાની સામે ઝૂકવાની ના પાડીને સરકારની ખોફગી વહોરી લીધી
- 1912 – ગુજરાતી સાહિત્યપરિષદના વડોદરા અધિવેશનને સંબોધન
- ભારતમાં અંગ્રેજી શાસનના ગાળામાં શ્રેષ્ઠ રાજ્યકર્તાઓમાં અગ્રસ્થાને
- પ્રજાપ્રેમી રાજા, વડોદરા રાજ્યના તથા પ્રજાના કલ્યાણ માટે વિકાસયોજનાઓ ઘડી
- સંસ્કૃતિ-કલા- શિક્ષણને ઉત્તેજન આપી વડોદરાને ‘સંસ્કારનગરી’ તરીકે પ્રતિષ્ઠા અપાવી
- અનેક નામાંકિત વ્યક્તિઓને આશ્રય અને ઉત્તેજન આપ્યુ
સન્માન
- બ્રિટીશ સરકારે ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપ્યો હતો
- તેમના માનમાં ભારત સરકારે ટિકીટ બહાર પાડી છે.
- ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી
મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.
મહારાજાએ પોતાના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણસંબંધી અનેક સુધારા કર્યા. શાસન અને વ્યવસ્થાને અલગ બનાવ્યા. રાજ્યની ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું. કીર્તિ મંદિર, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, લક્ષ્મી વિલાસ મહેલ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવ્યું.
તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૯માં અવસાન થયું હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને ખાસ સન્માનો થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેઓ ને બ્રિટીશ સરકાર દ્વારા ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપવામાં આવ્યો.
તેમના માનમાં ભારત સરકારે ટપાલ ટિકીટ બહાર પાડી છે. આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા.
વડોદરા ને અત્યાધુનિક બનાવનારા આવા રાજા ને શત-શત નમન.,.,